સરકારે કર્યો ખુલાસો: વાઇબ્રન્ટ સમિટ-2024નો ખર્ચો માથે પડ્યો! વાઇબ્રન્ટના 35 પાર્ટનર કન્ટ્રીમાંથી એક પણ દેશે MOU હજુ નથી કર્યા

Vibrant Gujarat Summit: થોડા સમય અગાઉ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ હતી.જેમાં પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોને ગોલ્ડ પ્લેટેડ વાસણોમાં ભોજન પીરસવામાં આવ્યું હતું. વાઈબ્રન્ટ ગુજરાતમાં(Vibrant Gujarat Summit) વિદેશી મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજનનો ચસ્કો માન્યો હતો.તેમજ વિદેશી મહેમાનોના સ્વાગત માટે લગભગ 50 કરોડનો ખર્ચ કરીને ગાંધીનગર સુધીના રોડનું બ્યુટીફીકેશન સહિત ગાંધીનગરના અંડર બ્રિજને શરગરવામાં આવ્યા હતા.પરંતુ આ બધો ખર્ચો માથે પડ્યો હોઈ તેવો ઘાટ સર્જાયો છે.કારણકે,વાઇબ્રન્ટ સમિટ-2024માં પાટર્નર કન્ટ્રી તરીકે જોડાયેલા 35 દેશ પૈકી એક પણ દેશની સરકારે એમઓયુ કર્યા નથી.

35 દેશ પૈકી એક પણ દેશની સરકારે એમઓયુ કર્યા નથી
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે,વાઇબ્રન્ટ સમિટ-2024માં પાટર્નર કન્ટ્રી તરીકે જોડાયેલા 35 દેશ પૈકી એક પણ દેશની સરકારે એમઓયુ કર્યા નથી. જોકે એ વાત અલગ છે કે આ કન્ટ્રીના ઉદ્યોગોએ એમઓયુ કર્યા હોય. દરમિયાનમાં વિધાનસભા ગૃહમાં સરકારે એવી પણ માહિતી આપી હતી કે સમિટનાં 20 વર્ષ પૂરાં થવા નિમિત્તે બહાર પાડેલા રૂ. 20ના સિક્કાની 136 ફ્રેમ બનાવવા પાછળ રૂ. 27.75 લાખ ખર્ચાયા હતા.

આ પાટર્નર કન્ટ્રી તરીકે જોડાયા હતા
સમિટ-2024માં ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચેક રિપબ્લિક, ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો, ઇજિપ્ત, એસ્ટોનિયા, ફિનલેન્ડ, જર્મની, ઘાના, ઇન્ડોનેશિયા, જાપાન, કેન્યા, સાઉદી અરેબિયા, મલેશિયા, માલ્ટા, મોરોક્કો, મોઝામ્બિક, નેપાળ, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, રશિયા, રવાન્ડા, સિંગાપોર, દક્ષિણ કોરિયા, તાન્ઝાનિયા, થાઇલેન્ડ, તિમોર-લેસ્ટે, યુગાન્ડા, સંયુકત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડ્મ, ઉરુગ્વે, યુક્રેન અને વિયેતનામ પાટર્નર કન્ટ્રી તરીકે જોડાયા હતા.

સિક્કાની ફ્રેમ પાછળ 27.75 લાખનો ખર્ચ
સમિટને 20 વર્ષ પૂરાં થતાં ગુજરાત સરકારે તેની સ્મૃતિમાં રૂ. 20નો સિક્કો બહાર પાડ્યો હતો. આ સિક્કાની ફ્રેમ બનાવવા માટે એક સિક્કાની ફ્રેમદીઠ રૂ. 20,405નો ખર્ચ થયો હતો. આવી 136 ફ્રેમ માટે સરકાર દ્વારા રૂ. 27.75 લાખ ચૂકવવામાં આવ્યા હોવાનું સરકારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.