આજ સુધી તમે મોટા ભાગના રાજકારણીઓ લખપતિ કે કરોડપતિ જ જોયા હશે. ભાગ્યે જ કોઈ એવા ઉમેદવાર હશે જે સામાન્ય જીવન જીવતા હોય છે. ત્યારે આજે આપણે એવા જ ઉમેદવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેઓ 4-4 ટર્મથી ધારાસભ્ય(MLA) તરીકે ચૂંટાઇને આવ્યા છે તેમ છતા પણ તેમની પાસે મોબાઇલ(Mobile) કે કાર(car) નથી, આ સિવાય ડિપોઝીટ ભરવાના પૈસા પણ મતદારો ભેગા કરીને આપે છે. આ ઉમેદવાર એવા છે કે બસમાં મુસાફરી કરે છે. આ ભાઇ એટલા માટે ચૂંટણી(election) જીતે છે કારણકે તેમના કામ બોલે છે, પ્રજાની વચ્ચે રહીને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવે છે.
મળતી માહિતી અનુસાર, આ ઉમેદવારનું નામ રામસિંહ સોલંકી છે. તેઓ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આમોદરાના રહેવાસી છે. રામસિંહ માત્ર 9 ચોપડી ભણેલા છે. જાણવા મળ્યું છે કે, 18 વર્ષની ઉંમરે તેમની સેવાકીય પ્રવૃતિથી પ્રભાવિત થઇને ગામના લોકોએ તેમની બિનહરિફ સરપંચ તરીકે ચૂંટી કાઢ્યા હતા. એ પછી તેઓ સક્રિય રાજકારણમાં આવ્યા. રામસિંહ સોલંકી પહેલાં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્ય બન્યા હતા તે પછી તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી અને જીતી હતી.
આજે તો કોઇ ઉમેદવાર પાલિકાનો સભ્ય કે સરપંચ બને તો પણ થોડા વર્ષોમાં લખલૂંટ કમાણી કરતો થઇ જાય છે. પણ રામસિંહ 4-4 ટર્મ ધારાસભ્ય રહેવા છતા છેવાડાના ગામમાં ખેતરમાં બનાવેલા એક મકાનમાં જીવન જીવે છે. એક ગામથી બીજે ગામ જવા માટે ક્યાં તો પગપાળા કે બસમાં જાય છે.
ત્યારે આ અંગે રામસિંહ સોલંકીએ કહ્યુ હતું કે, ધારાસભ્ય તરીકે મેં જે કામ કર્યું છે તે માનવતાને ધ્યાનમાં રાખીને કર્યું છે. હું હમેંશા ભગવાનનો ડર રાખીને સેવા કરું છું. મેં કયારેય કોઇ અપેક્ષા રાખી નથી. મને કોઇ મત આપે કે ન આપે બધાનું જ હું કામ કરું છું. ભારતના રાજકારણમાં આવા નેતા દિવો લઇને શોધવા નિકળીએ તો પણ મળે નહીં. બધા ઉમેદવારો રાજકારણને કમાણીનું સાધન જ સમજતા હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.