હિમાલયના પહાડો સર કરવા છે? તો વાંચો ધવલ પટેલની કલમે ઉત્તરાખંડના કુમાઉ પ્રવાસન સ્વાનુભવો: ભાગ 3

નામ: ધવલ પટેલ
કુમાઉ યાત્રા ભાગ- 3: આજે આપણે ભાગ 3 માં આગળ શું બન્યું તે જોઈશું. પહેલાં અને બીજા ભાગમાં આપણે જોયું કે સફર ની શરૂઆત કેવી રહી હતી. તો ચાલો આગળ જાણીએ આ સફર વિષે. અમારું રાત્રી રોકાણ KMVN ના ટુરિસ્ટ રેસ્ટ હાઉસમાં આવેલ ડોરમેટ્રીમાં હતું. સવારના વહેલા લગભગ 6 વાગ્યા આજુ બાજુ મારી નીંદર ઉડી ગઈ. મારા અનુભવ મુજબ વાતાવરણ અને નીંદરને સીધો સંબંધ છે. જેટલું વાતાવરણ શુધ્ધ અને સુક્કું એટલી જ તમારી સવારની નિંદર વહેલી ઉડી જાય અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આમતો મારે રહેવાનું દરિયા કિનારે જ્યાં વાતાવરણમાં ખુબ જ ભેજ હોય જેથી ખુબ જ આળસ થાય અને એલાર્મ વગરતો મારી નિંદર ઉડે જ નહીં. એનાથી ઊલટું જ્યારે વતનમાં મહેસાણા જાવ ત્યારે કાઈ કામ હોય કે ના હોય સવારે સાત વાગ્યા આજુ બાજુ તો નિંદર ખુલી જ જાય. બસ આવી જ રીતે આગલા દિવસનો મુસાફરીનો થાક હોવા છતાં સવારમાં વહેલાં જ મારી નિંદર ખુલી ગઈ, કારણ કે જંગલ અને પહાડોના વાતાવરણની થોડી અસર હતી. હિમાલય રાજ તરફ શરૂ થતી જેને મેં છેલ્લા એક વર્ષથી મારી કલ્પનાઓ માં વિચારી હતી એવી મુસાફરીનો ઉત્સાહ હતો

અને અંદરથી એવું ક્યારનું લાગતું હતું કે હિમાલયના એ શિખરો અને પર્વતોથી સભર પ્રકૃતિ મને બોલાવે છે. મનતો ક્યારનું ઉતાવળું હતું ત્યાં સદેહે જવા માટે અને અચાનક જ પ્રોગ્રામ પણ બની ગયો. બોસ દ્વારા રજાઓ પર મંજૂરીની મહોર પણ લાગી ગઈ અને બંદા નીકળી પડ્યા થેલો લઇ… અને આજે હું પહોંચ્યો હતો રામનગર. ડોરમેટ્રીમાં મારા અને મિત્ર સિવાય બીજા બે વ્યક્તિ પણ હતા તો વહેલા એ પહેલાના ધોરણે હું ફ્રેશ થવામાં લાગી ગયો. મારા પછી મારા મિત્ર પણ ફ્રેશ થવામાં લાગી ગયા. અમે ફ્રેશ થઈ સમાન લોકમાં મુકીને નીચે રિસેપ્સનમાં આવ્યા. ત્યાં નિયમ મુજબ સવારના નાસ્તાનો ઓર્ડર આપીને બહાર રોડ ઉપર આવ્યા. સમય લગભગ સવારના આઠ વાગ્યાનો હશે. રોડ ક્રોસ કરીને સામેની બાજુ ગયા. નીચે તરફ જે રસ્તો જાય એ કાશીપુર થઈ દિલ્હી બાજુ જાય અને ઉપરનો રસ્તો છે તેમાં આગળ જઈને બે રસ્તા પડે એક મુખ્ય રસ્તો પહાડી વિસ્તારમાં જાય જે રસ્તે બિકીયાસેન થઈને રાનીખેત તરફ જવાય.

