હાલમાં કોરોનાની બીજી લહેર સમગ્ર ગુજરાત રાજ્યમાં શરુ થઈ ચુકી છે. આની સાથે-સાથે જ આ લહેર ગુજરાતમાં વધુને વધુ પ્રચંડ બનતી જઈ રહી છે. પ્રતિદિન સામે આવી રહેલ કેસના આંકડાઓમાં સતત ઉછાળો જોવા મળ્યો છે ત્યારે કોરોના વાયરસનાં તમામ રેકોર્ડ તૂટી ગયાં છે.
આજે સાંજે 7:30 વાગ્યાના અરસામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી રહ્યા છે. બિહારથી સીધા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ તેઓ તેમના નિવાસસ્થાને રોકાશે. મળતી માહિતી અનુસાર, અમિત શાહ 24 એપ્રિલે GMDC ખાતેની નવી કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન કરશે, સાથે જ રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીની પરિસ્થિતિની સમીક્ષા પણ કરશે તેમજ આરોગ્ય વિભાગ સાથે બેઠક પણ કરી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં કોરોનાના વધતા કહેરને કાબૂમાં લેવા અન્ય રાજ્યોની જેમ લોકડાઉન લાદીને કોરોનાની ચેન તોડવાનો પ્રયત્ન કરવામાં આવે એવી શક્યતા છે.
હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને દર્દીઓને સારામાં સારી સારવાર આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સરકારે ભારત સરકારના ગૃહ મંત્રાલયના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના સહયોગથી અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરમાં 900 બેડની સંપૂર્ણ સુવિધાસજ્જ ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલ ઊભી કરવાની અભૂતપૂર્વ પહેલ કરી છે. રાજ્ય સરકારની વિનંતી પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય આ 900 બેડની કોવિડ હોસ્પિટલમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસમાંથી 25 ડોક્ટર્સ તથા 75 પેરામેડિક્સનો સ્ટાફ નિયુક્ત કરશે.
અમદાવાદમાં હવે કોમ્યુનિટી હોલમાં પણ કોવિડ કેસ સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. નારણપુરા વિસ્તારમાં આવેલા ડી.કે. પટેલ હોલમાં ઓક્સિજન બેડ સાથે 70 જેટલાં બેડ સાથે કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં રહ્યું છે. આજે સવારે કોવિડ કેર સેન્ટર માટે ઓક્સિજન અને બેડ લગાવવામાં આવી રહ્યાં છે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 24મી એપ્રિલના રોજ આ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે અમિત શાહ દ્વારા આ કોવિડ કેર સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવી શકે છે.
અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડ પર આવેલા ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 900 બેડની ડેડિકેટેડ કોવિડ કેર હોસ્પિટલમાં 150 આઇ.સી.યુ. બેડ હશે, જ્યાં 150 વેન્ટિલેટર્સની વ્યવસ્થા પણ હશે. તમામેતમામ 900 બેડ ઓક્સિજનની સુવિધા સાથેનાં હશે. જો જરૂર પડે તો વધુ 500 પથારી વધારી શકાય એવી વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ હોસ્પિટલમાં પોર્ટેબલ એક્સ-રે મશીનની પણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર મળી રહે એવું તમામ આયોજન કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હોસ્પિટલના સંચાલન અને વહીવટ માટે ઉપયોગી સૂચનો કર્યા હતા. ગુજરાતમાં કોરોનાના દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકાય એ માટે વ્યવસ્થાઓ વધારવામાં મદદરૂપ થવા ગુજરાત સરકારે ભારત સરકારને વિનંતી કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ અભૂતપૂર્વ પહેલને સાકાર કરવામાં મદદ કરી છે. મુખ્ય મંત્રીએ આ માટે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.
દેશમાં કોરોના વાયરસને કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે, ઘણા રાજ્યોએ આ કારણસર મિની લોકડાઉન અથવા નાઇટ કર્ફ્યુ જેવા પ્રતિબંધો લાદ્યા છે. પરંતુ જેમ જેમ સ્થિતિઓ બગડતી જઈ રહી છે તેમ તેમ ફરી એક વાર રાષ્ટ્રીય લોકડાઉન થવાનું જોખમ ઉભું થવા લાગ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ ચર્ચા અંગે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે હવે રાજ્યોના હાથમાં છૂટ આપી છે કે તેઓ નિયંત્રણો અંગેના નિર્ણય લે, રાજ્ય સરકારો પોતાના નિર્ણયો લઈ રહી છે.
એક મુલાકાતમાં અમિત શાહે કહ્યું કે, ‘છેલ્લા 3 મહિનાથી અમે રાજ્યો પર પ્રતિબંધો લગાવવાની સત્તા આપી છે, કારણ કે દરેક રાજ્યની પરિસ્થિતિ એક જેવી હોતી નથી. આવી સ્થિતિમાં રાજ્ય સરકારોએ તેમના સંજોગો પ્રમાણે નિર્ણય લેવો પડશે.’ ત્યારે હાલમાં ગુજરાતમાં કોરોનાના વધતા કહેરને કાબૂમાં લેવા અન્ય રાજ્યોની જેમ લોકડાઉન લાદીને કોરોનાની ચેન તોડવાનો પ્રયત્ન કરવામાં આવે એવી શક્યતા છે.
ગુજરાતમાં ગુરુવારના રોજ છેલ્લા 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 12,553 નવા કેસ નોંધાયા છે. તેમજ 125 દર્દીનાં મોત થયાં છે, જ્યારે 4,802 દર્દીએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં રિક્વરી રેટ 79.61 ટકા થયો છે. સતત 22મા દિવસે ઓલટાઈમ હાઈ કેસ નોંધાયા છે. 31 માર્ચથી સતત નવા કેસ ઓલટાઈમ હાઈ બનાવી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.