ગુજરાતમાં આવેલું છે પક્ષી મંદિર, જ્યાં દેવી-દેવતાઓની નહીં પરંતુ થાય છે પંખીઓની પૂજા- લોકોની માનતા પણ થાય છે પૂર્ણ

Bird Temple in Gujarat: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરની પૂર્વ દિશા તરફ પંદર કિ.મી.ના અંતરે રોડા ગામ આવેલું છે. રોડા ગામના સીમાડામાં પ્રાચીન અવશેષો ધરાવતા સાત મંદિરો આવેલા છે. સાત મંદિરોનો સમૂહ ધરાવતું આ પ્રાચીન સ્થાપત્યમાં પૂર્વ ચાલુક્ય શૈલીની કલા- કારીગરી જોવા મળે છે. આ મંદિરો(Bird Temple in Gujarat) રોડાના મંદિર તરીકે ઓળખાય છે.મહત્ત્વની વાત એ છે કે આ મંદિરમાં સુશોભન કરેલી ધાતુઓની તકિતમાં દેવ- દેવી કે સંત- મહાત્માની જગ્યાએ પ્રાણીઓ અને પક્ષીઓના આકાર કોતરેલા છે. તેથી આ મંદિર પશુ- પક્ષીના મંદિર તરીકે ઓળખાય છે. અને ભારતમાં આ એક માત્ર પશુ- પક્ષીઓનું મંદિર છે.

આ મંદિરમાં પશુ- પક્ષીઓની મૂર્તિઓ બનાવવામાં આવી છે
આ મંદિરના સ્થાપત્યમાં સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દીવાલો ઉફર ઉપસાવેલી ભાતવાળી કિનારીઓ પરથી આ મંદિરનું નિર્માણ સાતમી અને નવમી સદી વચ્ચે થયું હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે મંદિરની અંદર દેવ- દેવતા અથવા સંત મહાત્માની મૂર્તિઓ હોય છે, પરંતુ આ મંદિરમાં પશુ- પક્ષીઓની મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ અંગે હિંમતનગરના હરીશ પરમાર કહે છે કે, સાતમી સદીમાં બનેલા આ પક્ષી મંદિરો આપણને રાજા- રજવાડાઓના પક્ષી પ્રેમની યાદ અપાવે છે, પરંતુ આજની પેઢીને આવા અલભ્ય સ્થાપત્યો પ્રત્યે જાગૃત કરવી ખૂબ જ જરૃરી છે.આ સાત મંદિરોના સમૂહમાંથી બે મંદિરો સમયની સાથે નાશ પામ્યા છે.

નવમી સદીમાં લોકો દેવી- દેવતાની સાથે સાથે પશુ- પક્ષીઓની પણ પૂજા કરતા
મંદિરની અંદરની કેટલીક પ્રતિમાઓ પણ આજે હયાત નથી. આ મંદિરો એ વાતની સાક્ષી આપે છે કે આજે પશુ- પક્ષીઓને બચાવવા માટે વિવિધ અભિયાનો હાથ ધરવા પડે છે. ત્યારે નવમી સદીમાં લોકો દેવી- દેવતાની સાથે સાથે પશુ- પક્ષીઓની પણ પૂજા કરતા હતા.આ મંદિરની આસપાસ અસંખ્ય વૃક્ષો આવેલા છે. જેના પર આજે પણ હજારો પક્ષીઓ વાસ કરે છે. મંદિર તથા મંદિરની આજુબાજુનું વાતાવરણ આજે પણ પક્ષીમય બની જાય છે. આ મંદિરો પૈકી સૌથી જૂનું મંદિર અદ્વિતિય અને અજોડ સ્થાપત્ય શૈલી ધરાવે છે.૧૪૦૦ વર્ષ જુનું આ પક્ષી મંદિર હવે ધીરે ધીરે નાશ પામી રહ્યું છે. દેશ- વિદેશથી આવતા અનેક પર્યટકો આજે પણ આ પક્ષી મંદિરની મુલાકાત લેવાનું ચૂકતા નથી.

25 જેટલા મંદિરો હતા જેનો કાળક્રમે નાશ થયો હતો
મંદિરની પાસે શિવ મંદિર અને તેના થોડા અંતરે વિષ્ણુ મંદિર આવેલું છે. મંદિરના આગળના ભાગે આવેલા કુંડની ચારે ખૂણે અન્ય મંદિરો છે. કુંડની અંદરના મંદિરોમાં એક ખૂણે વિષ્ણુ ભગવાનની મૂર્તિ અને બીજા ખૂણે માતાજીની મૂર્તિઓ છે.તેની સામે છેડે ગણપતિની મોટી મૂર્તિ અને નવગ્રહ મંદિર પણ છે. એવું માનવામાં આવે છે કે કુલ ૧૨૫ જેટલા મંદિરો હતા જેનો કાળક્રમે નાશ થયો હતો. રોડાના આ સાત મંદિરો સાતમી સદીના હોવાનું મનાય છે તેના મંદિર સમૂહોમાંનું જ એક પક્ષી મંદિર પણ છે.

પૌરાણિક મંદિર અને વિશ્વનું માત્ર એક પક્ષી મંદિર
હિંમતનગરથી 17 કિ.મી અંતર આવેલા રોડા રાયસિંગપુર એ એક પૌરાણિક જગ્યા છે, પરંતુ સરકાર આ જગ્યાને વિકસિત કરવામાં હજુ પણ પાછી પાની કરી રહી છે. પરંતુ તેનો જો યોગ્ય વિકાસ કરવામાં આવે તો આ જગ્યા જોવા જે લોકો આવે છે તે પણ દિલથી કહેશે કે વાહ શુ પૌરાણિક મંદિર અને વિશ્વનું માત્ર એક પક્ષી મંદિર છે.

મોટાભાગના લોકોને આ મંદિરનો ખ્યાલ નથી
આમ તો અનેક સ્થાપત્યો એવા છે કે જે વિશ્વમાં એક માત્ર હોય છે પરંતુ જાળવણી ના અભાવે આ સ્થાપત્યો ખંડેર ભાખી રહ્યા છે. જો સરકાર દ્રારા અહિ યોગ્ય પ્રકારનુ સમારકામ કરવામાં આવે તો ચોક્કસ પણ આ વિસ્તાર ગુજરાતભરમાં ઉભરી આવે. આ મંદિરોની જો કોઈ વિશેષતા હોય તો તે છે એનું બાંધકામ. મંદિરોના ચણતરમાં ચૂનો કે પછી અન્ય કોઈ ચીજનો અહી ઉપયોગ કરાયો નથી.બાંધકામે અનુરૂપ પથ્થર ઘડીને અહી ગોઠવાયા છે. તો સાબરકાંઠા જીલ્લામાં જ આ મંદિર અસ્તિત્વ ધરાવતું હોવા છતાં જીલ્લાના જ મોટાભાગના લોકોને આનો ખ્યાલ નથી. સાબરકાંઠા વહીવટી તંત્ર અને ગુજરાત પુરાતત્વ વિભાગની ઉદાસીનતાથી આજે આ મંદિરોની જોઈએ એટલી પ્રસિધ્ધી નથી થઇ. અહી મુલાકાતે અનેક લોકો આવે છે. તો અહિ આવેલા કુંડમાં 900થી વધુ મહિલાઓ એક સાથે નીકળે તો પણ એકબીજા સામે અથડાતી નથી તેવી રીતે કુંડનુ નિર્માણ કરાયુ છે.

સંતાન પ્રાપ્તી ન થતી હોય તે લોકો અહીંયા માનતા રાખે છે
આ મંદિરોની અન્ય એક ગાથા છે કે, અહિ આવેલા લાડેચી માતાની ખાસ કરીનો લોકો માનતા માનતા હોય છે અને તમામ લોકોની માનતા પણ પુર્ણ થતી હોવાનું પણ માનતા પૂરી થતા હોય તેવા પણ પરચા જોવા મળ્યા છે. સંતાન પ્રાપ્તી ન થતી હોય અને કોઈ અહિ બાધા રાખે તો તેમણે સંતાન પ્રાપ્તી થતી હોય છે.તો આજુબાજુના અનેક ગામળાના લોકો અહિ આવીને પ્રથમ બાળક કે બાળકીની બાધા પણ ઉતારતા હોય છે અને જેને લઈને અહિ ભક્તોનુ ઘોડાપુર ઉમટતુ હોય છે તો શિવ મંદિરને લઈને શિવરાત્રી અને શ્રાવણ માસમાં પણ ભક્તોની ભીડ જામતી હોય છે.

લોકો રસ્તાના અભાવે ભટકી જાય છે
અહિ આવેલા 7 મંદિર અને મંદિરની કોતરણી તો આ ઉપરાંત આસ્થા સાથે જોડાયેલ ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે પરંતુ અહિ આવવા માટેનો રસ્તો ખખડઘજ છે તો ચોમાસામાં ભક્તોને અહિ આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો આ ઉપરાંત રાત્રી દરમિયાન અહિ વીજળી ન હોવાથી ભક્તોને મુશકેલી પડતી હોય છે. તો અહિ રસ્તો બનાવવામાં આવે તો ચોક્કસ પણ અહિ આવતા લોકોને પણ ફાયદો થઈ શકે તેમ છે. તો નવ ગ્રહ મંદિર કે શિવ મંદિરે આવતા ભક્ત અથવા તો વિદેશીઓ રસ્તા અભાવે ભટકી જાય છે તો આસપાસના સ્થાનિકો અહિ મુકવા પણ આપવા હોય છે તો રસ્તો જલ્દી બને તેવી માંગ છે.