અને બીજો રસ્તો રામનગર ટાઉનનો છે એ તરફ કદાચ કોઈ શાળા કે કોલેજ આવેલી છે. અમારે ઉપરની બાજુના રસ્તે ગર્જીયા તરફ જવાનું હતું. જ્યાં ખુબજ પ્રાચીન અને પ્રસિદ્ધ ગર્જીયા માતાનું મંદિર આવેલું છે. અમેં મંદિર જવા માટે વાહનની રાહ જોઈ ઉભા રહ્યા હતાં, એટલામાં એક ટાટા એસ (છોટા હાથી) માંથી પસેન્જર વિહિકલ બનાવેલું હોય એવો ટેમ્પો આવ્યો. અમે જ્યાં જવાનું હતું એનું નામ બતાવીને બેસી ગયા. અમારા સિવાય બીજું કોઈ પેસેન્જર રીક્ષા ચાલકને મળ્યું ન હતું. તેથી એને થોડી આગળ જાવા દઈને યુ-ટર્ન મારી ટેમ્પો પાછો મુખ્ય માર્કેટ તરફ લીધો. કદાચ એનો એક રાઉન્ડ લગાવી વધુ પેસેન્જર લેવાનો ઈરાદો હતો અને અમને કાઈ વાંધો ન હતો થોડું મોડું થાય એમાં. એ બહાને મને ત્યાંના માર્કેટનો સવારનો માહોલ જોવા મળી ગયો. કેટલાક બાળકો શાળા એ જતા હતા. કોઈ વાહનની રાહ જોઈ રોડ ઉપર ઉભા હતા. મુખ્ય રોડ પરની અમુક દુકાનો બંધ હતી તો અમુક લોકો પોતાની દુકાન ખોલી રહ્યા હતા. હાથલારી માંથી નાનકડું રેસ્ટોરન્ટ ઉભું કર્યું હોય એવા ઘણા હતા.

એ લોકો વહેલી સાવરમાં કોઈને ચા તો કોઈને નાસ્તો આપી રહ્યા હતા. ટૂંકમાં શાંત વાતાવરણમાં સારી એવી ચહલ પહલ વધી રહી હતી. પહાડોની તળેટીમાં વસેલ શહેર હવે ધીમે ધીમે જાગીને પ્રવૃતમાંન થઈ રહ્યું હતું. ટેમ્પા વાળાએ પાછો યુ-ટર્ન લઈને માતાના મંદિર તરફ ટેમ્પો આગળ વધાર્યો. રામનગર TRC થી મંદિર લગભગ 10 Km જેટલુ દૂર આવેલ છે. ત્યાં અમને ટેમ્પોમાં જતા 30 મિનિટ જેવો સમય લાગ્યો. મંદિર મુખ્ય સડકથી લગભગ અડધો કિલોમીટર અંદર આવેલું છે. મુખ્ય મંદિરના પ્રતીક રૂપે એક મંદિર મુખ્ય રોડ પર બનાવામાં આવ્યું છે. જેથી કરીને મુખ્ય રોડ પરથી આવતા જતા મુસાફરો માતારાનીના આર્શીવાદ લેતા જાય. હવે અમે મંદિરના પાર્કિંગના પહોંચી ગયા હતા. મંદિર પહેલા પ્રસાદ અને માતાજીને ચઢાવાની વસ્તુની થોડીક દુકાનો હતી. હજુ એ લોકો પણ ધીમે ધીમે પોતાનો ધંધો શરૂ કરી રહ્યા હતા.

