વડોદરા(ગુજરાત): સરદાર વલ્લભભાઈ પટેલ જે સ્કૂલમાં ભણ્યા છે અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવેલી એક્સપરિમેન્ટલ સ્કૂલને બંધ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. સ્કૂલમાં વર્ષોથી ચાલતા ધોરણ 11-12 સાયન્સના વર્ગોમાં શિક્ષકોની ભરતી ન કરવા માટે સ્કુલ બંધ કરવા આરે છે. તેવી જ રીતે ધોરણ 11-12 કોમર્સના વર્ગોમાં પણ શિક્ષકોની ભરતી ના કરી હોવાથી બંધ કરવાની પ્રોસેસ શરુ થઇ છે.
અગાઉ બરોડા હાઈસ્કુલ તરીકે ઓળખાતી વડોદરાની વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિ. સંચાલિત એક્સપરિમેન્ટલ સ્કૂલ હતી, મહારાજા સયાજીરાવ ગાયકવાડે આની શરૂઆત કરી હતી. અને વર્ષ 1895 માં આ જ સ્કૂલમાં ધોરણ 8 માં એક વર્ષ માટે સરદાર વલ્લભભાઈ પટેલે પણ અભ્યાસ કર્યો હતો. આ સ્કૂલના વર્ગો એમ એસ યુનિવર્સિટીના સત્તાધીશોની ઉદાસીનતાના કારણે બંધ કરવાની ફરજ પડી રહી છે.
મહારાજા સયાજીરાવ ગાયકવાડે યુનિવર્સિટીની એજ્યુકેશન એન્ડ સાયકોલોજી ફેકલ્ટીમાં જે વિદ્યાર્થીઓ શિક્ષક બનવા માટે અભ્યાસ કરવા આવતા હતા, તેમને વિદ્યાર્થીઓને ભણાવવાનો અનુભવ પણ મળે છે. તેના માટે ફેકલ્ટીની બિલ્ડિંગમાં જ એક્સપરિમેન્ટલ સ્કૂલ ચાલુ કરવામાં આવી હતી. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓને શિક્ષકો ભણાવી અનુભવ મેળવતા હતા. પણ હવે આ પ્રક્રિયા પણ બંધ કરવી પડે છે.
પ્રિન્સિપાલ હેમાંગ મોદી જણાવે છે કે, શિક્ષકોની ભરતી સ્કૂલમાં ન થતા અને વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થતા ધોરણ 11-12 સાયન્સના વર્ગો બંધ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ધોરણ 11-12 કોમર્સમાં પણ મુખ્ય વિષય એકાઉન્ટ અને સ્ટેટેસ્ટીક્સના શિક્ષકો નથી. બંને વર્ગોના માત્ર એક જ શિક્ષક છે. જ્યારે ધોરણ 9 અને 10માં શિક્ષકો માત્ર 11 અને 12ના વિદ્યાર્થીઓને જ ભણાવે છે. જેના કારણે કોમર્સમાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તે વર્ગો પણ બંધ થઈ જશે. હાલમાં ધોરણ 11 કોમર્સમાં 58, અને 12 કોમર્સમાં 51 વિદ્યાર્થીઓ ભણે છે. તેની સંખ્યામાં પણ દર વર્ષે ઘટાડો થઇ રહ્યો છે.
એક્સપરિમેન્ટલ સ્કૂલમાં ધોરણ 1 થી 8 ના વર્ગોનું સંચાલન એમ એસ યુનિવર્સિટી કરે છે, જ્યારે ડીઈઓ ધોરણ 9 થી 12 ના વર્ગોનું સંચાલન કરે છે, એટલે કે, તેની નિમણૂંક રાજ્ય સરકારના હાથમાં છે. પણ સંપૂર્ણ એક્સપરિમેન્ટલ સ્કૂલનું મેનેજમેન્ટ યુનિવર્સિટીના સતાધીશોના હાથમાં છે. ત્યારે જે સ્કૂલમાં સરદાર વલ્લભભાઈ પટેલ ભણતા હતા, તે સ્કૂલને પણ ચાલુ રાખવામાં યુનિવર્સિટીના સત્તાધીશો સાથે રાજ્ય સરકારને પણ કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. આ મામલે યુનિવર્સિટીના પી.આર.ઓ. લકુલેશ ત્રિવેદીએ અલગ અલગ જવાબ આપીને યુનિવર્સિટીનો બચાવ કર્યો હતો. સાથે જ સ્કૂલ બંધ નહિ થાય તેવો પોકળ દાવો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.