સુરત(Surat): શહેરમાં માર્કેટ ભાવ કરતા 10 હજાર રૂપિયા ઓછા ભાવે સોનાના બિસ્કિટ(Gold biscuits) ખરીદવાની લાલચમાં અડાજણ(Adajan)ના છ મિત્રોએ 22.35 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. ઠગબાજ મામા-ભાણેજે લાખ્ખો રૂપિયા પડાવી લઇ સોનાના બિસ્કિટ નહીં આપતા તેમની વિરુદ્ધ પોલીસે ઠગાઈનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સિંગણપોર ડભોલી લિંક રોડ સીવાન એવન્યુ ખાતે રહેતા મૂળ ભાવનગરના 22 વર્ષીય જેનિશ શેટા ઓફિસ રાખી ઓનલાઈન સેલિંગનો વેપાર કરે છે. જેનિશની બે વર્ષ પહેલા કતારગામમાં પાનના ગલ્લે માવા ખાવા માટે જતી વખતે વિરેશ તરસરીયા સાથે પરિચય થયો હતો. જે તે સમયે વિરેશે તેના મામા મનસુખ ધોળકિયા સાથે અડાજણમા પેન્ટાલુન ખાતે ઓફિસ રાખી ભાગીદારીમાં ક્રિપ્ટો કરન્સીનો ધંધો તથા સોનાના બિસ્કીટમાં પણ રોકાણ કરતા હોવાનું જણાવ્યું હતું. આ સાથે જેનિશને પોતાની સાથે સોનામાં રોકાણ કરવા પર બજાર ભાવથી સસ્તું સોનું આપવાની લાલચ આપી હતી.
જેનિશે તેના મિત્ર આકાશ સલીયાને વાત કર્યા બાદ બંને જણા ગત 26 જૂનના રોજ વિરેશને તેની ઓફિસે મળવા માટે ગયા હતા. ત્યારે વિદેશે બજારભાવ કરતા એક સોનાના બિસ્કીટ ઉપર રૂપિયા 10 હજાર સસ્તા ભાવે આપીશ તેમ કહ્યું હતું. જેનિશે લાલચમાં આવી આ અંગે તેના અન્ય મિત્રોમાં વાત કરી ધંધો કરવાનું નક્કી કર્યા બાદ જેનિશે રૂપિયા 7 લાખ, ધર્મેન્દ્રસિંહ મોરીએ રૂપિયા 5 લાખ, વિજય ભડીયાદરાએ 4.35 લાખ, આકાશે રૂપિયા 2 લાખ, દર્શનને રૂપિયા 4 લાખ મળી કુલ રૂપિયા 22.35 લાખ ભેગા કર્યા હતા. 28 જૂનના રોજ આ પૈસા લઈને ઓફિસે ગયા હતા. ત્યાં વિરેશ અને તેના મામા મનસુખ હાજર હતા.
વિરેશને પૈસા આપતા તેણે બેગમાં પૈસા મુકી મનસુખને ‘પેમેન્ટ તમારી પાસે રાખો અને બાજુની ઓફિસમાંથી 5 સોનાના બિસ્કીટ લઈ આવો’ તેમ કહી જેનિસ અને તેના મિત્રને પંદરેક મિનીટ બેસવા કહ્યું હતું. બાદમાં સાંજ સુધી મનુસખ બિસ્કીટ લઈને આવ્યો ન હતો અને વિરેશે પણ ‘મારે વકીલ પાસે કામ છે, હું તમને મોડીરાત્રે અથવા આવતીકાલે બિસ્કીટ આપી દઈશ’ તેમ કહી ઓફિસમાંથી નિકળી ગયો હતો.
જેનિસે રાત્રે ફોન કરતા વિરેશે સવારે અગિયાર વાગ્યે બિસ્કીટ આપી દઈશે તેમ કહ્યું હતું. જે મુજબ બીજા દિવસે ફોન કરતા વિરેશ કોઈના કોઈ બહાના કાઢી છ જેટલા દિવસ પસાર કરી દીધી હતી. આખરે જેનિશે પૈસા પરત માંગતા વિશે 25 જુલાઈ સુધીમા પેમેન્ટ આપી દેવા અંગેનું પ્રોમિસની નોટ લખી આપી હતી. નક્કી કરેલ સમયમાં પણ પૈસા નહી આપતા જેનીશ 26 જુલાઈના રોજ ફોન કરી પૈસાની માંગણી કરતા વિરેશે ‘તમારી રકમ પરત આપી દીધી છે, મારે તમને કઈ રકમ આપવાની થતી નથી અને હવે પછી મારી પાસે રકમની માંગણી કરશો તો જાનથી મારી નાંખીશ’ તેવી ધમકી આપી. બિસ્કીટ કે પૈસા પરત કરાતા જેનિશે પોલીસમાં વિરેશ તરસરીયા અને મનલુખ ધોળકીયા સામે ગુનો નોંધાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.