Odisha Balasore Train accident: ઓડિશા (Odisha Train accident) ના બાલાસોર (Balasore Train accident) માં ટ્રેન દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મોત થયા છે. કેટલાક નોકરીની શોધમાં ઘર છોડીને નીકળ્યા હતા, જ્યારે કેટલાક તેમના પરિવારને મળવા પરત ફરી રહ્યા હતા. આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાં બિનોદ દાસનું નામ પણ સામેલ છે. બિનોદ આ અકસ્માતનો ભાગ નહોતો. પરંતુ આ અકસ્માતમાં તેણે પોતાનો આખો પરિવાર ગુમાવ્યો હતો.
48 વર્ષીય બિનોદ બાલાસોરમાં રહે છે. તેમની પત્ની ઝર્ના દાસ (42 વર્ષ), પુત્રી વિષ્ણુપ્રિયા દાસ (24 વર્ષ) અને પુત્ર સંદીપ દાસ (21 વર્ષ) ત્રણેય આ અકસ્માતનો ભોગ બન્યા હતા. બિનોદનો પરિવાર ડૉક્ટર દ્વારા ચેકઅપ કરાવવા કટક જઈ રહ્યો હતો, પરંતુ ત્યાં પહોંચી શક્યા ન હતા. ટ્રેન અકસ્માતમાં આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. અકસ્માત બાદ બિનોદને રેલવે તરફથી 50,000 રૂપિયા રોકડા અને 9,50,000 રૂપિયાનો ચેક મળ્યો છે. બિનોદએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે,
“મારી પત્ની, મારો પુત્ર અને પુત્રી મૃત્યુ પામ્યા છે. તેઓ ડૉક્ટર પાસે ચેકઅપ માટે બાલાસોરથી કટક જઈ રહ્યા હતા. આ અકસ્માતના સમાચાર મને મારા જમાઈ પાસેથી મળ્યા હતા. ટ્રેન અકસ્માત થયા બાદ અમે બાલાસોર, સોરો, ભદ્રક અને ગોપાલપુરમાં દરેક જગ્યાએ મૃતદેહોની શોધ કરી, ગઈકાલે બપોરે 12 વાગ્યાની આસપાસ અમને મારી પત્નીનો મૃતદેહ શાળામાંથી મળ્યો હતો. બિનોદએ વધુમાં કહ્યું કે, હું આ પૈસાનું શું કરીશ? મારો પરિવાર હવે નથી રહ્યો. તેઓ મારી પાસે પાછા નહીં આવે, હું આખી દુનિયાને મારો ચહેરો દેખાડી શકીશ નહીં.
રેલવે મંત્રીએ કહ્યું…
તમને જણાવી દઈએ કે, ઓડિશા ટ્રેન દુર્ઘટના પર રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે આ અકસ્માત ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગને કારણે થયો હતો. હાલ તેની તપાસ ચાલી રહી છે, અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અકસ્માતનું કારણ અને તેના માટે જવાબદાર લોકોની ઓળખ કરી લેવામાં આવી છે.
રેલ્વે મંત્રીએ વધુમાં જણાવ્યું કે જે જગ્યાએ અકસ્માત થયો હતો ત્યાં ચાર રેલ્વે લાઈન છે. ત્યાં બે મુખ્ય લાઇનો અને બે લૂપ લાઇનો છે. મુખ્ય લાઇન સાફ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. લૂપ લાઇનનું કામ હજુ ચાલુ છે, ટૂંક સમયમાં સમગ્ર મુખ્ય માર્ગને કાર્યરત કરી દેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.