આગામી સપ્ટેમ્બર મહિનામાં ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ દ્વારા મધ્યપ્રદેશની પન્ના માઇન્સમાંથી નીકળેલા 25હજાર કેરેટે હીરાનું અવલોકન કાર્યક્રમ યોજવામાં આવનાર છે અને ત્યાર બાદ યોજાનારી હરાજીમાં ભાગ લેવા કાઉન્સીલનું સભ્યપદ મેળવવાનું રહેશે.
શહેરમાં આગામી દિવસોમાં રફ ડાયમંડની હરાજીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રફ ડાયમંડ દેશના મધ્ય પ્રદેશની પન્ના માઇન્સમાંથી નીકળેલા 25 હજાર કેરેટ હીરાની હરાજીના આયોજનના ભાગ રૃપે આગામી સપ્ટેમ્બર મહિનામાં અવલોકન કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ અંગે ધી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના રીજ્યોનલ ચેરમેન દિનેશભાઇ નાવડિયાએ જણાવ્યું હતું કે પન્ના માઇન્સના પ્રોડયુસર એનએડીસી લિ. દ્વારા આગામી મહિનામાં પન્ના માઇન્સમાંથી નીકળેલા 25હજાર કેરેટ રફ હીરાની હરાજી કરવામાં આવનાર છે.
કાઉન્સીલના સભ્યો માટે અવલોકન કાર્યક્રમ યોજવામાં આવનાર છે. ત્યાર બાદના દિવસોમાં રફ હીરાની હરાજી કરવામાં આવશે. જો કોઇ વ્યાપારી હરાજીમાં ભાગ લેવા ઇચ્છતો હશે તો તેણે કાઉન્સીલનું સભ્યપદ મેળવવાનું રહેશે. વધુમાં તેમણે કહ્યું હતું કે સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગકારોને હીરાની સીધી ખરીદી કરવાનું પ્લેટફોર્મ મળશે અને તેનો સીધો ફાયદો હીરા ઉદ્યોગને થશે.
હીરા બુર્સના ડાયટ્રેડને સ્પેશીયલ નોટિફાઇડ એરિયા જાહેર કરવા પણ માંગ થઇ છે
ઇચ્છાપોર ખાતે તૈયાર કરવામાં આવેલા હીરા બુર્સ ખાતે જીજેઇપીસી દ્વારા અલાયદી વ્યવસ્થા ઉભી કરીને ડાયટ્રેડ તૈયાર કરવામાં આવ્યુ છે. પન્ના માઇનના રફ હીરાની ત્યાં હરાજી થવાની છે ઉપરાંત આગામી દિવસોમાં વિદેશની રફ હીરાની કંપનીઓ દ્વારા સુરતમાં રફ હીરાનું ડાયમંડનું ટ્રેડિંગ કરવામાં આવે એ દિશામાં પણ જીજેઇપીસી દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના માટે હીરા બુર્સ ખાતે તૈયાર કરવામાં આવેલા ડાયટ્રેડને સ્પેશીયલ નોટીફાઇડ એરિયા જાહેર કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. જેને પગલે કસ્ટમ અધિકારીઓની ટીમે મુલાકાત લઇ જરૃરિયાત મુજબની સુવિધાઓ છે કે નહિ તે અંગેનો સર્વે કર્યો હતો.