કચ્છ(ગુજરાત): હાલમાં દેશના કેટલાક ભાગોમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચે દુશ્મનાવટ છે. આ તંગદિલીભર્યા વાતાવરણ વચ્ચે કચ્છ(Kutch)માં એક ક્ષત્રિય પુત્રએ મુસ્લિમ યુવક માટે પોતાનો જીવ આપી દીધો હોવાની ઘટના સામે આવી છે. જેમાં 24 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા(Jitendrasinh Jadeja)એ ક્ષત્રિય ધર્મની વ્યાખ્યાને અનુસરીને કટોકટીના સમયે મદદ માંગતા લોકોને નિરાશ ન કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું.
મળતી માહિતી મુજબ, બે દિવસ અગાઉ ભચાઉ નજીક નર્મદા કેનાલમાં અકરમ અબડા નામનો મુસ્લિમ યુવાન ડૂબી રહ્યો હતો. તે જ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા જિતેન્દ્રસિંહ જાડેજાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર કૂદકો મારી દીધો હતો. જોકે, આ ઘટનામાં બંનેનાં કરુણ મોત નીપજ્યા હતાં. આ અંગે મૃતક ક્ષત્રિય યુવાનના પિતરાઈ અને ગામના સરપંચ સાથે વાત કરતા આખી ઘટના જાણવા મળી હતી.
ભચાઉ SRP કેમ્પ નજીક આવેલી નર્મદા કેનાલમાં મુસ્લિમ યુવાન અક્રમ યુસુફભાઈ અબડા માતાની નજર સામે પાણીમાં ડૂબી રહ્યો હતો. જેને બચાવવા માટે ચોપડવા ગામના 24 વર્ષીય ક્ષત્રિય યુવાન જિતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા પણ કેનાલમાં કુદી પડ્યો હતો. જેમાં બંનેના જીવ ગયા હતા. આ ઘટના બાદ મુસ્લિમ યુવાન અકરમનો મૃતદેહ મળ્યો હતો. જ્યારે જિતેન્દ્રસિંહ જાડેજાનો મૃતદેહ જે જગ્યાએ બનાવ બન્યો હતો એનાથી 10 કિલોમીટર દૂર એનઆરઈ કોક કંપની પાછળ નર્મદા કેનાલમાંથી 20 કલાક બાદ મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, આ ઘટના બાદ મૃતક જિતેન્દ્રસિંહ જાડેજાના પિતરાઈ જોગરાજસિંહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ધોરણ 12 સુધી ભણેલા જિતેન્દ્રસિંહની ઉંમર 24 વર્ષની હતી. તે ગાંધીધામમાં તેમના મામાને ત્યાં નોકરી કરતો હતો. રવિવારે તેને રજા હતી. તે કેનાલના રસ્તે ભચાઉ વાળ કપાવવા જઈ રહ્યો હતો. ત્યાં રસ્તામાં તેણે જોયું કે, એક વ્યક્તિ કેનાલમાં ડૂબતી હતી અને તેની માતા બચાવો બચાવોની બૂમો પડતી હતી. એ જોઈને જિતેન્દ્રસિંહે બાઇક ઊભી રાખી હતી.
બાઈકમાં સાથે તેનો મિત્ર કરમશી રબારી પણ હતો. બંનેએ તેને બચાવવાનું નક્કી કર્યું, એટલે કરમશી દોરડું લેવા ગયો હતો. આ દરમિયાન પેલો યુવાન બૂમો પડતો હતો. જિતેન્દ્રસિંહ તરવૈયો હતો, એટલે તેને એમ થયું કે હું બચાવી લઉં. પરંતુ, કેનાલમાં પાણીનું પ્રેશર ખૂબ વધુ હતું. જિતેન્દ્રસિંહ દોરડું આવે એ પહેલાં જ પાણીમાં કૂદીને અક્રમને બચાવવા ગયો. જેમાં તેને સફળતા પણ મળી હતી. જોકે, ડઘાઈ ગયેલા અકરમે જિતેન્દ્રસિંહનો હાથ પકડી લેતાં બંને ડૂબી ગયા હતા.
આ અંગે ગામના સરપંચ ધનજીભાઈ પટેલે કહ્યું કે, અકસ્માત બાદ જીતેન્દ્રસિંહનો મૃતદેહ મળ્યો નથી. ગામના 200થી વધુ યુવાનોની ટીમ અને પાલિકાની ટીમ પણ શોધખોળમાં લાગી હતી. દિવસભર શોધખોળ ચાલુ રહી. બીજા દિવસે 20 કલાક બાદ છકડામાં જતા એક મજૂરે કેનાલમાં પગ જોયો અને જાણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.