કેદારનાથ(Helicopter Crashed In Kedarnath): આજે સવારે ઉત્તરાખંડ(Uttarakhand)માં એક મોટી દુર્ઘટના ઘટી હોવાના સમાચાર સામે આવ્યાં હતાં. ન્યુઝ એજન્સી ANI ના જણાવ્યા અનુસાર કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હતા. હેલિકોપ્ટર ક્રેશ થવા પાછળનું એક કારણ ખરાબ હવામાન હોવાનું માનવામાં આવે છે.
ત્રણ શ્રદ્ધાળુ મૃતકમાં બે પિતરાઈ બહેનો અને એક સિહોરની રહેવાસી હતી
આજે સવારે કેદારનાથથી બે કિલોમીટર દૂર હેલિકોપ્ટર ક્રેશ થતાં બે પાઈલટ અને પાંચ શ્રદ્ધાળુ સહિત સાત લોકોનાં મોત નીપજ્યાં છે. જેમાં શ્રદ્ધાળુમાં બે તો સગી પિતરાઈ બહેનો છે. આ અકસ્માતમાં 3 યુવતીઓના મોત નીપજ્યાં છે. આ ત્રણ યુવતીઓ ભાવનગર જીલ્લાની છે. તેમાં ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડ બંને પિતરાઈ બહેનો હોવાનું જાણવા મળ્યું છે.
જ્યારે પૂર્વા રામાનુજ નામની અન્ય યુવતી ભાવનગર જિલ્લાના સિહોરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ર્વા રામાનુજના પિતા સિહોર નગરપાલિકાના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં રહેતી ઉર્વી બારડ અમદાવાદની IT કંપનીમાં નોકરી કરતી હતી. ઉર્વીની બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી. આજે સવારે જ્યારે દુર્ઘટના બની તે પહેલા જ તેના મંગેતર સાથે ફોન પર વાત કરી હતી.
કેદારનાથ ખાતે હેલીકોપ્ટર તુટી પડેલ છે જેમાં ભાવનગરની દીકરીઓ હતી તે ખબરથી ચિંતિત છું . વડા પ્રધાનશ્રી @narendramodi તથા મુખ્ય મંત્રીશ્રી @CMOGuj ને વિનંતી છે કે સત્વરે યોગ્ય બચાવ અને જરૂરી તમામ વ્યવસ્થા કરે . pic.twitter.com/UUzNMBQ02n
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) October 18, 2022
યુવતીઓના પરિવારજનોને દુર્ઘટનાની જાણ તંત્ર દ્વારા કરવામાં આવી
કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટી પાસે થયેલી દુર્ધટનાનો ભાવનગર વહીવટીતંત્રને મેસેજ મળતાં નાયબ મામલતદાર દ્વારા યુવતીઓના પરિવારજનોને દુર્ઘટનાની જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ભાવનગરની યુવતીઓ 14 તારીખે કેદારનાથ ભગવાન શિવજીનાં દર્શન માટે ગઈ હતી. ત્યાંથી દર્શન કરી પરત આવવા માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરવામાં આવી હતી.
યુવતીઓ દર્શન કરી પરત ફરી રહી હતી ત્યારે કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટી પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં ઉર્વી, કૃતિ અને પૂર્વાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. કૃતિ તેમના પરિવારની એકની એક દીકરી હતી. તે ભાવનગરની અલોહ સ્કૂલમાં નોકરી કરતી હતી. કૃતિનો આજે જ જન્મદિવસ હતો.
સરકારે ચાર-ચાર લાખની સહાય જાહેર કરી
કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ યુવતીનાં મોત નીપજતાં રાજ્ય સરકારે દુઃખ વ્યકત કર્યું છે. મૃતક યુવતીઓના પરિવારજનોને રાજ્ય સરકાર તરફથી ચાર-ચાર લાખ રૂપિયાની સહાયની જાહેર કરવામાં આવી છે. કેદારનાથમાં બનેલી દુર્ઘટનાને પગલે ગુજરાત સરકારે ઉત્તરાખંડના રાહત વિભાગ સાથે વાતચીત કરી છે. મૂળ ભાવનગરની બે અને ભાવનગરના સિહોરની એક એમ ત્રણ દીકરીનાં મોત બાદ તેમના મૃતદેહ ગુજરાત કેવી રીતે લાવી શકાય એ અંગે વાતચીત કરી છે. ભાવનગરમાં રહેતા યુવતીના પરિવારજનોને દુર્ઘટનાની જાણ થતાં શોકનો માહોલ છવાયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.