વડોદરા સ્થિત ફાર્મા કંપની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ચીની બજારમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને વેચાણ કરવા માટે મંગળવારે ચીની કંપનીઓ એસપીએચ સાઇન ફાર્માસ્યુટિકલ લેબોરેટરીઝ કંપની લિમિટેડ (એસપીએચ સાઇન) અને એડિયા (શાંઘાઈ) ફાર્મા કંપની લિમિટેડ સાથે સંયુક્ત સાહસ કરાર (જેવીએ) પર હસ્તાક્ષર કરવાની જાહેરાત કરી હતી. બોમ્બે સ્ટોક એક્ષ્ચેન્જ (બીએસઈ) પર કંપનીએ આપેલી માહિતી મુજબ સંયુક્ત સાહસ હેઠળ બનનારી નવી કંપની આગામી સમયમાં ચીનમાં ઉત્પાદન એકમ પણ બનાવશે.
શરૂઆતમાં ચીનમાં એલેમ્બીકની દવાઓનું વેંચાણ થશે:
બીએસઈ પર આપેલી યાદીમાં કંપનીએ જણાવ્યું હતું કે, સંયુક્ત સાહસમાં બનનારી કંપની શરૂઆતમાં એલેમ્બિક દ્વારા વિકસાવાયેલી અને ઉત્પાદન કરતી જેનરિક દવાઓનું ચીનની બજારમાં વેંચાણ કરશે. આમાં ઓરલ સોલીડ, ઇન્જેક્ટેબલ, નેપ્થોલોજી, ડરમેટોલોજી અને ઓંકોલોજીને લગતી દવાઓ શામેલ હશે.
કંપનીઓનું સંયુક્ત રીતે રૂ. 1 કરોડનું રોકાણ થશે:
આ જોઈન્ટ વેન્ચરમાં ત્રણેય કંપનીઓ ભેગી મળીને રૂ. 1 કરોડનું રોકાણ કરશે. આ સંયુક્ત સાહસમાં એસપીએચ સાઇનનો હિસ્સો 51%, એલેમ્બિક ફાર્માસ્યુટિકલનો 44% અને એડિયા ફાર્મા કંપનીની હિસ્સેદારી 5% રહેશે.