દેશને જરૂર છે આવા બહેનોની: સુરતમાં બે બહેનોએ પગારમાંથી 51 હજાર શહીદ જવાનોના પરિવારોને અર્પણ કર્યા

હાલમાં ચાલી રહેલા કોરોનાના મહાસંકટમાં પણ લોકોમાં માનવતા અને રાષ્ટ્રભાવનાના કિસ્સા જોવા મળે છે. આ દરમિયાન સુરતના પુણા ગામ આઈસોલેશન સેન્ટરમાં સેવા આપતી બવાડિયા પરિવારની…

હાલમાં ચાલી રહેલા કોરોનાના મહાસંકટમાં પણ લોકોમાં માનવતા અને રાષ્ટ્રભાવનાના કિસ્સા જોવા મળે છે. આ દરમિયાન સુરતના પુણા ગામ આઈસોલેશન સેન્ટરમાં સેવા આપતી બવાડિયા પરિવારની બે બહેનોએ પોતાના મહેનતાણાના 51 હજાર રૂપિયા શહીદ જવાનોના પરિવાજનોને મદદરૂપ થવાં ‘જય જવાન નાગરિક સમિતિ-સુરત’ને આજે અર્પણ કર્યા અને અનેરી રાષ્ટ્રભાવના અને દરિયાદિલીના દર્શન કરાવ્યા હતાં.

જાણવા મળ્યું છે કે, પુણા ગામની પટેલ સમાજની વાડી ખાતે ખોડલધામ સમિતિ દ્વારા કોવિડ આઈસોલેશન સેન્ટર શરૂ કરાયું છે. જેમાં મિત્તલબેન ભાવેશભાઈ બવાડિયા અને તેમની સગી બહેન દક્ષિતાબેન આ કોવિડ સેન્ટરના પ્રારંભથી જ દર્દીઓની સેવામાં 24 કલાક ફરજ બજાવે છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના અમૃતવેલ ગામના વતની અને હાલ સુરતમાં રહેતાં ભાવેશભાઈ બવાડિયાની બે યુવા પુત્રીઓમાં મિત્તલબેન અમદાવાદ, બોપલની કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સીસ એન્ડ રિસર્ચ સેન્ટરમાં બી.ડી.એસ. કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે દક્ષિતાબેન વડોદરાની હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરે છે. તેમણે સમાજ માટે પ્રેરણારૂપ પગલું ભરતાં કોવિડ સેન્ટરમાં એક મહિનાની ફરજ પેટે મળેલા વેતનને શહીદ જવાનોના પરિવારને અર્પણ કરી તેમણે સંવેદનાની સુવાસ ફેલાવી છે.

આ બન્ને દિકરીની શહીદ પરિવારો પ્રત્યેની સંવેદનશીલતા અને રાષ્ટ્રપ્રેમ બદલ જય જવાન નાગરિક સમિતિ દ્વારા તેમની રાષ્ટ્રભાવનાને બિરદાવવામાં આવી હતી. આ અંગે સમિતિના ચેરમેન અને વરાછા કો.ઓપ.બેંકના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યુ હતું કે, ભાવેશભાઈ બવાડિયા છેલ્લા 20 વર્ષથી સુરતમાં રહે છે, અને હેન્ડવર્કનું કામ કરી ગુજરાન ચલાવે છે.

હજુ સુધી કયારેય હોટલમાં ભોજન માટે ગયા નથી. ઉપરાંત દિકરાના બર્થડેની ઉજવણી કરી નથી. તેઓ સમગ્ર સાદાઈ અને સાત્વિકતાભર્યું જીવન જીવે છે. આ દરમિયાન પોતાના બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય એ માટે સતત કાળજી લેતા આ સમજણા પરિવારે સમાજને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

કાનજીભાઈએ વધુમાં જણાવ્યું કે, સમગ્ર બવાડિયા પરિવારે કોરોના દર્દીઓની સેવાચાકરી કરી છે. જાણવા મળ્યું છે કે, પિતા ભાવેશભાઈએ પણ સેન્ટરમાં સ્વયંસેવક તરીકે ફરજ બજાવી છે. જ્યારે તેમના પત્ની પણ ઘરે જ્યુસ, ખીચડી, નાસ્તો બનાવીને દર્દીઓ સુધી પહોંચાડવાની સેવા કરે છે. જેથી માનવતા અને રાષ્ટ્રપ્રેમથી છલકાતા આ બવાડિયા પરિવારને તેમણે ખુબ જ અભિનંદન પાઠવ્યા હતાં. આમ આ કોરોના મહામારી દરમિયાન ઘણા દાનવીરોએ સેવા આપીને સમાજને ઉત્તમ ઉદાહરણ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *