ગાંધીનગર(ગુજરાત): દિવસેને દિવસે ગાંધીનગર જિલ્લામાં ક્રાઇમમાં વધારો થઇ રહ્યો છે. જિલ્લા પોલીસ મથકોમાં લૂંટ, ચોરી, અપહરણ સહિતના ગંભીર ગુનાઓ નોંધાઈ રહ્યા છે. તેવામાં ગઈકાલે રાત્રિના સમયે ત્રણ સંતાનો સાથે ભાઈના ઘરે જવા નીકળેલી બહેનને પણ લૂંટારાઓએ તીક્ષ્ણ હથિયાર બતાવીનર લૂંટ ચલાવવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મહેસાણાનાં વિજાપુર તાલુકાના પીલવાઈ રબારી વાસમાં રહેતા નીતાબેન ભરતભાઈ રબારીનાં પરિવારમાં પતિ તેમજ દીકરી માહી, શ્રેયા તેમજ પુત્ર જ્ય છે. ગઈકાલે સવારે રક્ષાબંધન નિમિત્તે નીતાબેન ત્રણેય સંતાનો સાથે માણસા તેમનાં ભાઈના ઘરે જઈ રહી હતી. તે દરમિયાન વિજાપુર ચાર રસ્તા પાસે એક ઈકો ગાડી આવીને ઊભી રહી હતી અને માણસા તરફ જવાનું હોય તો બેસી જવા જણાવ્યું હતું. જેને કારણે નીતાબેન ત્રણેય સંતાનો સાથે ઈકો ગાડીમાં બેસી ગયા હતા. ત્યારે તેમની બંને દીકરીઓને ડ્રાઈવર પોતાની બાજુની સીટમાં બેસાડી હતી અને નીતાબેન અને તેમના દિકરાને વચ્ચેની સીટમાં બેસાડ્યા હતા.
મળતી માહિતી અનુસાર, જેમની જમણી બાજુમાં એક મહિલા બેઠેલી અને ડાબી બાજુ એક પુરુષ બેઠો હતો. જ્યારે છેલ્લી સીટમાં અન્ય એક મહિલા બેઠી હતી. ત્યારબાદ અગિયાર વાગ્યાની આસપાસ ઈકો ગાડી માણસા મહારાજા હોટલ નજીક ઉભી રહી ગઈ હતી અને ચારેય લૂંટારાઓએ નીતાબેનને જણાવ્યું હતું કે, તારી પાસે જે પણ દાગીના કે રૂપિયા હોય તે આપી દે નહીં તો તારા છોકરાને મારી નાખીશું.
ત્યારે એક વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર બતાવી નીતાબેન ડરાવ્યા હતા. તેથી લૂટારૂઓએ તેમનું પર્સ ખેંચી લીધું હતું અને ત્રણેય સંતાનોને ગાડીથી નીચે ઉતારી દીધા હતા. જયારે નીતાબેને પોતાનું પર્સ લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે ચારે જણાએ તેમને ગડદાપાટુનો ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. પછી નીતાબેનને ઈકોગાડીમાંથી નીચે ફેંકી દીધા હતા અને આરોપીઓ નાસી ગયા હતા.નીતાબેને આ અંગે તેમના પતિને જાણ કરતા તેમણે સગાને મહારાજા હોટલ મોકલી આપીને તે પણ માણસા આવી પહોંચ્યા હતા.
આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા નીતાબેનને દવાખાનામાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમની ફરિયાદના આધારે માણસા પોલીસે સોનાની વીંટી, બુટ્ટી, પેંડલ વાળી ચેન તેમજ 4500 રૂપિયા રોકડા મળીને કુલ 2 લાખ 42 હજાર 400 રૂપિયાની મત્તા લુંટી લેનાર ગેંગ વિરુદ્ધ ગુનો નોંધીને આરોપીઓને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.