રાજકારણમાં ઘણીવાર કોઈ પાર્ટી ને બદલે કોઈ એવા નેતાઓનો દબદબો હોય છે, જેને કોઈ પાર્ટીના લેબલ ની જરૂર હોતી નથી. અમુક એવા મસીહા નેતા હોય છે કે જેમને કોઈપણ પાર્ટી ટિકિટ આપે કે ન આપે એમને જનતા વોટ આપીને જીતાડી દેતી હોય છે. એવા જ એક કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા ની ભાજપમાંથી ટીકીટ કપાવાની પૂરી શક્યતાઓ હતી અને તેમના સ્થાને તેમના પત્ની ચેતનાબેન રાદડિયા કે પુત્ર લલિત રાદડિયા- જયેશ રાદડિયા ને ટિકિટ આપવામાં આવશે તેવી ધારણા હતી. પરંતુ ભાજપ દ્વારા પોરબંદર બેઠક પર તેમના પત્તા કપાતા સૌરાષ્ટ્રભરમાં ભાજપ વિરુદ્ધ રોષભભૂકી ઉઠયો છે. સૌરાષ્ટ્રમાં “ઠેર-ઠેર ટૂંકું ને ટચ ટિકિટ નહીં તો ભાજપ નહીં” તેવા સૂત્રો સાથે વિઠ્ઠલ રાદડિયાની તસવીરોવાળા બેનરો લાગ્યા છે.
વિઠ્ઠલભાઈ એક એવા નેતા છે જેમને કોઈ ની પાર્ટી ની ટિકિટ ની જરૂર નથી તેઓ જ્યાં ઊભા રહે છે ત્યાં જીતે તેવી છાપ ધરાવે છે. વિઠ્ઠલભાઈ પોતે માત્ર પાટીદારોના નહીં પરંતુ સૌરાષ્ટ્રના ખેડૂતોના કદાવર નેતા છે. અડધી રાત્રે ખેડૂતો માટે ગાંધીનગર જઇને પાણી છોડાવવા માટે અધિકારીઓને જગાડ્યા છે, તેવા કિસ્સાઓ પણ ચર્ચાઈ રહ્યાં છે. ખેડૂતો માટે ગમે તેની સાથે બાથ ભીડી લેવા તત્પર રહેતા રાદડિયા પરીવાર પરિવારનું માન એટલું ઊંચું છે કે, સૌરાષ્ટ્રના ખેડૂતોએ ગામડે-ગામડે પોસ્ટર લગાવી દીધા છે અને ભાજપને રીતસરની ચીમકી આપી દીધી છે.
ભાજપે પોરબંદર લોકસભા બેઠકમાં રાદડિયાની બાદબાકી કરતા તેની અસર આજુબાજુના લોકસભા વિસ્તારમાં પણ પડશે. વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં હતા ત્યારે પણ જનતાના કામ માટે પક્ષની વિરુદ્ધ જવાની ચૂક કરી નથી, ત્યારે જનતા વિઠ્ઠલભાઈ માટે પક્ષની વિરુદ્ધમાં જેવા કોઈ ચૂક રાખશે નહીં, તેવા બેનર લાગતા ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે. ભાજપ માટે ચિંતાનો વિષય એટલા માટે છે કે વિઠ્ઠલભાઇ રાદડિયા અને તેમના પરિવારની અમીટ છાપ પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, જામનગર, સુરત, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પડેલી છે. જેથી આ તમામ જગ્યાએ ભાજપને વોટ બેંક ગાબડા પડી શકે તો નવાઈ નહીં।
આવી પરિસ્થિતિનો સામનો ભાજપ કેવી રીતે કરે છે અને કોંગ્રેસને આ પરિસ્થિતિનો રાજનૈતિક લાભ કેવી રીતે ઉઠાવતા આવડે છે તે આવનારો સમય જ બતાવશે.