હજુ યાત્રિકો આવવાની શરૂઆત થઇ ન હતી. અમે ચાલતા ચાલતા મંદિરના ભવ્ય પ્રવેશદ્વારની અંદર પ્રવેશ્યા. પટાંગણનો વિસ્તાર ઘણો મોટો હતો. ત્યાં બે સાધુ ઝાડ નીચે ધુણા પાસે બેઠા હતા. માઇક દ્વારા યાત્રીઓને કંઈક સૂચના અપાઈ રહી હતી. પટાંગણનો વિસ્તાર પૂરો થાય ત્યાં નીચે જ કોશી નદી ખળખળ વહી રહી હતી અને તમેં સામે જુઓ તો ગર્જીયા માતાજીનું સુંદર મંદિર આવેલું છે. મંદિર જવા માટે મુખ્ય પટાંગણથી નદી ઉપર પુલ બનાવેલો છે જેના પર થઈ માતાજીના મંદિર સુધી જવાય છે. જ્યાં પુલ પૂરો થાય ત્યાં થોડું નીચે ઉતરીને ત્યાંથી ઉપર માતાજીના મંદિર પર જવાના પગથિયાં શરૂ થાય છે. માતાજીનું મંદિર નદીની વચ્ચે 100 ફૂટ ઊંચી ટેકરી ઉપર આવેલું છે. આ સુંદર અને પવિત્ર એવું મંદિર કુદરતના અમૂલ્ય ખજાનાની વચ્ચે ઘેરાયેલું છે. મંદિરની ફરતે કોશી નદીનું જળ ખળખળ વહી રહ્યુ છે.

અને નદીની બંને બાજુ સુંદર પર્વતો આવેલા છે. પુલ ઉપરથી નદીનો અને મંદિરનો નજારો ખુબજ પ્રિય લાગે છે. નદીનો વિશાળ પટ, એકદમ ચોખ્ખુ અને પારદર્શક નદીનું જળ અને એમાં વનરાજીથી ઘેરાયેલ પર્વતનો પડતો પડછાયો આંખોને શ્રાતા આપે છે. લાઉદસ્પીકરમાં અપાતી સૂચના અને ઓલા બેસેલા સાધુ પાસેથી મળેલ જાણકારી મુજબ પુલથી નીચે ઉતરીને મંદિર તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવેલો હતો. છેલ્લે આવેલ વરસાદના કારણે નદીમાં આવેલ પાણી લીધે કદાચ પગથિયાને નુકશાન થયું હશે જેનું કામ લેવામાં આવ્યું હતું અને કદાચ આ કામ 20 દિવસથી મહિના સુધી ચાલવાનું હતું. આ ખુબજ સારી બાબત હતી કે જે કાંઈ નાની મોટી ક્ષતિ થઈ હતી એને રીપેર કરવાની કામગીરી મંદિર પ્રશાસન દ્રારા હાથ ધરવામાં આવી હતી. જે યાત્રિકોની સુરક્ષા અને સરળતા માટેની કામગીરી હતી. મંદિર પ્રશાસનની આ મુખ્ય ફરજ હોય છે કે મંદિરની જે કાંઈ આવક આવે છે એનો અમુક હિસ્સો યાત્રિકોની સગવડતા માટે અને સુખાકારી માટે વપરાય.

જેથી કરીને વધુ યાત્રિકો દર્શનનો વિના મુશ્કેલી સરળતાથી લાભ લઇ શકે. બાકી ઘણા એવા ટ્રસ્ટ હોય છે જેને ભંડોળ સંગ્રહ કરવામાં વધુ રસ હોય છે. પણ તેઓએ એક વાત યાદ રાખવી રહી કે આ ભંડોળ જેના થકી આવે છે એ યાત્રિકો ને સાચવવા પણ એટલા જરૂરી છે અને સાથે સાથે દેવ સ્થાનની પ્રાચીનતા અને સાસત્ય જળવાઈ રહી એવી રીતે વિકાસ પણ કરવો જેથી એની પ્રસિદ્ધિ ખુબ જ વધે. મંદિર જવાનો રસ્તો બંધ હોવો એ ખરેખર અમારા માટે ખુબ જ દુર્ભાગ્યની વાત હતી. કારણ કે આટલે દૂરથી આવ્યા બાદ પણ પ્રત્યક્ષ માતારાનીના દર્શનનો લ્હાવો મળવાનો ના હતો. પરંતુ પ્રસાશનના સારા કાર્યમાં સાથ આપવાની એક જવાબદાર નાગરિકની ફરજ છે જેથી દૂરથી માતાજીના મંદિર અને લહેરાતી ધજાના મનોમન દર્શન કરી પ્રણામ કર્યા અને માતાજીને વિનંતી કરી કે ફરીથી જલ્દી અહીં પધારીને માતાજીના પ્રત્યક્ષ દર્શનો લહાવો મળે. ત્યાં મળેલ માહિતી અને લોકગાથા મુજબ આ મંદિર ખુબજ પ્રાચીન છે. મંદિરમાં માં ગર્જીયા એટલે કે ગિરિરાજ હિમાલયની પુત્રી ગિરજાદેવી માં પાર્વતી બિરાજે છે અને સાથે શિવ ભગવાન, કાલ ભૈરવ દેવતા અને માં કાલરાત્રી પણ વિરાજે છે. આ પાર્વતીમાં ના મુખ્ય મંદિરો માનું એક મંદિર છે.

ગિરજા માતાનું કદાચ અપભ્રન્સ થઈ ગર્જીયા માતા એવું નામ પડ્યું હશે. લોકવાયકા અનુસાર પહેલા અહીં મંદિરની આજુ બાજુ વાઘ ફરતા અને એ ગર્જના કરતા એથી પણ આ મંદિરને ગર્જીયા માતા કહે છે. લોકવાયકા મુજબ માતાજીના મંદિર સાથે ટેકરી નદીના પાણીમાં ઉપરવાસથી તરતી તરતી આવતી હતી અને આ સ્થળ પર પહોંચ્યા બાદ કાળ ભૈરવ દેવતાની અરજને લઈને મંદિર અહીં અટકી ગયું. જોવાની ખૂબી ગણો કે કુદરતનો કરિશ્મા ગણો કે પછી આ દૈવી શક્તિની મહેરવાની ગણો કે જ્યારથી આ મંદિર અહીં છે ત્યારથી એમનેમ ટેકરી ઉપર અણનમ ઉભું છે. નદીમાં આવતું પાણી કે પુરથી પણ મંદિરને કાઈ નુકસાન થયું નથી. કદાચ આ બધી ગિરજા દેવીની કૃપા હશે. પુલ ઉપર ઉભા ઉભા કોશી નદીનો વ્યુ ખુબજ સુંદર આવે છે. હવે જ્યાંથી પુલ શરૂ થાય છે, એની જમણી બાજુ પગથિયાં જેવું છે જેના થકી નીચે નદીના પટ સુધી જઇ શકાય છે. અમે પણ તે પગથિયાં દ્વારા કોશી નદીના વિશાળ પટમાં પહોંચી ગયા. ત્યાંનો દેખાવ ખુબજ સુંદર અને માનભાવક હતો. નદીની બેય બાજુ વિશાળ પર્વત એના પ્રતિબિંબ થકી નદીનું પાણી લીલા કલરનું ભાસતું હતું અને એજ નદીનું નીર એક દમ શાંત અને ખળ ખળ વહેતુ હતું. શિયાળાનો સમય હોવાથી પાણીનું વહેણ સાવ ઓછું હતું. બાકીનો વિશાળ પટ ખાલી અને રેતી કાકરાનાં મેદાન જેવો લાગતો હતો. ત્યાં પૂજા વિધિ કે એવું કાંઈક ચાલતું હતું. એના માટે પંડિત લોકો પણ ત્યાં હતા. કોઈક નદીના પવિત્ર જળમાં ડૂબકી લગાવીને પાવન થઈ રહ્યું હતું. આવી ઠંડીમાં નદીના ઠંડા પાણીમાં ડૂબકી લગાવવી એ દેખાય એટલું સહજ કાર્ય તો નથી પણ એટલુ મુશ્કિલ પણ નથી બસ મનમાં ભક્તિભાવ અને શ્રદ્ધા હોય તો હર હર મહાદેવ બોલીને ડુબકી લગાવો એટલે થઈ જાય.

