ગુજરાતના ગૌરવને લાંછન લગાવતો કિસ્સો- અંધશ્રદ્ધાના નામે માસુનનો બાળકીનો હાથ ઉકળતા તેલમાં નંખાવ્યો

પાટણ(ગુજરાત): હાલમાં પાટણ(Patan)ના સાંતલપુર(Santalpur)માંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કોઇ ભૂલ વગર જ માસૂમ પર એક મહિલાએ પોતાના પાપને છુપાવવા માટે અત્યાચાર કર્યો છે. લખી(lakhi) નામની મહિલાએ પોતાનું પાપ છુપાવવા માસૂમ કિશોરીને પકડીને જબરદસ્તી ઊકળતાં તેલ(Oil)માં હાથ નખાવતાં સમગ્ર પંથકના ચકચાર મચી છે. માસૂમના પિતાની ફરિયાદના આધારે પોલીસ(Police) દ્વારા મહિલાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પાટણ જિલ્લાના સરહદી ગણાતા સાંતલપુરમાં બનેલી આ ઘૃણાસ્પદ ઘટનાએ કેટલાય લોકોનાં કાળજાં કંપાવી નાખ્યાં છે. જાણવા મળ્યું છે કે, સાંતલપુરમાં રહેતા એક પરિવારની અગિયાર વર્ષની કુમળી વય ધરાવતી બાળા સાથે પડોશમાં રહેતી એક મહિલાએ અમાનુષી અત્યાચાર આચરતાં સમગ્ર પંથકમાં આ ઘટનાને લઇ અત્યાચારી મહિલા પર રોષ વરસી રહ્યો છે. સાંતલપુરના કોલી વાસમાં રહેતાં લવજીભાઈ કાથળભા કોલીની 11 વર્ષની દીકરી સંગીતા બુધવારે અગિયાર વાગ્યાના અરસામાં પોતાના ઘરની બહાર અત્યંત દર્દનાક પીડાથી બૂમાબૂમ કરી રહી હતી. જેનો અવાજ સાંભળી બાજુમાંથી દોડી આવ્યા હતા. જેમાં દિલુભા અનુભા જાડેજા નામના વ્યક્તિ સંગીતાની હાલત જોઈને ડઘાઈ ગયા હતા.

આ દૃશ્ય જોઈને દિલુભાનું દિલ પણ ‘દ્રવી’ ઊઠયું હતું. અસહ્ય પીડાથી કણસતી બાળાને જોઈને દિલુભાએ બાળાના પિતાને મોબાઈલ ફોન કરી બનાવની જાણ કરી હતી. ડ્રાઇવિંગનો વ્યવસાય કરતાં બાળાના પિતા લવજીભાઈ સાંતલપુરથી દુર રાધનપુર ગયા હતા. પોતાની વહાલસોયી દીકરી ઉપર કોઈ અત્યાચાર થયો છે તે જાણી તેમણે પ્રથમ તો દિલુભાને પોતાની દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું. બાદમાં તેઓ ખાનગી વાહન મારફતે તાત્કાલિક સાંતલપુર આવીં પહોચ્યા હતા. સાંતલપુર હોસ્પિટલ પહોંચેલા લવજીભાઈ પણ પોતાની દીકરીના હાથ જોઈને ફસડાઈ પડયા હતા. આ બનાવ અંગે તેમણે તેઓની દીકરીને પૂછતા દીકરીએ જે જવાબ આપ્યો તે સાંભળી તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

સંગીતાએ પોતાની આપવીતી જણાવતાં પિતાને કહ્યું હતું કે, આપણા પાડોશમાં રહેતી લખી રમેશભાઇ મકવાણા દસેક દિવસ અગાઉ પોતાના ઘર પાસે કોઈ અજાણ્યા પુરુષ સાથે વાત કરતી મેં તેને જોઈ હતી. એને લઇને તેણે આજે મને કહ્યું હતું કે, હું જેની સાથે ઊભી હતી તે બાબતની વાત તે કોઈને કરી નથી ને? એટલે મેં તેમને ના પાડી હતી. પરંતુ, તેણે મને કહ્યું કે જો તે કોઈને વાત કરી નથી તો તું મારી સાથે ઘરે ચાલ. એટલે હું તેના ઘરે ગઈ હતી. જ્યાં તેણે મને જો તેં કોઈને વાત ન કરી હોય અને તું સાચી હોય તો આ ઊકળતા તેલમાં તારા હાથ નાખ એમ મને કહ્યું હતું.

મેં તેને તેલમાં હાથ નાખવાની ના પાડતાં તેણે મને ગાળો બોલીને તારાં મા-બાપ હમણાં ઘરે નથી ને હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. એટલે હું ડરી ગઈ હતી. મેં તેના ઘરેથી નીકળવા પ્રયત્નો કર્યા પણ તેણે મારો હાથ પકડી ચૂલા પર તપેલીમાં ઊકળતા તેલમાં ડુબોડી દેતા હું દાઝી ગઇ હતી. મારો જમણો હાથ કોણી સુધી દાઝી જતાં મેં બૂમાબૂમ કરી હતી એટલે લખી ત્યાંથી ભાગી ગઈ હોવાનું સંગીતાએ તેના પિતાને જણાવ્યું હતું.

આ અંગે સાંતલપુર સીએચસીનાં ડૉ. શેખે જણાવ્યું હતું કે, બાળકીનો હાથ કાંડા સુધી હાથ દાઝી ગયો છે, જેની સારવાર સાંતલપુરની સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહી છે. આ બનાવ અંગે બાળકીના પિતા લવજીભાઈએ લખી મકવાણા વિરુદ્ધ સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા તપાસ કરવા માટે મહિલાના ઘરે પહોંચી હતી. આ દરમિયાન, આરોપી મહિલા તેના ઘરેથી જ મળી આવી હતી.

પોલીસ દ્વારા તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે રાધનપુર ડીવાયએસપી જણાવ્યું હતું કે, આરોપી મહિલા લખી મકવાણાની અટકાયત કરવામાં આવી છે. ગંભીર ઇજા થયેલી બાળકીને રાધનપુર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે. હાલમાં બાળકીની તબિયત સારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *