ભારતમાં લોકડાઉન હોવા છતાં દિલ્હીમાં તબલિગી જમાતના નિઝામુદ્દિન મરકઝ નામના ધાર્મિક પ્રસંગમાં ભારત સહિત વિવિધ 15 દેશના હજારો લોકો ભેગા થયા હતાં. જેમાંથી 1033 લોકો વતન પહોંચી ચૂક્યા છે. જેમાંના 24થી વધુ કોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે અને 9 નાં મોત થઈ ગયા છે. આ ધાર્મિક પ્રસંગમાં ગુજરાતના અનેક લોકો ગયા હોવાની જાણ થતા હાહાકાર મચ્યો છે. હાલ કેન્દ્ર સરકારે નિઝામુદ્દીન મરકજમાં ગયેલા લોકોમાંથી 1500 લોકો ગુજરાતમાં પ્રવેશ્યા હોવાનો ઘટસ્ફોટ થતા અફડાતફરીનો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, કોરોનાના કહેર વચ્ચે દિલ્હીમાં નિઝામુદ્દીન મરકજ નામના ધાર્મિક પ્રસંગમાંથી ગુજરાતમાં 1500 લોકો કોઈને ખબર પણ પડે નહીં તે રીતે ઘૂસ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. સમગ્ર માહિતી સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને એક યાદી મોકલી છે જેમાં ગુજરાતમાં પ્રવેશેલા 1500 લોકોના નામ હોઈ શકે છે. કેન્દ્ર સરકારે આ માહિતીનો ઘટસ્ફોટ કરતા રાજ્ય સરકાર હરકતમાં આવી ગઈ હતી અને તેમને તાબડતોડ નિર્ણય લેતા તમામ જિલ્લા કલેક્ટરોને યાદીના આધારે ગેરકાયદેસર પ્રવેશેલા લોકોને શોધવા માટે આદેશ આપી દીધા છે.
ગુજરાત રાજ્ય સરકારે જે પણ જમાતમાં ગયા છે તેવા લોકોને શોધીને તમામના મેડિકલ ચેકઅપ ફરજિયાત કરવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. આ સિવાય તેમના સંપર્કમાં આવેલા તમામનું સ્ક્રિનિંગ પણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ તો અમદાવાદના 300, સુરતના 76, ભાવનગરના 13 લોકો અંગે તપાસ ચાલું છે, આ સિવાય બોટાદના 4, રાજકોટના 12, મોરબીના 3, વલસાડના 50 અને જૂનાગઢમાં 5 લોકોની શોધખોળ ચાલુ કરી દેવામાં આવી છે. જોકે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે મોટાભાગના લોકોને શોધી લેવામાં આવ્યા છે.
રાજ્ય સરકારે નિઝામુદ્દિન મરકઝ નામના ધાર્મિક પ્રસંગમાં ગયેલા લોકોની શોધખોળ કરવા માટે રાજ્ય સરકારે ગુજરાત ATS, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને SOGની ટીમો કાર્યરત કરીને તેમને શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યમાં હવે આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર પણ કામગીરીમાં જોતરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં તબ્લિક જમાતના પ્રોગ્રામમાં અમદાવાદના 29 લોકો ગયા હતા. તમામ લોકોની પોલીસે ઓળખ કરી લીધી છે અને તેમને હોમ ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગરના 13 અને બોટાદ જિલ્લાના 4 એમ આ બે જિલ્લાના 17 લોકો પણ તબ્લિક જમાતના પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા.
મોડી રાતે દરિયાપુર વિસ્તારમાં દરિયાપુર પોલીસ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, ગુજરાત એટીએસ અને SOGની ટીમે તપાસ હાથ ધરી હતી. 29 જેટલા લોકો મળી આવતા તેમની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે. આ લોકો ક્યાં ક્યાં ગયા હતા? અમદાવાદ આવીને કોને મળ્યા હતા? તેમજ કઈ રીતે આવ્યા તેની તપાસ શરૂ કરી છે. આજે તેઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. તમામના રિપોર્ટ પેન્ડિગ રાખવામાં આવ્યા છે.