બનાસકાંઠા(ગુજરાત): આજકાલ વધી રહેલી છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ દરમિયાન ફરીવાર જિલ્લામાં શિક્ષણ જગતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં ભાભરની શાળામાં સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને એક શિક્ષક સહિત ચાર વિદ્યાર્થીઓએ છેડતી કરી તેનો કોલર ફાડી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા લંપટ શિક્ષક અને વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક વિદ્યાર્થીનીને શિક્ષક સહિત ચાર વિદ્યાર્થીઓએ છેડતી કરી વિડિયો ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે.
જેમાં 11 સાયન્સમાં ભણતી વિદ્યાર્થીની બે મહિના અગાઉ ક્લાસરૂમમાં અભ્યાસ કરી રહી હતી. આ દરમિયાન, એકલતાનો લાભ લઇ નવિનભાઈ નામના શિક્ષકે તેનું મોઢુ દબાવી રૂમાલ બાંધી દીધો હતો. ત્યારબાદ અન્ય ચાર વિદ્યાર્થીઓએ તેની સાથે છેડતી કરી વિદ્યાર્થિનીના કોલર ફાડી નાખ્યો હતો અને તેનો વિડીયો ઉતાર્યો હતો. આ વાત કોઈને કહેશે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી વિદ્યાર્થીનીને છોડી મૂકી હતી.
આ ઘટનાથી વિદ્યાર્થીની ખૂબ જ ડરી ગઈ હતી. ત્યારબાદ એક દિવસ તેના પરિવારને સમગ્ર ઘટના અંગે જાણ કરતા તેના પરિવારજનો ભાભર પોલીસ મથકે પહોંચ્યા હતા અને લંપટ શિક્ષક તેમજ વિદ્યાર્થીઓ સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, આવી જ એક લંપટ શિક્ષકનો મામલો 15 દિવસ પહેલા આવ્યો હતો, જેમાં થરાદમાં આવેલી એક શાળાના શિક્ષકે શિક્ષિકાની છેડતી કરી હોવાની ઘટના બની હતી. થરાદના ગગાણા ગામના જીવરામભાઈ દલરામભાઈ પટેલ નામનો શિક્ષક શાળામાં જ એક શિક્ષિકાની છેડતી કરી શારીરિક તેમજ માનસીક રીતે હેરાન કરતો હતો.
જોકે, શાળાનું નામ ખરાબ ન થાય તે માટે અગાઉ શિક્ષકો અને ગ્રામજનો દ્વારા બંને વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પણ આ શિક્ષક તેની હરકતોથી બાજ ન આવ્યો અને વારંવાર શિક્ષિકાને ફોન કરી હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ શિક્ષિકાએ શિક્ષકનો ફોન બ્લેક લિસ્ટમાં નાખી દેતા શિક્ષક તેના ઘરે આવી પહોચ્યો હતો અને ઘરમાં ઘૂસી જઈ શિક્ષિકાના કપડા ફાડી નાખ્યા હોવાનું સામે અવાયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.