હમણાં જ તમે જોયું હશે કાશી-વિશ્વનાથ કોરિડોરના લોકપર્ણ વખતે પૂજા પહેલા આપના પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી એ માં ગંગાના પવિત્ર એવા જળમાં ડુબકી લગાવીને માં ગંગાના પવિત્ર સ્નાનનો લ્હાવો લીધો હતો. હિંદુ ધર્મમાં નદીમાં સ્નાન એ ખુબજ પવિત્ર રહ્યું છે. અમેં નદીના વિશાળ પટના સૌંદર્યને માણ્યું અને ત્યાં થોડેક આગળ સુધી ફર્યા. હવે આમારે 11 વાગ્યાની બસ પકડવાની હોવાથી સમયસર પાછા ફરવું પણ જરૂરી હતું. અમે ત્યાંથી ચાલતા ચાલતા મુખ્ય રોડ સુધી આવી ગયા જેથી કરીને કોઈ વાહન સહેલાઇથી મળી જાય. 20 મિનિટ જેવી રાહ જોયા પછી અમને એક રીક્ષા મળી એમાં બેસીને અમે ગેસ્ટ હાઉસ તરફ જવા નીકળ્યા. રિક્ષાનું અમારે આવવા જવાનું એક વ્યક્તિનું ભાડું 60 રૂપિયા થયું. અમે ગેસ્ટ હાઉસ પહોંચ્યા તો અમારો નાસ્તો તૈયાર હતો એટલે નાસ્તો કરી લીધો. નાસ્તામાં આલુ પરોઠા હતા જે ખુબજ સ્વાદિષ્ટ હતા. નાસ્તો કરી ઉપર ડોરમેટ્રીમાં પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી ખબર પડી કે મેં અને મારા મિત્રએ સ્નાન બાદ બેયના ટુવાલ બહાર બેડ પર સૂકવવા મુકેલા જેમાંથી મારા મિત્રનો ટુવાલ કોઈ ચોરી ગયું હતું.

આ પેલા મેં કહ્યું એમ પ્રવાસમાં સામાન સાચવવો ખુબજ જરૂરી છે. અમે આ વાતનું ધ્યાન પહેલાથી જ રાખેલું. ટોવેલ એટલો કિંમતી ન હતો જેથી ચિંતાની કોઈ વાત ન હતી. હવે અમે ચેક આઉટ કરી મારા મિત્રના ગામ તરફ જવાની બસના સ્ટેશન તરફ ઉપડ્યા, જે બહુ દૂર ના હતું TRC થી નીચે જતા 300 મિટર દૂર સામે તરફ બધી પ્રાઇવેટ બસો ઉભી રહેતી હતી અને ત્યાંથી આગળ થોડા નીચે જઈએ તો બસ અડ્ડો એટલેકે ડેપો આવેલો હતો. મિત્રના ઘરે જવા માટેની ઉત્તરાખંડ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ બપોરના 3 વાગ્યા પછીની હતી જેમાં હજુ સમય લાગે એમ હતો એટલે અમે પ્રાઇવેટ બસમાં જવાનું નક્કી કરેલું. અમેં જ્યારે બસ પાસે પહોંચ્યા ત્યારે અમે મોડા પડેલા હોવાથી આખી બસ ફૂલ થઈ ગઈ હતી એટલે બેસવાની સીટ મળવાની કોઈ શકયતા ન હતી. બસ પણ નાનકડી 30 સીટરની હોય એવી હતી. અમે ટિકિટ ખરીધી અને ઉભા રહેવા માટેની જગ્યા શોધવા લાગ્યા. બસમાં દરવાજાની સામે બસનું સ્પેર વ્હીલ પડેલું હતું મને ત્યાં બેસવાની મારી સીટ દેખાઈ, કારણ કે ત્યાં બેસવું પણ ફાવે એમ હતું અને નીચે બસના દરવાજાનો ભાગ થોડો નીચો હોય જેથી પગ પણ ગોઠવાઈ જેમ હતા.

