સુરત ‘ગ્રીષ્મા હત્યાકાંડ’ દેશભરમાં જ નહિ, પરંતુ વિદશમાં પણ હાહાકાર મચાવ્યો છે. જાહેરમાં જ 21 વર્ષીય યુવતીનું ગળું કાપી હત્યા થતા, આ ઘટનાએ દરેક લોકોનાં રૂંવાડા બેઠા કરી દીધા હતા. મૃત્યુ પામેલ ગ્રીષ્મા વેકરિયાની ઉંમર માત્ર 21 વર્ષની હતી, અને યુવકની ઉંમર 20 વર્ષની જ હતી. હાલ જોવાનું એ રહ્યું કે, આટલી નાની ઉંમરે આવો સાહસ આવે છે ક્યાંથી? શું માતા પિતાથી કોઈ ચૂક થઈ હસે? શું બાળકોને જન્મ આપી સમાજમાં રેઢો મુકી દેવો જ માતા પિતાની ફરજ છે? અહીંયા આ હત્યારાના માતા પિતા પર પણ સવાલો ઊભા થયા છે, જેમણે દીકરાને જન્મ તો આપી દીધો પરંતુ, સંસ્કારનો છાંટો નાખવાનું ભૂલી ગયા.
અહીંયા આ એક માતા પિતાની નહિ, પરંતુ દરેક માતા પિતાની વાત થઈ રહી છે, જેઓ પોતાના દીકરાને માથે ચડાવી રાખે છે, અને દીકરાને મન ફાવે તે કરવા દે છે. શું બાળકોને જન્મ આપી માતા પિતાની ફરજ પૂરી થઈ જાય છે? નહિ જન્મ બાદ જ માતા પિતાની સાચી જવાબદારી શરૂ થાય છે. જેમ જમીન માંથી છોડનો જન્મ થતાં તેને સારા ફળ આપતું વૃક્ષ તૈયાર કરવા, વર્ષો સુધી દિવસ રાત નાની નાની વાતોની કાળજી રાખવી જરૂરી છે, તેમ સંતાનોને પણ સમય આવે ત્યારે નાની નાની વાતો ધ્યાનમાં લઈ બાળકને સાચી દિશા તરફ વાળવું ખુબ જ જરૂરી છે.
જો આ હત્યારા ના માતા પિતાએ તેને સાચી રાહ ચીંધી હોત, સંસ્કારોનું સિંચન કર્યું હોત, સમાજમાં સ્ત્રી-પુરુષ મર્યાદાનું ભાન કરાવ્યું હોત, તો આજે કોઈની દીકરી, કોઈની બહેન અને કોઈની પરિવારની ખુશી આજે આ દુનિયામાં જીવતી હોત. જો આજે તમે જ આ વાતોને નાકારશો તો, આવનારા સમયમાં ગ્રીષ્માની જગ્યાએ તમારી બહેન અથવા દીકરી હોઈ શકે છે.
આજે સમાજના દરેક માતા પિતાને નમ્ર વિનંતી છે કે, પોતાના સંતાનોને માંગે તેટલા રૂપિયા, મોજ શોખ માટે દરેક ઈચ્છાઓ પૂરી કરવી, મિત્રો સાથે ફરવા જવા દેવા… આમાં કોઈ વાંધો નથી, પરંતુ માતા પિતાની પણ ફરજ છે કે, તમે જે રૂપિયા આપો છો, તે તમારા સંતાનો ક્યાં ખર્ચે છે? કેવા મિત્રો સાથે તમારા સંતાનો હરે ફરે છે? જો અત્યારથી જ આ નાની નાની વાતોનું ધ્યાન રાખીશું તો, આવનારા સમયમાં આવી સેંકડો દીકરીઓની જિંદગી બચી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.