દુનિયામાં ઘણા એવા લોકો છે જે શારીરિક ખામીને પોતાની મજબૂરી નહીં પરંતુ તાકાત બનાવીને જીવતા હોય છે, આવા લોકો અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બને છે. ભાવનગરના તળાજાના ગોરખી ગામમાં રહેતા, 18 વર્ષીય ગણેશ બારૈયાની માત્ર 3 ફૂટ હાઈટ છે, તેનું વજન 15 કિલો છે અને તેનો અવાજ પણ નાના બાળક જેવો છે, તેમ છતાં ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સમાં દુનિયાના સૌથી ઓછી હાઈટ ધરાવતા ડોક્ટર તરીકે પોતાનું નામ નોંધાવવા માટે જીવનમાં આવેલા દરેક મુશ્કેલીઓનો સામનો કર્યો.
આદિવાસી પરિવારમાંથી આવતા ગણેશ બારૈયાને આ અઠવાડિયે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન આપવામાં આવ્યું છે. લોકોમોટિવ સ્થિતિના કારણે 72 ટકા દિવ્યાંગતા ધરાવનારા બારૈયાને દિવ્યાંગ ઉમેદવારના ક્વોટામાં એડમિશન મળ્યું છે. તેણે નીટમાં 223 માર્ક્સ મેળવ્યા હતા.
ગણેશ બારૈયાના પરિવારમાં કુલ અગિયાર સદસ્યો છે. જેમાં ગણેશ બારૈયાને સાત બહેનો અને એક ભાઈ છે, તે પરિવારનો પહેલો એવો વ્યક્તિ છે જેણે કોલેજમાં એડમિશન મેળવ્યું છે. ગણેશના પિતા વ્યવસાયે ખેડૂત છે. ‘મારી બહેનોમાંથી કોઈ પણ ધોરણ 10થી આગળ ભણ્યું નથી. મારો ભાઈ 12મા ધોરણમાં ભણે છે. બારૈયાએ કહ્યું કે, જે તક મને સામે ચાલીને મળી છે, તેને લઈને હું અને મારો પરિવાર ખૂબ જ ખુશ છીએ.
બારૈયાએ વધુમાં જણાવ્યું કે જ્યારે તે નિલકંઠ વિદ્યાપીઠમાં 9મા ધોરણમાં ભણતો હતો ત્યારથી જ તેણે ડોક્ટર બનવાનું સપનું જોયું હતું. સ્કૂલના ટ્રસ્ટી દલપત કતારિયા અને પ્રિન્સિપાલ રેવાત સિંહ સરવૈયાએ તેને પોતાનું સપનું પૂરું કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો- કે જેથી તે દુનિયાનો સૌથી ઓછી હાઈટ ધરાવતો ડોક્ટર બની એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરી શકે! ‘હું ગામડામાં મેડિકલ પ્રેક્ટિસ કરવા અને ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપવા માટે ઉત્સાહિત છું’ તેમ ગણેશે કહ્યું.
ગણેશ અને તેની સ્કૂલ માટે આઘાતજનક સ્થિતિ એ હતી કે જ્યારે ગુજરાત સરકારે બારૈયા સહિત ત્રણ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનો ઈનકાર કર્યો હતો. કારણ કે સરકારને લાગતું હતું કે મેડિકલ કોર્ષનો અભ્યાસ કરવો તે તેમના માટે મુશ્કેલ છે.
ગુજરાત હાઈકોર્ટે પણ સરકારના નિર્ણયને પડકારતી ત્રણેય વિદ્યાર્થીઓની અરજીને ફગાવી દીધી હતી. જે બાદ ગુજરાત હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે પર્સન વિથ ડિસએબિલિટી એક્ટ 2016 હેઠળ વિદ્યાર્થીઓને એડમિશન આપવા માટે આદેશ આપ્યો હતો. આ એક્ટ અંતર્ગત ગઠન કરાયેલી એક સમિતિએ કહ્યું હતું કે, 40 ટકાથી 60 ટકા વચ્ચેની દિવ્યાંગતા ધરાવનારી વ્યક્તિ મેડિકલ કોર્ષમાં એડમિશન લેવા માટે હકદાર છે. બારૈયાની સ્કૂલે આ કાયદાકીય લડત માટે 4 લાખ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. ‘ગણેશ એક તેજસ્વી અને મહેનતુ છોકરો છે’. તેમ કતારિયાએ કહ્યું.
‘અમે ન માત્ર તેને વિનામૂલ્યે ભણાવ્યો પરંતુ તેને કાયદાકીય લડતમાં પણ સાથ આપ્યો કારણ કે અમે સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડવા માગતા હતા’ બારૈયાએ કહ્યું કે તેના અત્યારસુધીના જીવનમાં તેની હાઈટને લઈને લોકોએ તેની મજાક ઉડાવી છે. ‘મેં તેમની ટીકા-ટિપ્પણીઓને હંમેશા હસતા મોંએ સ્વીકારવાનું શીખી લીધું હતું’ તેમ બારૈયાએ કહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.