રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા આત્મહત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક આત્મહત્યાનો ચક્ચારો બનાવ સામે આવ્યો છે. રાજકોટના શિવરાજપુર ગામે સત્યજીતનગરમાં આવેલા પેટા આરોગ્ય કેન્દ્ર-2માં નર્સે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. છેલ્લા એકાદ વર્ષથી કરાર આધારિત એફ.એસ.ડબલ્યુ(નર્સ) તરીકેની ફરજ બજાવતી વીંછિયા તાલુકાના હાથસણી ગામની ગુંજન ઉર્ફે ગજુબેન ભરતભાઈ સોલંકી(ઉં.વ.21) નામની યુવતીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું.
જાણવા મળ્યું છે કે, આજે એકલતાનો લાભ ઉઠાવી વહેલી સવારે આરોગ્ય કેન્દ્રનાં રૂમમાં રહેલા પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લેતા ગામના લોકો ઉમટી પડ્યા હતા. આ બનાવની પ્રથમ જાણ આશાવર્કરને થતા ગામના સરપંચ હંસરાજભાઈ મુલાણી અને ઉપસરપંચ ગોવિંદભાઈ ટીંબડીયા સહિતનાઓને જાણ કરતા ગ્રામજનોના ટોળેટોળા આરોગ્ય કેન્દ્ર ખાતે એકઠા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ત્યારબાદ જસદણ પોલીસ મથકમાં જાણ કરાતા બીટ જમાદાર કિરીટભાઈ ખાચર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બાદમાં મૃતક યુવતીના મૃતદેહને કબ્જે મેળવી પોસ્ટમોર્ટમ અર્થે જસદણની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, જસદણ પોલીસ દ્વારા આ યુવતીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો છે તેનું સાચું કારણ જાણવા માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
મૃતક યુવતીના પિતા ભરતભાઈ સોલંકી હાથસણી ગામે ખેતીકામ કરે છે અને પોતે અપરિણીત હોવાનું સામે આવ્યું છે. તે બે ભાઈઓ અને બે બહેનોમાં સૌથી નાની હતી. ઉપરાંત યુવતીને જે પગાર મળતો હતો તેના પર પરિવારનું ગુજરાન ચાલતું હતું. પરંતુ, યુવતીએ આ ઉતાવળું પગલું ભરી લેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.