ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના પાલનપુરમાં એક પિતાએ ન્યાયની અપેક્ષા સાથે પુત્રના મૃતદેહને છેલ્લા 20 મહિનાથી ઘરમાં સાચવીને રાખ્યો છે. આ વાત જાણવામાં તમને નવાઈ લાગશે પરંતુ આ ઘટના સત્ય છે. પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, તેના 20 મહિના થયા છે પરંતુ હજુ સુધી પિતાને ન્યાય નહીં મળતા તેમણે પુત્રની લાશને એક કપડામાં વીંટીને છેલ્લા 20 મહિનાથી ઘરમાં સાચવી રાખી છે.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, પાલનપુરના દાંતા તાલુકામાં આવેલા જમરૂ ગામમાં રહેતા નટુ નામના વ્યક્તિની કોહવાયેલી લાશ એક ખેતરમાંથી સપ્ટેમ્બર 2018ના રોજ નટુના પિતા હગરાભાઈને મળી આવી હતી. આ સમગ્ર ઘટનાને પગલે હગરાભાઈએ તેના પુત્રની હત્યાની આશંકા રાખીને તેના ઘરની નજીકમાં રહેતા રમણ, રાજા અને તરાલ નામના વ્યક્તિ સહિત 10 લોકો સામે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો, પરંતુ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો દાખલ નહીં કરીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. જેના કારણે તેના પિતાએ છેલ્લા 20 મહિનાથી લાશને એક કપડામાં વીંટીને ઘરમાં સાચવી રાખી છે.
આ સમગ્ર ઘટનાનાં દોઢ વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે છતાં પણ પોલીસ દ્વારા હજુ સુધી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આપવામાં આવ્યો નથી. હગરાભાઈએ પુત્રના મૃતદેહને તેમના ઘરની બાજુમાં જ આવેલા એક મકાનના શૌચાલયમાં સંતાડીને રાખ્યો છે. હગરાભાઈ શૌચાલયને તાળું મારીને ચાવી તેમની પાસે સંતાડીને રાખે છે. મૃતક નટુને ચાર સંતાન છે અને પતિના મૃત્યુ પછી પત્ની પિયરમાં રહે છે. મૃતક નટુનો સૌથી મોટો પુત્ર બાબુ હગરાભાઈને સાચવે છે અને તે ઇડર નજીક આવેલા એક ખેતરમાં મજૂરી કામ કરે છે. વૃદ્ધ પિતાએ પુત્રને ન્યાય મળે તે માટે તેનો મૃતદેહ છેલ્લા 20 મહિનાથી ઘરમાં સાચવીને રાખ્યો છે.
આ સમગ્ર ઘટના વિષે હડાદ પોલીસ સ્ટેશનમાં PSI એમ.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, હાલમાં હું રજા પર છું. આ મામલો મારા ધ્યાનમાં છે. આ કેસમાં એડી ફાઈલ થઇ ગઈ છે. હું જ્યારે ફરજ પર હાજર થઇશ ત્યારે એ લોકોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news