સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માતની ઘટનાઓ દરમિયાન ફરીવાર એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં તાપી જિલ્લામાં ડોલવણના ગાંધી ઓવારા નજીક બેફામ કારની અડફેટે ઘવાયેલા 4 બહેનોના એકના એક ભાઈનું આજે સિવિલ હોસ્પિટલમાં 6 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, 28મી ઓગસ્ટના રોજ બુહારી ગામ બનેવીને મિત્ર સાથે મોપેડ પર લેવા જઈ રહેલા સાહિલને કારે અડફેટે લેતા બન્ને મિત્રો ઘાયલ થયા હતા. બન્ને મિત્રોને તાત્કાલિક સારવાર માટે નજીકની રેફરલ હોસ્પિટલમાં લઈ જવાયા બાદ સાહિલને ગંભીર હાલતમાં સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે લિંકન ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ સુરત નોકરી કરે છે. પહેલીવાર સાળા સાહિલને બુહારી ગામ એસટી ડેપો પર લેવા બોલાવ્યો હતો. જોકે, ડેપો પર નહીં દેખાતા એના મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફોન નહીં ઉપાડતા તેણે ઘરે ફોન કર્યો હતો. ત્યારે તે ઘરેથી નીકળી ગયો હોવાનું જાણવા મળતા રાહ જોતો હતો. આ દરમિયાન, 108માંથી ફોન આવ્યોને ખબર પડી સાહિલ અને તેના મિત્રનો અકસ્માત થયો છે અને વ્યારા રેફરલ લઈ ગયા છે.
વધુમાં જણાવ્યું હતું કે, રેફરલ હોસ્પિટલ પહોંચતા સાહિલને ગંભીર ઇજાઓ પહોચી હતી. ત્યારબાદ તાત્કાલિક સુરત લઈ આવ્યા હતા. લગભગ 6 દિવસ સુધી મોત સામે લડી રહેલા સાહિલે આજે વહેલી સવારે હિંમત હારી છેલ્લા શ્વાસ લીધા હતા. ચાર બહેનોનો એકનો એક ભાઈ અલવિદા કરી ગયો હોવાનું જાણવા મળતા જ ચારેય બહેનો શોકમાં ગરકાવ થઈ ગઈ હતી.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, અકસ્માત બાદ કાર ચાલક કાર ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઇ ગયો હતો. એટલું જ નહીં પરંતુ બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. કારનો ચાલક નશામાં કાર ચલાવતો હોવાથી સાહિલને અડફેટે લીધો હોય એવી આશંકા સેવાઈ રહી છે. જોકે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.