અગવડતામાં સગવડતા આનું નામ. આપડે મનુષ્ય એવું પ્રાણી છીયે કે ગમે ત્યાં પોતાને ગોઠવીજ લઈએ અને આ આવડત ખુબ જ જરૂરી છે. કારણ કે જો આવડે નહિ તો હેરાન થઈ એ અથવા જ્યાં હોય ત્યાં અટકી જઈએ આપનો આગળ કોઈ વિકાસ ના થાય. થોડી વાર પછી અમારી બસ ઉપડી. બસમાં બધી સીટમાં મુસાફર હતા, ઉપરાંત ડ્રાયવરની બાજુમાં અને પાછળના ભાગે સીટ જેવી વ્યવસ્થા હતી એમાં પણ 8-10 પેસેન્જર સમાવેલા હતા. અને ઉપરાંત જે ગેલરી વિસ્તાર હતો એમાં પણ 10 જણ ઉભા હશે. ટૂંકમાં બસમાં ઓછામાં 50 જેવા મુસાફર હશે. લગભગ બધા મુસાફર મને પહાડી અને ત્યાંના લોકલ લાગ્યા કદાચ મારા જેવા એકાદ – બે હશે.

રસ્તામાં આગળ જતાં ઉપર વાત કરી એ મુજબ ગર્જીયા માતાનું મંદિર આવ્યું, જે મુખ્ય મંદિરના પ્રતીક રૂપે મુખ્ય રોડ ઉપર આવેલ છે. જ્યાં બસ ઉભી રહી અને પ્રણાલિકા અને શ્રદ્ધા મુજબ માતાજીના મંદિરમાં થી એક થાળી આવી એમાં સૌએ ભેટ મુકી અને માતાજીની પ્રસાદી રૂપે કોઈ વૃક્ષના પર્ણ હતા એ લીધા. પ્રાપ્ત જાણકરી મુજબ અહીં થી આવતી અને જતી દરેક પહાડી બસ અહીં ઉભી રહે છે અને માતાજીના દર્શન કરીને જ આગળ વધે છે સૌની શ્રદ્ધા મુજબ માતાજી બધાની રક્ષા કરે છે. કહેવાય છે ને શ્રદ્ધા હોય તો બધું પાર ઉતરે છે. અહીંના લોકોની શ્રદ્ધા, દૈવી શક્તિ તરફ પૂજ્ય ભાવના હોવાને કારણે જ ઉત્તરાખંડ કદાચ દેવભૂમિ તરીકે ઓળખાય છે. કારણકે ઈશ્વર હંમેશા પોતાના ભક્તો હોય ત્યાંજ વિરાજે છે. હવે અમારી બસે માતાના આર્શીવાદ લઈ આગળની મુસાફરી શરૂ કરી. હવે આગળનો રસ્તો પહાડી રસ્તો હતો ઉપરાંત સીધો ચડાણ અને સાથે વળાંકો તો ખરાજ. પહાડ વિશે એક ત્યાં કહેવત પ્રચલિત છે…

“जितने जटिल ये पहाड़ और यंहा के रास्ते, उतने ही सरल हम पहाड़ी ।“

અને ખરેખર આ વાત સાચી છે હું લગભગ અત્યારસુધીમાં ચાર વખત પહાડોમાં જઈ આવ્યો પરંતુ કોઈ ખરાબ અનુભવ નથી થયો. અમારા રસ્તામાં ચડાણ અને તીવ્ર વળાંક સતત આવતા હતા જેથી બસ ખુબજ ધીમે ચાલતી હતી, કદાચ બસની ગતિ 20-30 કિમી/કલાક માંડ હશે. રામનગર થી મનીલા વિસ્તાર આમતો 80-85 કિમી દૂર હશે પરંતુ પહાડી રસ્તાને કારણે મુસાફરીમાં મેદાની વિસ્તારની સરખામણીમાં સમય વધુ લાગે. લગભગ દોઢ કલાકની મુસાફરી બાદ લન્ચ માટે મરચુલા નામના સ્થળે અડધો કલાકનો બ્રેક લેવામાં આવ્યો. ત્યાં જમવામાં છોલે-ભાત, ઘહતની દાળ, આલુ ગુટખા અને રોટી એવું બધું હતું. મને ભુખ ના હોવાથી મેં કંઈ લીધું નઈ. જેવો બ્રેકનો સમય પુરો થવા આયો એટલે બસનો હોર્ન વાગ્યો અને કહેવા લાગ્યો ચાલો ભાઈ ચાલો…હજુ સફર બાકી છે. બસનું કામકાજ લોકલ બસ જેવું જ હતું. રસ્તામાં જેટલા પેસેન્જર આવે એને લેતા જવાના અને ઉતારતા જવાના. એ જોતાં એમ લાગતું કે બસ કમ ઓટો હતી. લાંબી મુસાફરી વાળા મુસાફર તો બધા રામનગરની બેસી ગયેલા બાકી રસ્તામાં જે લોકો ચડતા એ બધા એક ગામથી બીજે ગામ જવા વાળા મુખ્ય હતા. એમાં શાળાએ જતા વિધાર્થી હોય, મેડમ હોય અને અન્ય પણ ખરા. સૌ ટૂંક સમય માટે બસમાં ચડે અને ઉભા ઉભા મુસાફરી કરે અને મંજિલ આવે ત્યારે ઉતરી જાય. મુસાફરી અને જિંદગી બંને સરખા છે. જેની જ્યાં મંજિલ આવે ત્યાંથી દુર થતા જઈએ.

