પકડાયેલા ચોરે તો મહેસાણા પોલીસની ઈજ્જતને લુણો લગાડ્યો, વિડીયો થયો વાયરલ

Mehsana Viral Video: ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાં ચોરોનો આંતક વધતો જ જાય છે. શિયાળો શરૂ થતાની સાથે જ ચોરો પોતાની ચોરીને અંજામ આપવા નીકળી પડતા હોય છે. ઘણીવાર પોલીસ ફરિયાદ કર્યા બાદ પણ શહેરમાં ચોરનો આંતક (Mehsana Viral Video) જોવા મળે છે. ત્યારે કેટલાક લોકો કહેતા પણ હોય છે કે ચોરની ગેંગ નક્કી પોલીસને પૈસા ખવડાવતી હશે. તેથી પોલીસ કોઈ દિવસ ચોરોને પકડી શકતી નથી. ત્યારે આવી જ એક ઘટના હકીકતમાં બની છે. મહેસાણા જીલ્લાના વિસનગરમાંથી એક ચોરે પોલીસ અને ચોરો વચ્ચે થઇ ડીલનો ભાંડો ફોડી નાખ્યો હતો. જેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના ગુંજા ગામની સીમના છપરામાં અજાણ્યા ચાર ચોરો ચોરીના ઈરાદે ઘુસી આવ્યા હતા. રાત્રીના સમયે આવેલા ચોરોએ એક ઘરને ટાર્ગેટ બનાવ્યું હતું, પરિવાર શાંતિથી સુતો હતો એ સમયે આ ચોરોએ ઘરમાં ઘુસી સોનાની બુટ્ટી, સોનાની નથણી, ચાંદીની શેરો, પેટીમાં મુકેલ રૂ. 1700 રોકડા મળી કુલ રૂ. 16700નો મુદ્દામાલ તેમજ કપડાના બે થેલા ભરી ફરાર થતાં હતાં. જો કે આ ઘટના દરમિયાન પરિવાર અચાનક જાગી જતા પરિવારના સભ્યોએ એક ચોરને પકડી પાડ્યો હતો. અન્ય ચોરો ફરાર થઇ ગયા હતા.

પરિવાર તેમજ ગ્રામજનોએ મળીને આ ચોરને પકડીને દોરડા વડે ઝાડ સાથે બાંધી દીધો હતો. અને તેની પૂછપરછ કરી હતી. જેમાં ગ્રામજનો આ ચોરને પૂછી રહ્યા છે કે તું પોલીસને કેટલો હપ્તો આપે છે? કેટલા પૈસા પોલીસને ચુકવે છે. ત્યારે આ ચોર કબુલાત કરતા જણાવ્યું હતું કે 5થી 10 હજાર રૂપિયા આપું છું. આ ત્યાર બાદ ફરી ગ્રામજનોએ સવાલ કર્યો હતો કે આ પૈસા કરી પોલીસને આપે છે, વિસનગર પોલીસને કે પછી સીટી પોલીસને? આ પ્રશ્નના જવાબ આપતા ચોરે ચોખવટ કરી તે પૈસા સીટી પોલીસને ચુકવે છે. ચોર અને પોલીસની મિલીભગતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.