ઓપન લેટર: રાજકોટ પોલીસ પોતાની પોલ ખોલનાર ચાર પત્રકારો પર FIR કરીને શું સાબિત કરવા માંગે છે?

ડિયર રાજકોટ પોલીસ,
ક્યારેક કાર્યની પદ્ધતિ કરતાં પરિણામ મહત્વનું અને હેતુ સન્માનનિય હોય છે, નહીં તો દરેક એન્કાઉન્ટર ટેકનિકલી તો હત્યા જ ગણાય કે નહીં? હદય પર હાથ રાખીને જવાબ આપજો તમે જ્યારે રીઢા ગુનેગારોને ‘લીમડો પકડાવો’ ત્યારે શું મીડિયા તમને સાથ નથી આપતું? સાથ આપે છે કારણ કે ‘કભી કભી તરીકો સે જ્યાદા નતિજે ઈમ્પોર્ટન્ટ હોતે હૈ.’

ઉદય હોસ્પિટલ અગ્નિકાંડના આરોપી ડોક્ટર્સને પોલીસ મથકમાં મળતી સુવિધાઓ અંગેના એક અહેવાલ બદલ રાજકોટ પોલીસે ‘દિવ્ય ભાસ્કર’ના એક ફોટોગ્રાફર અને ત્રણ પત્રકારો સામે એફઆઈઆર નોંધી છે.

મામલો એવો છે કે રાજકોટ દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રગટ કર્યો હતો કે અગ્નિકાંડના આરોપી ડોક્ટર્સને લોકઅપમાં પૂરવાના બદલે રુમમાં સુવા દેવા સહિતની સગવડો આપવામાં આવી રહી છે. એ અહેવાલના કારણે થયેલી બદનામીના પગલે વળતી કાર્યવાહી તરીકે પોલીસે પ્રતિપાલસિંહ ગોહીલ, મહેન્દ્રસિંહ જાડેજા, Prakash Ravrani અને Imran Hothi Sandhi વિરુદ્ધ તપાસને ક્ષતિ પહોંચાડવા, ગેરકાયદેસર પોલીસ સ્ટેશનમાં ઘુસવા, પોલીસને બદનામ કરવાની કોશિશ વગેરે આરોપો સાથે ચારેક કલમો લગાવીને ફરિયાદ નોંધી લીધી છે.

આ બહુ નાનકડી અને સામાન્ય વાત છે. આને પોલીસે (એટલિસ્ટ રાજકોટ પોલીસે) તો ઈગો પર ન જ લેવી જોઈએ. પૈસાદાર અને વગદાર આરોપીઓને અટકાયત વખતે અમુક-તમુક સગવડો મળી જ જાય એ વાત શું ઓપન સિક્રેટ નથી? જોકે, આ મામલે મારો અંગત મત એ છે કે દરેક આરોપીને (વીઆઈપી નહીં) પણ બેઝિક સગવડો (વિના વહીવટે) મળવી જ જોઈએ. એ જ કોર્ટનું પણ વલણ હોય છે અને આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પણ એ જ છે. કારણ કે કોઈ કેસમાં પોલીસ સ્ટેશનના પગથિયા ચડનારો દરેક વ્યક્તિ ગુનેગાર નથી હોતો.

જ્યાં સુધી કોર્ટમાં એનો ગુનો પૂરવાર ન થાય ત્યાં સુધી એ જે તે ગુનાનો આરોપી હોય છે. ખોટા કેસમાં ફસાયેલો હોય કે ખોટી ફરિયાદ થયેલી હોય ત્યારે નિર્દોષે અમુક યાતનાઓ ન વેઠવી પડે એ જ વાજબી છે. ગુનો પૂરવાર થયા બાદ પણ અમુક મૂળભૂત હકો મુદ્દે તો કોર્ટ્સ પણ જેલતંત્રને સૂચનો કરતી રહી છે અને જેલ સુધારણાના કાર્યક્રમો પણ ચાલતા હોય છે. આરોપી જ્યારે તબીબી જેવા સેવાક્ષેત્રમાંથી આવતા હોય, સમાજમાં સન્માનનિય રહ્યાં હોય એ સંજોગોમાં એમનું માન જળવાય અને (વીઆઈપી નહીં પણ) અમુક પાયાની સગવડો મળે એમાં મને વ્યક્તિગત રીતે કંઈ ખોટું નથી લાગતું. બસ, એ લિગલ હોવું જોઈએ અને તમામને મળતું હોવું જોઈએ. ખેર, આ એક આડવાત હતી. ફરીથી મૂળ મુદ્દા પર આવીએ.

