ગુજરાત(Gujarat) રાજ્યની બરોડા(Baroda) જેલમાંથી ભાગી ગયેલા કેદીની લગભગ 23 વર્ષ બાદ મહારાષ્ટ્રની(Maharashtra) ઉલ્હાસનગર ક્રાઈમ બ્રાન્ચે(Ulhasnagar Crime Branch) ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, રમેશ તાયડે નામના વ્યક્તિએ 1995માં ગુજરાતના સુરતમાં (Surat) તેની પત્નીને જીવતી સળગાવી દીધી હતી. આ કેસમાં કોર્ટે તેને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
એક રીપોર્ટ અનુસાર રમેશ પત્નીની હત્યાના ગુનામાં બરોડા જેલમાં આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. આ દરમિયાન, વર્ષ 1999 માં, તે પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો, પરંતુ ત્યારથી તે ફરાર હતો. ગુજરાત પોલીસ તેને લગભગ 23 વર્ષથી શોધી રહી હતી. તે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે રમેશ મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં પોતાનું નામ બદલીને રહે છે. આ પછી ઉલ્હાસનગર ક્રાઈમ બ્રાન્ચે સ્થળ પર દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. ત્યારપછી હવે આગળની કાર્યવાહી માટે તેને ગુજરાત પોલીસને સોંપવામાં આવશે.
ઘરેલું ઝઘડામાં પત્નીને જીવતી સળગાવી દેવામાં આવી હતી:
મળેલી માહિતી અનુસાર આરોપી 53 વર્ષીય રમેશ ઉર્ફે દિનેશ ઉત્તમ તાયડે તેની પત્ની સાથે ગુજરાતના સુરત શહેરમાં રહેતો હતો. વર્ષ 1995માં તેનો તેની પત્ની સાથે ઘરેલુ વિવાદ થયો હતો. આ વિવાદના કારણે તેણે પત્નીને જીવતી સળગાવી દીધી હતી. ત્યારે સુરત શહેરના લીબિયા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
તે સમયે સુરતની કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી તે ગુજરાતની બરોડા જેલમાં બંધ હતો. ક્રાઈમ બ્રાન્ચના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર અનિલ માંગલેએ જણાવ્યું કે, આરોપી પોતાની ઓળખ છુપાવીને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. આ માહિતીના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અનિલ માંગલેએ જણાવ્યું કે ધરપકડ બાદ હવે કેદીને ફરી બરોડા જેલના જેલરને સોંપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.