જમ્મુ-કાશ્મીરમાં મતદાન પહેલાં બે આતંકવાદી હુમલા: ગોળીબારમાં પ્રવાસી દંપતી અને ભાજપના નેતાનું મોત

Jammu and Kashmir Terrorist Attack: જમ્મુ-કાશ્મીરના અનંતનાગ અને શોપિયાંમાં ફાયરિંગની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. શોપિયાંના હીરપોરા વિસ્તારમાં આતંકવાદીઓએ ભાજપના નેતા અને પૂર્વ સરપંચ એજાઝ અહેમદ પર ગોળીબાર (Jammu and Kashmir Terrorist Attack) કર્યો હતો. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મૃત્યુ થયું હોવાનું અહેવાલ છે. જ્યારે અનંતનાગના પહેલગામ વિસ્તારમાં રાજસ્થાનના એક કપલને ગોળી મારી દેવામાં આવી હતી.

એક અલગ ઘટનામાં, શનિવારે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં પૂર્વ સરપંચ પર આતંકવાદીઓએ નજીકથી ગોળીબાર કર્યો હતો. સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઘાયલ પૂર્વ સરપંચની ઓળખ એજાઝ અહેમદ શેખ તરીકે થઈ છે, જેમને શોપિયાંના હિરપોરામાં રાત્રે લગભગ 10.30 વાગ્યે ગોળી મારી દેવામાં આવી હતી. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે દમ તોડી દીધો હતો.

કપલની હાલત ગંભીર, હાલ સારવાર ચાલુ
માહિતી અનુસાર આતંકવાદીઓએ પહેલગામમાં એક પ્રવાસી કેમ્પને નિશાન બનાવ્યો હતો. અહીં જયપુરના એક કપલ ફરહા અને તબરેઝને ગોળી ધરબી દીધી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, પતિ-પત્ની બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ભાજપ નેતા એજાઝ અહેમદની હત્યા
ઘટનાની માહિતી મળતા જ સુરક્ષાદળોની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરિંગ બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. સર્ચ ઓપરેશન ચાલુ છે. ઉલ્લેખનીય છે કે શોપિયાના હીરપોરા વિસ્તારમાં થયેલી ફાયરિંગમાં ભાજપ નેતા એજાઝ અહેમદ ખરાબ રીતે ઘાયલ થયા હતા. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

આ હુમલો બારામુલ્લામાં લોકસભા ચૂંટણીના મતદાન પહેલા થયો હતો. બારામુલ્લામાં 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે. શ્રીનગરમાં રેકોર્ડબ્રેક મતદાન બાદ બારામુલ્લા અને ઉત્તર કાશ્મીરમાં મતદાનની ટકાવારી વધી શકે તેવી અપેક્ષા છે.

આ પહેલા 16 મેના રોજ ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમે ઉત્તર કાશ્મીરના કુપવાડાના તંગધાર વિસ્તારમાં નિયંત્રણ રેખા (LOC) પર આતંકવાદી ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં નિયંત્રણ રેખા (LOC) પાર કરીને ચાર આતંકવાદીઓને ઘૂસણખોરી કરતા જોયા.

4 મેના રોજ એરફોર્સના જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો
આ પહેલા 4 મેના રોજ પૂંચમાં એરફોર્સના જવાનો પર આતંકી હુમલો થયો હતો. જેમાં એક જવાન શહીદ થયો હતો. હુમલામાં પાંચ સૈનિકો ઘાયલ થયા હતા, જેમને એરલિફ્ટ કરીને ઉધમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ હુમલો પૂંચના શાહસિતાર વિસ્તારમાં થયો હતો. આતંકવાદીઓએ સુરક્ષાદળોના બે વાહનો પર જોરદાર ગોળીબાર કર્યો હતો. આમાંનું એક વાહન એરફોર્સનું હતું. બંને વાહનો સનાઈ ટોપ તરફ જઈ રહ્યા હતા. આતંકવાદીઓની ગોળીઓ વાહનના આગળના અને બાજુના કાચને ઓળંગી ગઈ હતી.

સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, વાયુસેનાના ગરુડ વિશેષ દળને ઘટનાના વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે. સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ પણ ઘટનાસ્થળે હાજર છે. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. વાયુસેનાએ એક્સને જણાવ્યું કે અમારા જવાનોએ પણ આતંકવાદીઓ સામે જવાબી કાર્યવાહી કરી.

છેલ્લા 2 વર્ષમાં આતંકવાદીઓ દ્વારા હત્યાની અન્ય ઘટનાઓ…
7 ફેબ્રુઆરી 2024ના રોજ, જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના હબ્બા કદલ વિસ્તારમાં આતંકવાદીઓએ શીખ સમુદાયના બે લોકોને AK-47 રાઈફલથી ગોળી મારી દીધી હતી. અમૃતસરના રહેવાસી અમૃતપાલ (31)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અમૃતસરના રહેવાસી રોહિત (25)ને પેટની ડાબી બાજુએ ગોળી વાગી હતી. સારવાર દરમિયાન બીજા દિવસે તેનું મોત નીપજ્યું હતું.

કાશ્મીરી પંડિત સંજય શર્માની 26 ફેબ્રુઆરી 2023ની સવારે પુલવામામાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. તે તેના ગામમાં રક્ષક તરીકે કામ કરતો હતો. તે સવારની ફરજ પરથી પરત ફરી રહ્યો હતો. ત્યારબાદ આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો.

29 મે 2023ના રોજ આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં એક નાગરિકની ગોળી મારીને હત્યા કરી હતી. મૃતકની ઓળખ દીપક કુમાર (દીપુ) તરીકે થઈ હતી.

દીપક જમ્મુના ઉધમપુરનો રહેવાસી હતો અને અનંતનાગના જંગલાત મંડીમાં સર્કસ મેળામાં કામ કરતો હતો. જ્યારે તે શહેરમાંથી પાણી લેવા ગયો ત્યારે આતંકવાદીઓએ તેને નજીકથી ગોળી મારી દીધી હતી.

26 વર્ષીય દીપક પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર હતો, એમ તેના ભાઈએ જણાવ્યું હતું. ઘટનાના એક દિવસ પહેલા તેની સાથે ફોન પર વાત થઈ હતી. તેણે કહ્યું કે તે ખર્ચ માટે કેટલાક પૈસા ઘરે મોકલશે.

ભાઈએ જણાવ્યું કે મારી આંખો છેલ્લા ચાર વર્ષથી ખરાબ છે. મારા પિતા જોઈ શકતા નથી, કામ કરી શકતા નથી. અમને ન્યાય જોઈએ છે. આ ઘટનાના વિરોધમાં અનંતનાગ સિવિલ સોસાયટીએ અનંતનાગમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.