સૌરાષ્ટ્રની લોકસભાની બેઠકો પર નિરંતર ચાલતા મતદાન વચ્ચે મોટા ડખાની છૂટીછવાઈ ઘટનાઓ પણ સામે આવી છે. જૂનાગઢ શહેરના બિલખા રોડ પર કેટલાક ગુંડા રોડ પર ઉતરી આવ્યા હતા. આ ગુંડાઓ મતદાન કરવા જતા લોકોને ગાળો ભાંડી, પાઇપ-લાકડી લઈને પાછળ દોડતા હતા. આ સમયે અહીં કોઈ સુરક્ષા જવાનો જોવા મળ્યા ન હોતા.
જૂનાગઢ બિલખા રોડ પર કેટલાક લોકો ગુંડાગીરી કરતા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાઇરલ થયો છે. સફેદ શર્ટ, બ્લુ જીન્સ અને દાઢી ધરાવતો શખ્સ ગાળો બોલતો લોકોને મતદાન કરતા જતા રોકતો હતો. આ શખ્સ ઉપરાંત તેમના મળતિયા મતદાન કરવા જતા લોકો પાછળ લાકડી તથા પાઈપ લઇને દોડીને ડરાવીને પાછા ધકેલતા હતા. આમ ભયમુક્ત ચૂંટણીનો નારો અહીં નાકામ બન્યો હતો.
બીજી તરફ જામનગર લોકસભા બેઠકમાં આવતા લાલપુર તાલુકાના ભણગોર ગામમાં મતદારોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. પાક વીમા મુદ્દે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. લોકોએ મતદાનનો બહિષ્કાર તો કર્યો જ છે, સાથે-સાથે શા માટે આવું કર્યું છે તેનો વીડિયો પણ વારઇલ કર્યો છે. આ વીડિયોમાં લોકો પાક વીમા મુદ્દે અપશબ્દો બોલી ભારે રોષ ઠાલવી રહ્યા છે.