દાહોદ(ગુજરાત): હાલમાં રાજ્યના દાહોદમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ફતેપુરા તાલુકાના મારગાળા ગામના 22 વર્ષીય પ્રેમીને સાગડાપાડા ગામની તેની પ્રેમિકાએ મોબાઈલ પર મેસેજ કરી મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ આ જ યુવતીના પિતા તથા ભાઇએ યુવાન તથા તેની સાથે આવેલા તેના મિત્રને માથામાં તથા શરીરે લાકડીઓના આડેધડ ફટકા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડતા યુવાનને દાહોદ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજતા યુવતીના પિતા તથા તેના ભાઈ સામે સુખસર પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ફતેપુરા તાલુકાના મારગાળા ગામના બારીયા ફળિયામાં રહેતા સમસુ કિકલાભાઈ બારીયાના પુત્ર સંજય બારીયાને સાગડાપાડાના ઉભાપાણ ફળિયામાં રહેતા દિનેશ ફુલજીભાઈ ચરપોટની પુત્રી શિવાની સાથે પ્રેમ સંબંધ હતો. જેથી શિવાનીએ સંજય બારીયાને મોબાઈલથી મેસેજ કરી મળવા માટે બોલાવ્યો હતો. જેથી સંજય ગઈકાલે સાંજના 6 વાગ્યાના અરસામાં તેના કુટુંબી ભાઈ મેહુલને સાથે લઈ સાગડાપાડા ગામે ગયો હતો અને શિવાનીના ઘરથી થોડે દૂર જઈ શિવાની તથા સંજય થોડીવાર વાતચીત કર્યા બાદ સંજય તથા મેહુલ શિવાનીને મુકવા ઘરે જતા હતા.
જાણવા મળ્યું છે કે, સાગડાપાડા ગામે પુલ પાસે શિવાનીના પિતા દિનેશ ફુલજીભાઈ ચરપોટ તથા શિવાનીનો ભાઈ શિવરાજ દિનેશ ચરપોટ લાકડીઓ લઈને ઉભા હતા. આ દરમિયાન સંજય, મેહુલ તથા શિવાની મોટરસાઇકલ ઉપર આવતા જ દિનેશ ફુલજી ચરપોટે સંજયના માથામાં લાકડીનો ફટકો મારતા સંજય, મેહુલ તથા શિવાની મોટરસાયકલ ઉપરથી નીચે પડી ગયા હતા. ત્યારબાદ દિનેશ ચરપોટ તથા શિવરાજ ચરપોટે સંજય તથા મેહુલને માથામાં તથા શરીરે આડેધડ લાકડીઓના જીવલેણ ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી.
ત્યારબાદ આ બંને ઈજાગ્રસ્તોને ઝાલોદ ખાનગી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ, ત્યાંના ડોકટરે સારવાર કરવાની ના પાડતા દાહોદ ખાનગી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સંજય રમસુભાઇ બારીયાનું સારવાર દરમિયાન જ મોત નીપજયુ હતુ. આ બનાવને લઈને મૃતક સંજયના પિતા રમસુભાઈ કિકલાભાઈ બારીયાએ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સાગડાપાડા ઉભા પણ ફળિયાના રહેવાસી દિનેશભાઈ ફુલજીભાઇ ચરપોટ તથા શિવરાજ દિનેશભાઈ ચરપોટની વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.