કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના આ વિસ્તારોમાં ખાબક્યો કમોસમી વરસાદ, કેરીના પાકને નુક્સાનની ભીતિ

Gujarat Weather updates: નવસારી-વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં (Gujarat Weather updates) કમોસમી વરસાદના ઝાપટા પડતાં કાળઝાળ ગરમીમાં તો લોકોને ઠંડક મળી છે, પરંતુ આંબા-ચીકુ જેવા પાકને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી
નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ખેરગામ તાલુકાના રૂમલા ગામ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ આંબા પર હજી કેરી બરાબર બેડવાની બાકી હોય તેવા સમયે પડેલા કમોસમી વરસાદે પાકની સ્થિતિ બગાડી છે. ખેડૂતોને ભય છે કે આ કમોસમી વરસાદથી ચીકુ અને આંબા પર ફળો ખરી પડવાનો અને તેમાં જીવાત લાગવાનો ભય છે.

ઉકળાટના માહોલમાંથી લોકોને થોડી રાહત મળી
વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળ્યો હતો. આકાશ વાદળછાયું બન્યું હતું અને કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર આવેલા ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા.

આ વરસાદી ઝાપટાને કારણે રસ્તાઓ ભીના થયા હતા અને ગરમી તથા ઉકળાટના માહોલમાંથી લોકોને થોડી રાહત મળી હતી. જોકે, આ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

છોટા ઉદેપુરમાં પણ વરસાદી ઝાપટા
બીજી તરફ છોટા ઉદેપુરમાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારે છ વાગ્યાના સુમારે દસ મિનિટ સુધી વરસાદી છાંટા પડ્યા હતા. ભરઉનાળામાં આવેલા આ કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જોકે, આ વરસાદી છાંટાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.