ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ પર મીડિયાને સંબોધતા જણાવ્યું કે, દિલ્હીમાં વીજળી મફતમાં મળે છે અને તે 24 કલાક ઉપલબ્ધ છે, જો આપણે દિલ્હીમાં મફત વીજળી આપી શકીએ તો ગુજરાતમાં પણ આપી શકીયે છીએ. પંજાબમાં પણ 1 જુલાઈથી વીજળી મફત થઈ ગઈ છે. દિલ્હી મોડલ જોવા આવેલા ગુજરાતમાંથી બીજેપી(BJP) ડેલીગેશન ને દિલ્હી મોડલના કોઈ કામમાં કોઈ ખામી જોવા મળી ન હતી. ત્યારબાદ અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓની શપથવિધિમાં હાજરી આપવા રવાના થયા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ જંગી સભાને સંબોધતા કહ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓ ફક્ત આમ આદમી પાર્ટીની શપથ નહીં લે પરંતુ દેશ સેવાની શપથ લેશે. આજે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલના સપનાનું ગુજરાત બનાવવાની શપથ લેશે.
ગુજરાતમાં દશકોથી કોંગ્રેસ પાર્ટી છે પરંતુ આજે હું દાવા સાથે કહી શકું છું કે આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પાસે કોંગ્રેસ કરતા પણ મોટું અને અત્યંત વિશાળ સંગઠન છે. કોંગ્રેસ ફક્ત કાગળ પર જ છે. હજુ તો આવતા 1 મહિના માં બુથ સુધીનું સંગઠન બનાવી દેવામાં આવશે અને એ સંગઠન ભાજપના સંગઠન કરતા પણ મોટું હશે.
આજે બીજી પાર્ટીઓ પાસે નોકરિયાત કાર્યકર્તાઓ બનાવ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટી માં દરેક કાર્યકર્તા પૈસા વગર કામ કરે છે. આવનારી ચૂંટણીમાં ભાજપ ના કાર્યકર્તાઓ પૈસા ભાજપ જોડેથી લેશે પણ કામ આમ આદમી પાર્ટી માટે કરશે.
આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર અને સજ્જન લોકો ની પાર્ટી છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને લોકોને કહેવાનું છે કે, આમ આદમી પાર્ટી એ દિલ્હીમાં કેવા શાનદાર કામ કર્યા છે. દિલ્હીમાં વીજળી મફત કરી દેવામાં આવી છે અને ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ છે. દેશની સૌથી સારી સરકારી સ્કૂલો અને હોસ્પિટલો આજે દિલ્હીમાં ઉપલબ્ધ છે.
વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, ગુજરાતમાં લોકોને હવે કોંગ્રેસથી કોઈ ઉમ્મીદ નથી. ગઈ ચૂંટણીમાં લોકોએ કોંગ્રેસને વોટ આપ્યો અને તેમના ધારાસભ્યો પૈસા લઈને ભાજપમાં જતા રહ્યા. આ વખતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ સુનિશ્ચિત કરવું પડશે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને એક પણ વોટ ન મળે. ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો આજે ભાજપથી નારાજ છે પરંતુ તેઓ કોંગ્રેસને વોટ નથી આપતા એવા દરેક વ્યક્તિ ને આમ આદમી પાર્ટીને મત આપે એવું કામ કાર્યકર્તાઓએ કરી બતાવવાનું છે. જો આ બે વાતનું ધ્યાન રાખવામાં આવશે તો આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જરૂર સરકાર બનાવશે. આવનારી ચૂંટણી માટે દરેક કાર્યકર્તાએ આવનારા છ મહિનાના દિવસ રાત 24 કલાક ફક્ત આમ આદમી પાર્ટીમાં આપવા પડશે. આપણે વિપક્ષ બનવા માટે નહીં પણ સરકાર બનાવવા માટે કામ કરવાનું છે.
અરવિંદ કેજરીવાલે પત્રકાર વિશે વાત કરતા કહ્યું હતું કે, ગુજરાતના એક પત્રકારે આમ આદમી પાર્ટીના કામોની પોલ ખોલવા માટે દિલ્હીની મુલાકાત લેવાનું નક્કી કર્યું અને દિલ્હીમાં જઈને દિલ્હીની સરકારી સ્કૂલો જોઈ, સરકારી હોસ્પિટલો જોઈ અને દિલ્હીના લોકો સાથે વાતચીત કરી ત્યારે તેમણે પણ માની લીધું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે ઘણું કામ કર્યું છે. આમ આદમી પાર્ટી ની સરકાર બની તો દિલ્હીમાં જેવી સુવિધાઓ જનતા માટે ઉપલબ્ધ છે એવી બધી જ સુવિધાઓ ગુજરાત માં પણ જનતા માટે ઉપલબ્ધ થશે.
ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલએ ભાજપાના એક પ્રતિનિધિમંડળ ને દિલ્હી મોકલ્યું. ભાજપાનું પ્રતિનિધિમંડળ આમ આદમી પાર્ટી ના કામોમાં ખામીઓ કાઢવા માટે દિલ્હી આવ્યું હતું પરંતુ બે દિવસના ધક્કા ખાધા બાદ પણ તે લોકોને દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા કરેલા કામો માં કોઇ ખામી ના દેખાઈ. જો ભાજપના પ્રતિનિધિઓએ અમારી કોઇ ખામી કાઢી હોત તો અમે અમારી ખામી દૂર કરવા માટે મહેનત ચાલુ કરી દેતા પરંતુ તેમને કોઈપણ પ્રકારની ખામી દેખાઈ નહીં. અમારી પોલ ખોલવા ના ઉદેશ્યથી ભાજપાના પ્રતિનિધિમંડળ એ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું પરંતુ કોઈ ખામી ન નીકળતા એ લોકો એ પ્રેસ કોન્ફરન્સ રદ કરી.
આજે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા કોઈપણ પ્રકારના આંદોલન કે કેમ્પેન ચલાવાઇ રહ્યા નથી અને ભાજપ દ્વારા એક જ કેમ્પેન ચલાવાઇ રહ્યું છે કે ગમે તેમ કરીને આમ આદમી પાર્ટીને રોકો. સવાર-સાંજ ભાજપાના નેતાઓ આમ આદમી પાર્ટીને રોકવા માટે મહેનત કરી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટી ભાજપનું મુખ્ય પ્રતિદ્વંદી બની ગઈ છે કારણ કે ગુજરાતમાં ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે જનતા વચ્ચે જઈને જનતાની સમસ્યાઓ સાંભળે છે, તેમની પીડાઓ ને સમજવાની કોશિશ કરે છે. આજે ફક્ત આમ આદમી પાર્ટી જ છે જે ગુજરાતના બાળકોના ભવિષ્યની ચિંતા કરે છે, ગુજરાત સારી શિક્ષા, સારી સ્વાસ્થ્ય વ્યવસ્થા, સારા રોડ રસ્તા અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે કામ કરે છે.
આજે દિલ્હીથી ગુજરાત આવતી વખતે હવાઈ યાત્રા દરમિયાન એક વ્યક્તિ એ મારો હાથ પકડીને મને કહ્યું કે કેજરીવાલ આ વખતે ગુજરાત ને બચાવી લો , ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવી દો. હું આમ આદમી પાર્ટીના દરેક કાર્યકર્તાઓને ફરીથી કહીશ કે ગુજરાતના લોકોને તમારાથી ખૂબ જ આશા છે. ગુજરાતના લોકો એ જેટલી વખત કોંગ્રેસને મત આપ્યો છે તેટલી વખત કોંગ્રેસે તેમને દગો આપ્યો છે. પરંતુ આ વખતે ગુજરાતની જનતા પાસે આમ આદમી પાર્ટીનો જે વિકલ્પ છે એ વિકલ્પ પર આપણે ખરા સાબિત થવાનું છે અને એ માટે આવનારી ચૂંટણી સુધી દિવસ રાત મહેનત કરવાની છે.
શપથ ગ્રહણ સંમેલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હી ના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા નિમાયેલા 7500 થી વધારે નવા હોદ્દેદારોએ ગુજરાતની ભૂમિ ને સાક્ષી માનીને; ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા, ગુજરાતના તમામ યુવાનોને રોજગારી આપવા, ગુજરાતમાં સારું શિક્ષણ અને આરોગ્ય લાવવા માટે, ગુજરાતના ખેડૂતોના હક્કો માટે,ગુજરાતના આદિવાસીઓના સન્માન માટે, ગુજરાત ને ફ્રી વીજળી જેવી સુવિધાઓ આપવા માટે, ગુજરાતના તમામ લોકોને સમૃદ્ધ અને સુખી બનાવવા, ગુજરાતમાં પરિવર્તન લાવવા, ગુજરાતને ફરી એકવાર મહાન બનાવવા દિવસ રાત મહેનત કરી સાચા હૃદયથી જય જય ગરવી ગુજરાત અને ભારત માતા કી જયના નારા સાથે શપથ લીધી હતી.
આમ આદમી પાર્ટીના નવનિયુક્ત 7500 થી વધારે હોદ્દેદારોના શપથ ગ્રહણ સંમેલનમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજ્યગુરુ, આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્ય કિશોરભાઈ દેસાઈ, મહામંત્રી મનોજ સોરઠીયા પણ હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.