હાર્ટ એટેકથી વધુ 2 ના ઉડી ગયા પ્રાણ પંખીડા, ગઢડામાં 32 વર્ષીય હેડ કોન્સ્ટેબલ અને સુરતમાં 40 વર્ષીય કર્મચારીનું અચાનક જ ઢળી પડતા મોત

Heart attack News: ગુજરાતમાં હાર્ટએટેક જીવલેણ બની રહ્યો છે. રોજ ગુજરાતના કોઈને કોઈ શહેરમાં હૃદય બંધ પડી જવાથી મોતના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે આજે વધુ બે લોકોએ હાર્ટ એટેક( Heart attack News )થી જીવ ગુમાવ્યા છે.જેમાં ગઢડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય યુવાનને છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થતા હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. જ્યારે સુરત અને રાજકોટમાં પણ બે યુવકોનું હાર્ટ-એટેકના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

રાજ્યમાં હાર્ટએટેકથી 24 કલાકમાં 4 વ્યક્તિના મોત
રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રોજ બરોજ હાર્ટ એટેકના બનાવોની હારમાળો વધી રહી છે ત્યારે આજે ફરી રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં એક જ દિવસમાં 4 લોકોના મોત થયા છે. હાર્ટ અટેકના વધતા જતા કિસ્સા અને તેનાથી થતા મોતના કારણે સ્થિતિ ચિંતાજનક બની રહી છે.પ્રથમ બનાવની જો વાત કરીએ તો,ગઢડા મુકામે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ ગોવિંદસિંહ સોલંકી ઉંમર વર્ષ 32નું હાર્ટ એટેકથી મૃત્યુ થતાં પોલીસ બેડામાં શોકનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું છે.

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર, મૂળ વતન હડાલા ભાલ, હાલ બોટાદ રહેતા અને ગઢડામાં કોન્સ્ટેબલની નોકરી કરતા ​હરપાલસિંહ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેઓને સંતાનમાં એક 7 વર્ષની અને એક 6 માસની એમ બે દીકરીઓ છે.ત્યારે આ યુવકનું હાર્ટ એટેકમાં નિધન થવાના કારણે તેના સંતાનો પર પિતાની છત્રછાયા દૂર થઇ છે.

સુરતમાં હાર્ટએટેકના કારણે ગયો જીવ
મળતી માહિતી પ્રમાણે, જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ગંગાનગરમાં 40 વર્ષીય ધવલકુમાર માધવભાઈ દેસાઈ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા, પત્ની અને એક આઠ માસનો દીકરો છે. ધવલ દોઢ વર્ષથી એલ એન્ડ ટી કંપનીમાં સિનિયર ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ યુવકને શરીરમાં કોઈ અન્ય બીમારી ન હતી.પરંતુ તેને પહેલા થોડી ઉધરસ આવી હતી અને ત્યાર બાદ છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો. છાતીમાં દુખાવા બાદ ધવલ એકાએક ઢળી પડ્યો હતો.

જેથી સાથી કર્મચારીઓ ધવલને લઈને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે તેનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું. હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબે પણ તેને મૃત જાહેર કર્યો હતો.ત્યારે પરિવારમાં એકાએક જ મૃત્યુ થતા તેનો પરિવાર શોકમગ્ન બન્યો છે.

રાજકોટમાં એક એક હ્રદય બંધ પડી જતા બે લોકોના શરીરમાંથી પ્રાણ પંખેરું ઉડી ગયું
રાજકોટમાં હાર્ટએટેકના કારણે આજે વધુ બે વ્યક્તિઓનાં મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રથમ બનાવમાં આજીડેમ ચોકડી નજીક દેવકીનંદન સોસાયટી 4માં રહેતા 41 વર્ષીય રાકેશસીંગ ચંદ્રીકાસીંગ ગઈરાતે પોતાના ઘરે સુતા બાદ છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ ટુંકી સારવારમાં તેમનું મોત નિપજ્યું હતું.બાદમાં તેની લાશને પીએમ અર્થે મોકલવામાં આવી હતી.તો બીજા બનાવમાં લાખાજીરાજ રોડ પર ઉદ્યોગનગર 8માં રહેતા 38 વર્ષીય રમેશભાઈ અરજણભાઈ મોટાણી ગત રાતે ઘરે હતો. જ્યાં અચાનક શ્વાસ ચડ્યા બાદ બેભાન થઈ જતા તેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.ત્યારે બનાવ અંગે જાણ તથા થોરાળા પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડ્યો હતો.