આઈએએસ આઈપીએસ બનવા માટે પટેલ સમાજના યુવકો જાગૃત થવાની જરૂર છે- સરદારધામ

ખાસ કરીને લોકશાહી શાસન પ્રણાલીને વરેલા દેશનો વિકાસ અને તેના લોકોની સુખાકારી તેના વહીવટી તંત્રની સંગીનતાને આભારી છે. વહીવટીતંત્ર, ન્યાયતંત્ર અને પોલીસતંત્ર દ્વારા શાસન કાર્યરત હોય છે. સામાન્ય રીતે કોઈપણ રાજ્યમાં પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાઈને આવતા હોય છે અને બહુમતી ધરાવતી રાજકીય પાર્ટીની સરકાર અસ્તિત્વમાં આવતી હોય છે. જોકે આ ચૂંટાયેલી પાંખ માત્ર પાંચ વર્ષ માટે જ શાસન કરતી હોય છે. બાદમાં ફરીથી વિધાનસભાની ચૂંટણીઓ થાય છે અને પૂર્વવત્‌ બહુમતી ધરાવતા પક્ષના હાથમાં સત્તાના સુત્રો આવે છે. મુખ્યમંત્રી અને પ્રધાનમંડળ તેના કાર્યકાળ સુધી શાસનનું નેતૃત્વ કરે છે.

જોકે જે તે રાજ્ય કે કેન્દ્ર સરકારનો ખરો વહીવટ તો અધિકારીઓ અને વહીવટી અમલદારોએ જ ચલાવવાનો હોય છે. જેમાં આઈ .એ .એસ. થયેલા ઉચ્ચ અધિકારીઓ તેમના મહત્ત્વની દ્રષ્ટિએ કેન્દ્રસ્થાને હોય છે. ખરા અર્થમાં જે તે રાજ્ય કે કેન્દ્રના વહીવટની સત્તાના સૂત્રો આઈ.એ.એસ. અધિકારીઓના હાથમાં જ હોય છે. જોકે આઈ.એ.એસ થવું તે લોઢાના ચણા ચાવવા જેવું કઠિન હોય છે. આઈ એ એસ થવા માટે ઉમેદવારે બહુ ઊંડી તાવણીમાંથી પસાર થવું પડતું હોય છે.

આ માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ખૂબ જ અધરી કસોટીમાંથી પસાર થવું પડતું હોય છે. મે, ૨૦૦૯માં થયેલી યુપીએસસીની પરીક્ષાની વાત , કરીએ તો દેશભરમાંથી ચાર લાખથી વધુ વિઘાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. રાષ્ટ્રના અતિ બ્રિલિયન્ટ ગણાય તેવા લાખો યુવક-યુવતીઓ વચ્ચે આવી સ્પર્ધા થઈ હતી. આવા ચારેક લાખ વિદ્યાર્થીઓમાંથી પાસ થયેલા ૧૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ગત ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૦૯ દરમિયાન મુખ્ય પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાંથી માત્ર ૨ ,૪૦૦ યુવક-યુવતીઓ સફળતાને વર્યા હતા. સફળતા મેળવેલ આ યુવક-યુવતીઓના ગત માર્ચ-એપ્રિલ દરમિયાન ફાઈનલ ઈન્ટરવ્યૂ થયા હતા, જેમાંથી આઈ.એ .એસ ટ્રેનિંગ માટે ૮૮૯ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. આ પૈકી ૧૪ વિદ્યાર્થીઓ ગુજરાતના છે. પહેલી વખત ગુજરાતના વિઘાર્થીઓ આટલી સંખ્યામાં આઈ.એ.એસ ટ્રેનિંગ માટે પસંદગી પામ્યા છે .

સફળતાને વરેલા આ ૧૪ ઉમેદવારો પૈકી સફળ થયેલા યતીન પટેલ સહિત ૪ પટેલ યુવાનોનો સમાવેશ થાય છે. આ પટેલ યુવાનોએ માત્ર પટેલ સમાજનું જ નહે, સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ યુવાનો સામાન્ય મધ્યમ વર્ગનાં પરિવારોમાંથી આવે છે, જોકે બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ તરીકેની તેમની કારકિર્દી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લેઉઆ સમાજમાંથી અગાઉ હરિભાઈ પટેલ આઈ .એ .એસ માટે પસંદગી પામ્યા હતા. ધીરજ કાકડિયા પણ અગાઉ આઈ.એ.એસ માટે ઉત્તીર્ણ યયા હતા, જ્યારે યતીન પટેલ લેઉઆ સમાજનો ત્રીજો સફળ ઉમેદવાર છે, જે આઈ.એ.એસ માટે પસંદગી પામ્યો છે.

લેઉઆ પટેલ સમાજની આવી હોનહાર વ્યક્તિઓએ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. યતીન પટેલ સહિતના ગુજરાતમાંથી આઈ.એ.એસ માટે પસંદગી પામેલા વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગના ગ્રામીશ વિસ્તારોના છે . તેના તંત્રી લેખમાં આ બાબતની ખાસ નોંધ લેતાં લખ્યું હતુ: “પટેલ સમાજ માટે આ દિવસો ગૌરવના છે, કેમ કે આમાં મોટાભાગના પટેલ વિદ્યાર્થીઓ છે. કોઈ એક નાનકડા ગામનો વિદ્યાર્થી આઈ.એ .એસ બને તે બાબત હિમાલય સર કરવા કરતાંય વધુ મોટી સફળતા ગણી શકાય યુપીએસસીની પરીક્ષા પાસ કરવી તે ભગીરથ પ્રયાસનું ફળ હોય છે. શહેરોની સરખામણીમાં ખુબ ઓછી સવલતોમાં અભ્યાસ કરતા આવા તેજસ્વી વિધાર્થીઓ હકીકતે તેજસ્વી તારલા સમાન છે.’

આવી જ્વલંત સફળતા હાંસલ કરનાર લેઉઆ પટેલ પરિવારના તેજસ્વી યુવાન યતીન પટેલ સહિત તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન! તથા તેમની સફળતાની ભાવિયાત્રા આથી પણ વધુ તેજોમય થાય તેવી હાર્દિક શુભકામનાઓ!

છેલ્લાં વીસેક વર્ષથી ગુજરાતના વિવિધ પટેલ સમાજો પોતાના વિદ્યાર્થીઓ આઈ એ એસ અને ગુજરાતના વહીવટમાં પણ પસંદ થાય તે માટે ટ્રેનિંગ સેન્ટરો ચલાવી રહ્યા છે, તેથી આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બેસવાનું વલણ પટેલ સમાજના વિદ્યાર્થીઓમાં વધી રહ્યું છે અને તેનું પરિણામ આઈ.એ .એસની છેલ્લી સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રતિબિંબિત થયું છે. તથા હવે જો વધારેમાં વધારે પટેલ યુવાનો આઈ.એ.એસ વહીવટી તંત્રમાં પસંદગી પામે તેવું વાતાવરણ ઊભું કરવું હોય તો સૌરાષ્ટ્રના દરેક વિસ્તારમાં આઈ .એ .એસ ટ્રેનિંગ સેન્ટરો ઊભાં થાય તથા તે માટે સમૃદ્ધ લાઇબ્રેરીઓની સુવિધા ઊભી થાય અને તેમને ભણવા માટે ગ્રામિણ કક્ષાની દરેક ફેકલ્ટીઓની સેવાઓ મળી રહે તેવા પ્રયાસો કરવા જોઈએ. તેના માટે ઉચ્ચ કેળવણી સહાયક મંડળ દ્વારા જેમ કરોડો રૂપિયાનું કંડ એકત્રિત કરવામાં આવ્યું છે તેવું એક અલાયદું ફંડ ઊભું કરીને દરેક જિલ્લાને આ માટે ફાળવવામાં આવે તો ટૂંકા સમયગાળામાં સમાજના ઘણા યુવાનો આઈ.એ.એસ તથા ગુજરાતના વહીવટી તંત્રમાં સેવાઓ આપવા સક્ષમ બની શકે તેમ છે.

-પૂર્વ ડે. કમિશ્નર પટેલ સમાજના અગ્રણી ટી. જી. ઝાલાવાડિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *