400 કરોડના ફિશરીઝ કૌભાંડ મામલે BJP મંત્રી પુરષોત્તમ સોલંકી સામે વોરંટ ઈશ્યૂ

Published on: 9:52 am, Sat, 9 February 19

400 કરોડના કથિત ફિશરીઝ કૌભાંડમાં રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો છે. ગાંધીનગરની સ્પેશિયલ એન્ટી કરપ્શન કોર્ટે મંત્રી પુરષોત્તમ સોલંકી સામે વોરંટ ઈશ્યૂ કર્યું છે.

અરજી ફગાવી 2 અઠવાડિયામાં કોર્ટમાં હાજર થવા આદેશ

ઉલ્લેખનિય છે કે 400 કરોડનાં ફિશરીઝ કૌભાંડમાં મંત્રી પુરષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીએ સ્પેશિયલ એન્ટી-કરપ્શન કૉર્ટે પાઠવેલા સમન્સ રદ્દ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેને જસ્ટિસ જે. બી. પારડીવાલાએ ફગાવીને તેઓને 2 અઠવાડિયામાં ગાંધીનગર કોર્ટમાં હાજર થવા આદેશ કર્યો હતો.

દિલીપ સંઘાણી, પુરષોત્તમ સોલંકી અને 5 અન્ય અધિકારીઓને પાઠવ્યા સમન્સ

આ કેસમાં ગાંધીનગર સ્પેશિયલ એન્ટી-કરપ્શન કોર્ટે દિલીપ સંઘાણી, પુરષોત્તમ સોલંકી અને 5 અન્ય અધિકારીઓને સમન્સ પાઠવ્યા હતા. જેની સામે બંને નેતાઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે રદ્દ થતા શુક્રવારે ગાંધીનગરની એન્ટી કરપ્શન કોર્ટમાં આ કેસની સુનાવણી હાથધરાઈ હતી. જેમાં દિલીપ સંઘાણી અને પાંચ અધિકારીઓ તરફ તેમના વકીલો ઉપસ્થિત રહ્યાં હતા.

હાજર રહ્યાં ન રહેતા વોરંટ ઈશ્યૂ

જોકે, પુરષોત્તમ સોલંકી કે તેમના વકીલ કોઈ પણ હાજર રહ્યાં ન હતા. જેને પગલે ફરિયાદીના વકીલ અનિરૂદ્ધસિંહ રાઠોડે દલીલ કરી હતી કે, પુરષોત્તમ સોલંકીએ હાઈકોર્ટના હુકમનું પાલન નથી કર્યું જેથી તેમની સામે વોરંટ ઈશ્યૂ થવો જોઈએ. જેને પગલે જજ આર. એમ. વોરાએ મંત્રી પુરષોત્તમ સોલંકી સામે વોરંટ ઈશ્યૂ કરીને વધુ સુનાવણી બીજી માર્ચના રોજ મુલતવી કરી હતી.