સુરત મહાનગર પાલિકામાં અમુક ભ્રષ્ટ અધિકારીઓની લાંચ લેવાની વૃત્તિ ને કારણે શહેરવાસીઓના જીવ જોખમમાં મુકાતા હોય છે. ત્રણ દિવસ અગાઉ આવીજ એક અગમ્ય ઘટના સુરતમાં બનવા પામી જેમાં 24 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ના મોત થયા હતા. આ વખતે ગુજરાત સહિત દેશભરમાં તંત્ર વિરુદ્ધ રોષ છે. આ બાબતે સુરતવાસીઓ પણ આ વખતે લડી લેવાના મૂડમાં હોય તેમ તંત્ર વિરુદ્ધ રોડ ઉપર આવીને વિરોધ કરવાનું ચૂક્યા નથી અને અનોખા પ્રકારે જ તંત્રની ઠેકડી ઉડાવી ને તેમને લાંચ લેવાનો વિચાર સુદ્ધા પણ ન આવે તે પ્રકારનો વિરોધ કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આગ લાગવાની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનો એક અધિકારી 57 હજારની લાંચ લેતા રંગેહાથે એસીબીના છટકામાં પકડાઈ ગયો હતો.
ત્રણ દિવસ અગાઉ ની ગોઝારી ઘટના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સુરતવાસીઓ માં રોષ વાત વ્યાપી ગયો છે. સુરતવાસીઓ ની એક જ માંગ છે કે આ ઘટના પાછળ જવાબદાર તમામ અધિકારીઓ નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેમને જેલના સળિયા ગણતા કરી દેવામાં આવે અને યોગ્ય સજા આપીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે.
તંત્ર દ્વારા ક્યાંકને ક્યાંક દોષિત અધિકારીઓ અને સત્તાધીશોને છાવરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પરંતુ સુરતવાસીઓ હવે તંત્ર અને જરા પણ મચક આપવા માંગતા ન હોય તે રીતે આજે હીરાબાગ ખાતે એક વિરોધ કાર્યક્રમ નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાનગરપાલિકાના લાંચિયા અધિકારીઓને પોતાનો સરકારી પગાર ઓછો પડતો હોય તેમ વધુ રૂપિયાની જરૂર જણાતી હશે. એવા બોર્ડ બેનર લઈને લાંચિયા અધિકારીઓ માટે ભીખ ભેગી કરવાનો કાર્યક્રમ આપ્યો હતો. આ ઘટના બની ત્યારે સુરત મહાનગર પાલિકા પાસે કથિત રીતે બે માળથી ઉંચે જઈ શકે તેવી ફાયર બ્રિગેડની સીડી પણ નથી તેવી વાતો વહેતી થયા બાદ આ યુવાનો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્લેકાર્ડ માં લખાયું હતું કે સુરત મહાનગરપાલિકા અને ફાયર બ્રિગેડ પાસે બે માળથી વધુ ઊંચાઇની સીડી લેવાના પૈસા નથી તો ભીખ આપો.
આ કાર્યક્રમના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને ચારે તરફ આવા લાંચિયા અધિકારીઓ વિરોધ ફિટકાર વરસાવી રહ્યા છે. આ યુવાનોની એક જ માંગ છે કે, મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે- જ્યારે દોષિત અધિકારીઓ બિલ્ડરો અને સત્તાધીશો ને સજા મળશે.