રાજકોટમાં આજ રોજ સવારના સમયે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદથી મનપાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઇ હતી. વરસાદના કારણે આજીડેમ ચોકડી પર આવેલા ઓવરબ્રિજની દીવાલ ધરાશાયી થતા બે યુવાનો દીવાલની નીચે દટાઈ ગયા હતા અને બંને યુવાનોના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતા જ આજુબાજુમાંથી લોકો એકઠા થઇ ગયા હતા અને JCB વડે કાટમાળ ખસેડી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત બે વાહનો પણ દટાતા બંને વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઇ બંને યુવાનોના મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ઓવરબ્રિજની નબળી કામગીરીને કારણે બે યુવાનોનો ભોગ લેવાયો છે. આ ઘટના CCTVમાં કેદ થઇ છે. CCTVમાં બે નિર્દોષ રાહદારીની જિંદગી માત્ર થોડી જ પળોમાં છિનવાતી નજરે ચડી આવે છે. આને માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો લોકોમાં ઉઠ્યા છે. હાઇવે ઓથોરિટીમાં પુલ બનાવવામાં કૌભાંડ આચરાયું હોવાની ગંધ આવી રહી છે તેવું લોકો કહી રહ્યા છે. થોડા વરસાદમાં ભેજમાં દીવાલ પડી હોય તેવી શક્યતા છે. આ પુલ પરથી અને નીચેથી રોજના હજારો લોકો પસાર થાય છે. નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે આવી છે.
આ ઘટના નજરે જોનાર આજીડેમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ હરદેવસિંહ ભગતસિંહ રાણાએ જણાવાતતા કહ્યું હતું કે, દૂરથી એક્ટિવાચાલક અને અન્ય વાહન આવતું હતું. અચાનક થોડીક જ ક્ષણમાં અમુક ભાગમાં જ દીવાલની માટી ધરાશાયી થતા એક્ટિવાચાલક અને અન્ય એક યુવાન ત્યાંથી નીકળતા તેની નીચે દબાઈ ગયા હતા. હું ત્યાં ફરજ પર હતો અને દોડ્યો પરંતુ મોટા પથ્થર અને માટી એટલી હતી કે વાહનો અને દટાયેલા વ્યક્તિ દેખાયા નહીં. આથી મેં તાકીદે ફાયર વિભાગને જાણ કરી હતી. સ્કૂટરના પણ ભુક્કા બોલી ગયા છે. વાહનોના તમામ સ્પેરપાર્ટ પણ છૂટા પડી ગયા અને બે વ્યક્તિ દટાયેલા માટીમાં જોયા.
ફાયર ઓફિસરે જણાવતા કહ્યું હતું કે, બે લોકોના મોત થયા છે અને બે વાહનો દટાયા છે. જેને JCBની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે. વધુ કોઈ દટાયું છે કે નહીં તેની તપાસ ચાલુ છે. બે યુવાનો છે કે અજાણ્યા યુવાન છે તેની ઓળખ મેળવવામાં આવી રહી છે. હાલ બંનેના મૃતદેહ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. દીવાલ શું કામ પડી તે અંગે એન્જિનિયર તપાસ કરી શકે. આ પુલ હાઇવે ઓથોરિટીમાં આવે છે.
રાજકોટ કોર્પોરેશન હાથ ઊંચા કરીને કહ્યું કે, નેશનલ ઓથોરિટીને અગાઉ પ્રિમોન્સૂન કામગીરી અને સર્વિસ રોડની આજુબાજુ ભરાતા પાણીનો નિકાલ કરવા અંગે જાણ કરી હતી. આ દિવાલ મુદ્દે તો નેશનલ હાઈવેના લોકોની જવાબદારી આવે છે. નિર્દોષ રાહદારીઓના મોતની જવાબદારી કોની તેવા સવાલો લોકોમાં ઉઠ્યા છે. હાલ પુલ બંધ કરી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news