ફિલ્મ ‘વન્સ અપોન ટાઈમ ઈન મુંબઈ’નો એક ડાયલોગ છે કે, ‘આજ-કલ મૈં તરીકો સે જ્યાદા નતિજો મૈં વિશ્વાસ રખતાં હું.’ એક રીતે વાત સાચી છે. ઘણીવાર અમુક કાર્યોમાં એ કરવાની રીત કરતાં એનું પરિણામ વધારે મહત્વનું હોય છે અને હેતુ વધુ સન્માનનિય હોય છે. આ મામલે સિનિયર પત્રકાર Prashant Dayal એક સરસ વાત નોંધે છે કે, ‘સત્યતાની તપાસ કરનારા પત્રકારોને કેટલાંક જોખમો લેવા પડે અને નિયમો પણ તોડવા પડતા હોય છે. ત્યારે એ જોવું મહત્વનું બને કે એમના એ પ્રયાસમાં એમનો ઈરાદો શું હતો, મલિન હતો કે સત્યને ઉજાગર કરવાનો જ હતો? રાજકોટના કિસ્સામાં પત્રકારોનો ઈરાદો મલિન નહોતો એવું સ્ટોરી જોતા સ્પષ્ટ થાય છે.’ પ્રશાંત દાદાની વાત સાચી છે અને અહીં હું વધુ પણ એક વાત ઉમેરીશ કે વિશ્વનું કોઈપણ સ્ટિંગ ઓપરેશન તમામ નિયમોના પાલન સાથે શક્ય બને જ નહીં. કારણ કે લગભગ દરેક સ્ટિંગમાં જાસૂસી, પીછો કરવો અને રેકોર્ડિંગ જેવી બાબતો સામેલ હોય. જો પોલીસ સ્ટિંગ ઓપરેશન્સનો હેતુ જાણ્યા વિના આ રીતે ગુના નોંધવા માંડે તો કોઈ સ્ટિંગ ઓપરેશન જ ન થાય અને ઈન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમનો ખો નીકળી જાય.

પત્રકાર અને પોલીસ બન્નેની કામગીરી તલવારની ધાર પર ચાલવા જેટલી જ કપરી હોય છે. હવે રાજકોટ પોલીસે જે કક્ષાના નિયમપાલનનો આગ્રહ રાખીને પત્રકાર મિત્રો પર એફઆઈઆર નોંધી છે એ જ સમિકરણ સમાનતાના ધોરણે પોલીસ પર લાગુ પાડવા જઈએ તો શું થાય? એ જ કક્ષાના નિયમપાલનનો આગ્રહ રાખીને વાત કરીએ તો સાચા હેતુ માટે થતું દરેક ખોટું એન્કાઉન્ટર શું હત્યા નથી? ત્યારે શું પત્રકારો અને સમાજ પાસેથી પોલીસ એ અપેક્ષા નથી રાખતી કે કાર્યની પદ્ધતિના બદલે હેતુને ધ્યાનમાં રાખવામાં આવે? પોલીસ જ્યારે રીઢા આરોપીઓની જાહેર સરભરા કરે ત્યારે તેઓ એવી અપેક્ષા નથી રાખતી કે નિયમપાલનની અપેક્ષાના બદલે એના હેતુને સમજવામાં આવે?

રાજકોટ પોલીસે દિલ પર હાથ રાખીને એક સવાલનો જવાબ આપવો જોઈએ કે જ્યારે જ્યારે તેમણે કોઈ અભિયાન અંતર્ગત રીઢા આરોપીને ‘લીમડો પકડાવ્યો’ હોય ત્યારે શું રાજકોટભરના મીડિયાના મિત્રોએ એમને સહકાર નથી આપ્યો? આપ્યો જ છે.

બધાંએ એકસૂરે સહકાર આપ્યો છે કારણ કે ‘કભી કભી તરીકો સે જ્યાદા નતિજે ઈમ્પોર્ટન્ટ હોતે હૈ.’ અમે સમજીએ છીએ, તમારે પણ સમજવું જોઈએ. ઈતિસિદ્ધમ. – © Tushar Dave (Mo. 8905071903)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *