ભારત દેશમાં જ્યારે કોઈ બંધારણીય બાબત પર નિર્ણય કરવાનો હોય છે ત્યારે સુપ્રીમ કોર્ટના પાંચથી વધુ જજની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવે છે. આજે હાર્દિક પટેલનો ન્યાય તોળવા માટે આ પ્રકારની જ એક બેન્ચ રચાશે, જેમાં આરોપીના પાંજરામાં હાર્દિક પટેલ હશે અને ન્યાયાધીશની ખુરશીઓ પર બેઠા હશે એ 14 પાટીદાર યુવાનોના આત્મા, જેમણે પાટીદાર અનામત આંદોલનમાં પોતાના પ્રાણની આહુતિ આપી હતી. આજે એ 14 પાટીદાર યુવાનોના આત્મા એક મરેલા અંતરાત્માને સજા ફટકારશે.
વાત કરવામાં આવે તો હાર્દિક પટેલની રાજકીય મહત્વકાંક્ષાએ ગુજરાતને છેલ્લાં સાત વર્ષમાં જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું તો કોઈ કુદરતી આફતે પણ નથી પહોંચાડયું. હાર્દિક પટેલે અનામત આંદોલનને જે હિંસક વળાંક આપ્યો તેમાં પાટીદાર સમાજના 14 યુવાન મૃત્યુ પામ્યા, 200થી વધારે લોકોને ઈજા થઈ, રાજ્યની કરોડોની માલમિલકતોને નુકસાન થયું અને 500થી વધુ લોકો કોર્ટ કેસોમાં ફસાઈ ગયા અને હજુ પણ કોર્ટના ધક્કો ખાઈ રહ્યા છે. પાટીદાર સમાજને પણ ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી.
પોતાની રાજકીય મહત્વકાંક્ષા માટે એક વ્યક્તિ કેટલી હદે સમાજદ્રોહ, રાજ્યદ્રોહ, અને લાખો યુવાનોનો દ્રોહ કરી શકે એનું સૌથી મોટું અને જીવતું જાગતું ઉદાહરણ હાર્દિક પટેલ છે. પોતે પાટીદાર સમાજ માટે લડી રહ્યો છે, પોતાની કોઈ રાજકીય મહત્વકાંક્ષા નથી, પોતે રાજકારણમાં નહીં જોડાય જેવા વગેરે વગેરે જૂઠાણાં હાર્દિક પટેલ સતત પાટીદાર સમાજને કહેતો રહ્યો અને બીજી બાજુ, રાજકીય પક્ષોના ભલા માટેના કામ કરતો રહ્યો.
ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ માટે એલફેલ બોલતો રહ્યો, ગાળો ભાંડતો રહ્યો અને જેવી તક મળી તો તરત જ કોંગ્રેસમાં જોડાઈ ગયો, પરંતુ જોઈતું મૂલ્ય ના મળ્યું એટલા માટે હવે કોંગ્રેસને ભરપૂર ભડાસો ભાંડીને હવે જે લોકોને એલફેલ શબ્દો ભાંડતો હતો તે પાર્ટીમાં જોડાઈ જશે.
ત્યારે આ સમય દરમિયાન એક સવાલ ભાજપ માટે પણ છેકે, હાર્દિકનો પોતાના પક્ષમાં સમાવેશ કરવો એ કોઈ સામાન્ય વિપક્ષી નેતાને તોડી લાવવા બરાબર નથી, એ તમારી જ સરકાર દ્વારા કરવામાં આવેલ રાજ્યદ્રોહના કેસનો આરોપી છે.
હાર્દિક પટેલને ભાજપમાં પ્રવેશ આપવો એટલે ભાજપમાં એક વ્યક્તિના સ્વાર્થ માટે એક સમાજનો દ્રોહ કરવાની માનસિકતાને પ્રવેશ આપવા બરાબર કહી શકાય, અંગત મહત્વકાંક્ષા ખાતર એક સ્વાર્થીને પક્ષમાં ઘુસાડવા બરાબર છે. શું ભાજપ આ માટે તૈયાર છે? કાલે કોઈ દેશદ્રોહી પોતાની પાસે મુઠ્ઠીભર મત હોવાનો દાવો કરશે તો શું તે વ્યક્તિને પણ ભાજપમાં પ્રવેશ આપી દેવામાં આવશે?
હાર્દિક પટેલ હજુ યુવાન છે, તેને એટલું તો યાદ રાખવું જોઈએ કે સત્તા માટે કોઈ શોર્ટકટ રસ્તો હોતો નથી, લોકસેવાની અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલા નેતા જ લાંબુ ટકી શકે છે. કાચીડાની જેમ રંગ બદલવો એ લાયકાત નથી, પરંતુ લોકોની નજરમાં એ ગુનો કહી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.