સમગ્ર દેશમાં કોરોના વાયરસનો ભયંકર પ્રકોપ ચાલી રહ્યો છે. કોરોના વાયરસને લઈને આખું દેશ અલર્ટ થઇ ગયું છે. એક બાજુ પોલીસ અને સરકારે લોકોને ડરનો માહોલ નહીં બનાવવાની અપીલ કરી છે. તો બીજી બાજુ પંજાબના સંગરુરમાં પોલીસે એક યુવકની ધરપકડ કરી છે. આ યુવકે પોતે કોરોના વાયરસ પોઝિટિવ છે એવી અફવા ફેલાવી હતી.
પોલીસ અધિકારી મુજબ આ યુવકે Tik-Tok પર એક વીડિયો બનાવીને સોસિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. જેમાં આ યુવકે જણાવતા કહ્યું હતું કે, હું પોતે નહોતો હારતો પણ ચીનની બીમારીએ મને હરાવી દીધો છે. જો જીવતો રહીશ તો ફરી વીડિયો બનાવીશ. મારા માટે પ્રાર્થના કરો. તે યુવકનો આ Tik-Tok વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. Tik-Tok વીડિયો વાયરલ થયા બાદ તંત્ર ગામ પહોંચી ગયું અને જ્યારે તેની તપાસ કરવામાં આવી તો યુવક કોરોના નેગેટિવ નીકળ્યો. તેનામાં આ બીમારીના કોઈ લક્ષણ જોવા મળ્યા નહીં.
પોલીસના નજરમાં જ્યારે આ વાત આવી તો તેમણે કાર્યવાહી કરતા પૂરા મામલાની તપાસ કરી અને ત્યારે ખુલાસો થયો. પોલીસને જાણ થઈ કે યુવક કોરોના પોઝિટિવ હોવાની વાત અંગે ખોટું બોલી રહ્યો હતો. તેણે માત્ર મજા કરવા માટે આ Tik-Tok વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપની સામે ધારા 505 હેઠળ મામલો દાખલ કરી લીધો છે. હાલમાં પોલીસ તેની સાથે પૂછપરછ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે દેશભરમાં કોરોના વાયરસના દર્દીના મામલાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં લગભગ 80 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રવિવાર 22 માર્ચ 2020ના રોજ સવારે પૂરા દેશમાં કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા 347 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. સૌથી ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં અત્યાર સુધીમાં 74 મમાલાઓ સામે આવી ચૂક્યા છે. કોરોના વાયરસથી દેશના 22 રાજ્યો પ્રભાવિત છે.