આમાં ક્યાંથી ભણે દીકરીઓ? ગામડાની વિદ્યાર્થીનીઓ નદી પસાર કરી જીવના જોખમે શાળાએ જવા બની મજબુર

ગુજરાત: રાજકોટ (Rajkot) જિલ્લા (District) માં આવેલ જસદણ (Jasdan) તથા વીંછિયા (Vichiya) તાલુકાને બાદ કરતાં બીજા બધા જ તાલુકાને મેઘરાજાએ તરબોળ કરી દીધા છે ત્યારે ગોંડલ (Gondal), ઉપલેટા (Upleta), ધોરાજી (Dhoraji), લોધિકા (Lodhika) માં અતિભારે વરસાદ ખાબક્યો છે. જેને લીધે ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારને જોડતા કેટલાય કોઝવે પાણીમાં ગરકાવ થઇ ચુક્યા છે.

આ સમયે ઉપલેટામાં આવેલ ગઢાળા ગામને જોડતા મુખ્ય માર્ગ પર પણ નદીનો કોઝવે આવેલ છે કે જે અતિભારે વરસાદને લીધે આ કોઝવે પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે એમ છતાં પણ આ ગામની વિદ્યાર્થિનીઓ જીવના જોખમે કોઝવે પર પસાર થઇને શાળા સુધી પહોંચી રહી છે તેમજ શિક્ષણ મેળવી રહી છે.

સતત 10 દિવસથી ગઢાળાના લોકો છે પરેશાન:
ઉપલેટા પંથકમાં અતિભારે વરસાદને લીધે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ નદી ગઢાળા ગામમાંથી પસાર થઇ રહી છે ત્યારે ગામ સુધી પહોંચવા માટે નદીમાં કોઝવે બનાવાયો છે પણ છેલ્લા 10 દિવસથી આ કોઝવે પર પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે. એમ છતાં વિદ્યાર્થિનીઓ શિક્ષણથી વંચિત ન રહે એ માટે જીવના જોખમે કોઝવે પાર કરીને શાળા સુધી પહોંચે છે.

કોઇ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ?
કોઝવે પર છેલ્લા 10 દિવસથી પાણી સતત વહી રહ્યું છે, જેને લીધે કોઝવે પર શેવાળ વળવાની પણ ભીતિ સેવાઈ રહી છે, જેથી વિદ્યાર્થિનીના પગ લપસે તેમજ નદીમાં તણાય તો જવાબદારી કોની એ વિશે ગ્રામજનો દ્વારા પ્રશ્ન ઉઠાવાયો છે. આ કોઝવે પર પુલ બનાવવા ગ્રામજનોએ ઘણીવાર સરકારી અધિકારીઓ તથા સ્થાનિક નેતાઓને રજૂઆત કરી છે. એમ છતાં કોઇ સાંભળતું ન હોવાથી ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

અનેક લોકો નદીમાં પડ્યાના બનાવો બન્યાઃ સરપંચ
આ બાબતે ગઢાળાના સરપંચ નારણભાઇ આહીર જણાવે છે કે, ગામમાંથી પસાર થતી નદીમાં ગામનાં ઉપરના ભાગે ડેમ આવેલ છે કે, જે અતિભારે વરસાદ ખાબકતા પાણી છોડવામાં આવ્યું છે, જેથી ગામના મુખ્ય માર્ગ પર આવેલ કોઝવે પરથી છેલ્લા 10 દિવસથી પાણી વહી રહ્યું છે.

ગામની વિદ્યાર્થિનીઓ, વિદ્યાર્થીઓ, મહિલાઓ જીવના જોખમે કોઝવે પસાર કરી રહ્યા છે. અમે આ વિશે સરકારને ઘણીવાર રજૂઆત કરી છે. છેલ્લા 10 દિવસથી ગામમાં ST બસ પણ આવી રહી નથી, જેથી ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે. નદીમાં લોકો પડી ગયાના બનાવો પણ બન્યા છે. જેથી ગામલોકોની માંગણી છે કે, આ કોઝવે 10 ફૂટ ઊંચો બનાવવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *