ગુજરાત: સોમનાથ મહાદેવ મંદિર (Somnath Mahadev Temple) ના પુનઃનિર્માણમાં જેમનો સિંહ ફાળો રહેલો છે એવા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ (Sardar Vallabhbhai Patel) ની આજે 146 મી જન્મજયંતી 31 ઓક્ટોમ્બરના રોજ છે ત્યારે સોમનાથમાં તેમની જન્મ જયંતિ (Birth anniversary) ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રધ્વજ સાથેની શૌર્યયાત્રા નીકળી:
સોમનાથ મંદિરની સમીપના સમુદ્ર તટે વોક-વે પર ગાંધીનગરના રાધે-રાધે ગ્રુપ અને સોમનાથ ટ્રસ્ટ તથા વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એકસાથે 400 બાળકો સાથે સોમનાથ મંદિરના ઇતિહાસમાં સૌપ્રથમવાર 1,551 ફૂટ લંબાઇ તેમજ 10 ફૂટ પહોળાઇનાં રાષ્ટ્રધ્વજ સાથેની શૌર્યયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેષભૂષામાં બાળકોએ સ્કૂલ લાઇવ બેન્ડ સુરાવલીઓ રેલાવી કૂચ કરી:
આ રાષ્ટ્રધ્વજ શૌર્યયાત્રાનું ટ્રસ્ટના વિજયસિંહ ચાવડા, DYSP ઉપાધ્યાયએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. વોક-વે ઉપર યાત્રામાં સૌપ્રથમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, ભારત માતા, સરદાર પટેલની વેષભૂષામાં બાળકો સ્કૂલ લાઇવ બેન્ડ સુરાવલીઓ રેલાવીને કૂચ કરી હતી.
સાથે જ આ ખાસ પ્રસંગે રાધે રાધે ગ્રૂપના આયોજલ રાહુલ સુખડીયા જણાવે છે કે, અમારૂ ગ્રુપ છેલ્લા 7 વર્ષથી કાર્યરત રહેલા છે. આવો જ કાર્યક્રમ મુંબઇમાં વર્ષ 2020 માં અને ખોડલધામમાં 2021 તેમજ 15 ઓગષ્ટે સારંગપુર હનુમાનજી મંદિર સાનિધ્યે કર્યુ હતું.
ફુલોથી સરદાર વંદના કરી:
શોર્યયાત્રાનો કાર્યક્રમ પૂરો થયા પછી જગવિખ્યાત સોમનાથ મંદિરમાં મહાદેવની મધ્યાહન આરતીમાં ભાગ લઈને સોમનાથ મહાદેવને પવિત્ર વેદમંત્રોચ્ચાર સાથે ધજારોહણ કરાયું હતું. આ તકે સોમનાથ મંદિરના પરિસરમાં રહેલા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલોથી સરદાર વંદના કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.