11 માર્ચ 2021 એટલે મહા વદ ચૌદસના દિવસે આવતી મહાશિવરાત્રી ધાર્મિક દૃષ્ટિએ અનેરૂ મહત્વ ધરાવે છે. કહેવામાં આવે છે કે, આ રાત્રિ સૃષ્ટિસંહારના અધિષ્ઠાતા, પ્રલયકારી દેવ શિવજીને અતિપ્રિય છે. આથી તેને મહાશિવરાત્રી કહેવાય છે. દેશભરના મંદિરોમાં ભગવાન શિવજીના જ્યોતિર્લિંગ પર બિલીપત્ર ચડાવીને, ઉપવાસ, જાગરણ કરી શ્રદ્ધા ભાવ સાથે આ દિવસની ઉજવણી થાય છે.
એક પૌરાણિક કથા અનુસાર ગુરૂચ્રુહ નામનો એક પારધિ શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક વખત તે બિલીના વૃક્ષ પર ચડી મોડી રાત સુધી શિકારની પ્રતિક્ષા કરતો રહ્યો. એ રાત્રિ મહાશિવરાત્રીની હતી. રાત વિતવા લાગી ત્યાં જ એક મૃગલી પાણી પીવા આવી તેને જોઈ પારધીએ તેને મારવા ધનુષ્ય તૈયાર કર્યું. હરણીને ખ્યાલ આવી ગયો કે મૃત્યુ નિશ્ચિત છે. હરણીને ક્ષણ માટે બચ્ચાની ચિંતા થઈ એટલે તેણે પારધિને વિનંતી કરી કે મને એક વાર મારા બચ્ચાને મળવા જવા દો. હું તેમને છેલ્લીવાર મળીને પાછી આવી જઈશ, પછી તમે ખુશી ખુશી શિકાર કરજો.
હરણીની વિનંતી સાંભળી, તેના વચન પર વિશ્વાસ રાખી પારધિ હરણીને તેનાં બાળકોને મળવા જવાની મંજુરી આપે છે. હરણીની રાહ જોતો શિકારી આખી રાત બિલીના વૃક્ષ પર બેસી રહે છે અને બિલીપત્ર તોડી-તોડી નીચે રાખે છે. તે બિલીપત્રો વૃક્ષ નીચેના શિવલિંગ પર પડ્યા કરે છે. આમ, રાતભરનું જાગરણ અને બિલીપત્રથી શિવલિંગનું અનાયાસે જ પૂજન થઇ જાય છે. પારધિનું ચિત્ત શુદ્ધ થાય છે. ત્યાં જ સવાર પડતા જ હરણીને આખા પરિવાર સાથે આવેલી જોઈને તેનું હ્રદય દ્રવિત થઇ જાય છે. હરણાઓનું વચન પાલન તેનું હૃદય પરિવર્તન કરે છે અને તેનામાં શિવત્વ પ્રગટ થાય છે.
બીજી એક લોકવાયકા પ્રમાણે આ રાત્રિએ દ્વાદશ જ્યોતિર્લિંગની સ્વયંભૂ ઉત્પતિ થઇ હતી, અને દ્વાપર યુગનો પ્રારંભ પણ આ જ દિવસે થયો હતો. તેથી આ દિવસનો ધાર્મિક દ્રષ્ટિએ મહિમા વધારે છે. શિવજીના રૂપને સમજતા કહી શકાય કે, શિવજીના ત્રિલોચન રૂપથી સાચા જ્ઞાની પર થતાં કામના પ્રહારો પણ વ્યર્થ નીવડે છે. તેમણે ધારણ કરેલા દિશાઓના વસ્ત્રો સાદું અને ઉચ્ચ વિચારનું જીવન નિર્દેશિત કરે છે. જ્ઞાની પુરૂષે વિભૂતિને વૈભવ સમજવાની હિંમત રાખવી જોઈએ એ સૂચન શિવજીના શરીર પરની ભસ્મ કરે છે. તેમના હાથમાં રહેલું ત્રિશુલ સજ્જનોને આશ્વાસન આપે છે અને દુર્જનોને ભયગ્રસ્ત બનાવે છે.
દેવાધિદેવ મહાદેવને નીલકંઠ પણ કહેવામાં આવે છે. કારણ કે, સમુદ્ર મંથનમાંથી નીકળેલું અમૃત બધાએ પીધું, પરંતુ ઝેર નીકળતાં જ બધા દૂર હટી ગયાં ત્યારે સૃષ્ટિ કલ્યાણ માટે એ ઝેર શિવજીએ પી લીધું હતું. આમ, કોઇપણ કાર્યમાં, સમાજમાં ઝેર પીવાની, કડવા ઘૂંટડા પચાવવાની જવાબદારી મોટા અને મોભી માણસની છે. શિવજીએ બીજના ચંદ્રને મસ્તક પર ધારણ કર્યો છે. બીજાના ગુણોને આ રીતે માથે ચડાવવાની હિંમત જ્ઞાનીને મહાનતા અર્પે છે.
શિવ મંદિરમાં પ્રવેશતી વખતે આપણે પહેલાં નંદી અને કાચબાને નમન કરીએ છીએ. નંદી શિવને વહન કરે છે. તેમ આપણે પણ સાચા જ્ઞાનના વાહક બનીએ. આ ઉપરાંત કાચબો સંયમનું પ્રતિક છે. શિવ પાસે જવું હોય તો જીવન સંયમી હોવું જોઈએ. ઇન્દ્રિયોના ગુલામ હોય તે શિવને પામી શકે નહી. ભગવાન શિવજી પર રહેલી જલધારી અને તેમાંથી ટપકતું ટીપું-ટીપું પાણી સાતત્ય સૂચવે છે. ભગવાન પરનો આપણો ભક્તિ અભિષેક સતત ચાલુ રહેવો જોઈએ. શિવમંદિરમાં ગૌમુખને ન ઓળંગવાનું પણ એક રહસ્ય છે.
આપણે ગૌમુખનું ઉલ્લંઘન કરતા નથી, તે ઉલ્લંઘવાથી માણસ શક્તિહીન બની જાય. તેથી શિવ મંદિરમાં આપણે સંપૂર્ણ પ્રદક્ષિણા કરતા નથી. “શિવ”નો શબ્દશઃ મતલબ થાય છે-“જે નથી તે.” આજના આધુનિક વિજ્ઞાને સાબિત કર્યુ છે કે, આ સૃષ્ટિની દરેક વસ્તુ શૂન્યમાંથી આવે છે અને પાછી શૂન્યતામાં વિલીન થઇ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle