રાજકોટના જેતપુરમાં વીજ શોક લાગવાથી અગાસી પરથી પકટાયેલા યુવાનને સારવાર માટે જૂનાગઢ લઈ જતી વખતે એમ્બ્યુલન્સ ખોટકાઈ. આથી દર્દીના સગાએ તાબડતોબ 108 ઇમરજન્સી સેવાને ફોન કર્યો અને એ એમ્બ્યુલન્સ આવે ત્યાં 20 મિનિટનો સમય વીતી ગયો હતો. કઠણાઇ તો એ હતી કે, જે 108 વાન આવી તેમાં ઓક્સિજન ન હતો. આથી તરત જ ખોટકાયેલી એમ્બ્યુલન્સમાંથી ઓક્સિજન સિલિન્ડરને ટ્રાન્સફર કરીને યુવાનને જૂનાગઢ લઇ જવાયો પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડું થઇ ગયું હતું. જૂનાગઢ સિવિલના ડોકટરોએ કહ્યું કે, અફસોસ.. તમે પંદર મિનિટ વહેલા આવ્યા હોત તો યુવાનની જિંદગી બચી શકી હોત. હવે જો સિવિલની વાનમાં પુરતો ઓક્સિજન બાટલો હોત તો એક માતાનો લાડકવાયો, એક વર્ષ પહેલાં જ પરણીને આવેલી પત્નીનો પતિ અને બે બહેનનો એકનો એક ભાઇ જીવિત હોત.
જેતપુર શહેરનાં ધોરાજી રોડ પર રહેતાં અને એચડીએફસી બેન્કનાં લોન વિભાગમાં નોકરી કરતા બિરેન જીતેન્દ્રભાઈ જયસ્વાલ અગાસી પર હતો. ત્યારે બાજુમાંથી પસાર થતી ૧૧ કેવીની વીજ લાઈનમાં બિરેનના હાથમાં રહેલો લોખંડનો પાઈપ અડી ગયો. આથી જોરદાર કરંટ લાગતાં બિરેન અગાસી પરથી નીચે જમીન પર પડ્યો હતો. પરિવારજનોએ સરકારી હોસ્પિટલે લઈ જતાં ડયુટી પરના ડોકટરો પ્રાથમિક સારવાર આપી ઓક્સિજન લગાવી વધુ સારવાર માટે સિવિલની એમ્બ્યુલન્સ મારફત જૂનાગઢ રીફર કર્યો હતો.
એમ્બ્યુલન્સ હજુ તો જેતલસર ચોકડી પાસે પહોંચતાં જ ખોટકાઈ. જેથી બિરેનના સગાએ ૧૦૮ને બોલાવી હતી. જે 20 મિનિટ બાદ આવતા બિરેનને તેમાં ફેરવવામાં આવ્યો. પરંતુ એમ્બ્યુલન્સમા ઓક્સિજનની સુવિધા ન હતી. આથી ખોટકાયેલી વાનમાંથી સિલિન્ડર ફરીથી લગાડવામાં આવ્યું અને જૂનાગઢ પહોંચ્યા ત્યાં સુધી બિરેન મૃત્યું પામ્યો હતો.. જેતપુર સિવિલમાં ફરજ પરનાં ડોકટરે ઓક્સિજન ચડાવતી વખતે જણાવ્યું હતું કે, જૂનાગઢ સુધી આરામથી પહોંચી જશો.
આ ઘટનામાં બિરેનનાં મોત પાછળ જવાબદાર કોણ? જેતપુર સરકારી હોસ્પિટલ કે, જે એ ગ્રેડની હોવા છતાંય મામૂલી ઈજામાં પણ ઈજાગ્રસ્તને રીફર જ કરી આપે છે તે ? કે પછી અધવચ્ચે ખોટકાઈ જતી ભંગાર હાલતની એમ્બ્યુલન્સ રાખવાં બદલ અધિક્ષક? કે સિલિન્ડર આખો ભરેલો છે તેમ કહેનારા ડોકટરો? તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
બિરેન તેની માતાનો એક માત્ર આધાર હતો. હજુ એક વર્ષ પહેલા જ પરણેલા બિરેનની પત્ની પર પતિનાં આકસ્મિક મોતથી આભ ફાટી પડ્યું હતું. અને બે પરીણિત બહેનોનો એકનો એક ભાઈ કાયમ માટે છીનવાઈ ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.