બાળપણથી પ્રાથમિક શાળા, પછી માધ્યમિક પછી કોલેજ એવી રીતે મુકામ બદલાતા રહે સાથે સાથી પણ બદલતા રહે. બીજા દોઢ કલાકની સફર બાદ બસનો ડોટિયાલ ગામ પાસે બ્રેક લેવામાં આવ્યો. કદાચ આ ટી બ્રેક હતો. બસનો સ્ટોપ માર્કેટ એરિયામાં જ હતો. ત્યાં સામે એક ચા ની દુકાને અમે ચા પીધી. પહાડોના ઠંડા વાતાવરણમાં ચા પીવાની મજા જ કંઈક ઔર છે. આમતો આ બસનો સ્ટોપ અમારા માટે લાભદાયી ન હતો કારણકે ત્યાંથી અમારું સ્ટોપ ફક્ત આઠ કિલોમીટર દૂર હતું. જેટલો બ્રેક હતો એના પહેલા તો કદાચ અમે અમારી મંજિલે પહોંચી જાત. પણ 30 મિનિટ આમ કે આમ. પાછો હોર્ન વાગ્યો અને બસ ઉપડી. અમે લગભગ ચાર વાગ્યા આજુ બાજુ મુખ્ય રોડ ઉપર ઉતર્યા. ત્યાંથી મિત્રનું ગામ શરૂ થઈ જતું હતું. આ વિસ્તાર મનીલા તરીકે જાણીતો છે.

મનીલા માતાજી નું અહીં પ્રસિદ્ધ મંદિર છે એના લીધે આ વિસ્તારનું નામ મનીલા છે. માતાજીના મંદિર વિશેની વાત હવે પછીના એપિસોડમાં કરીશ. મારા મિત્રના પિતાજી ટુ-વહીલર લઈ અમને વેલકમ કરવા માટે આવી ગયા હતા. એમના ટુ-વહીલરમાં ફક્ત સામાન મુકીને અમે ચાલતા જવાનું પસંદ કર્યું. ગામમાં મકાનોની ગોઠવણ ઢોળાવ તરફ હતી એટલે નીચે અમે જેમ ઉતરતા હતા એમ ગામ આવતું હતું. મારા મિત્રનું મકાન નીચેના વિસ્તારમાં હતું. કદાચ એકાદ કિલોમીટર જેટલું અંતર હશે મુખ્ય રોડથી પણ ઉતરવાનું હતું અને ઉપરાંત શોર્ટકટ વાળા રસ્તે આવ્યા હોવાથી સમય ઓછો લાગ્યો. આ ભાગ ખુબ જ લાંબો થઈ ગયો હોવાથી અહીં જ બ્રેક લવ છું. આવતા એપિસોડમાં પહાડી મહેમાનગતિ અને આગળની સફર ચાલુ રહે છે. આશા રાખું કે તમે આવી જ રીતે જોડાયેલ રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *