સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલ ચોરીના બનાવો દરમિયાન ફરીવાર એક ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેમાં બારડોલી(Bardoli) તાલુકના મોતા ગામે(Mota village) આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો. બેંક(Surat District Co. Bank)માં ધોળે દહાડે લૂંટની ઘટના બની છે. જાણવા મળ્યું છે કે, બેંકમાં ઘૂસી આવેલા 3 જેટલા લૂંટારાએ તમંચા વડે 6 જેટલા કર્મચારી(Employee)ને બંધક બનાવી 10.40 લાખની લૂંટ ચલાવી હતી. બેંકમાં લાગવાયેલા સીસીટીવી કેમેરા(CCTV cameras)માં લૂંટની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે.
View this post on Instagram
મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો.-બેંકમાં 3 જેટલા લૂંટારા ઘૂસી ગયા હતા. જે પૈકી બે લૂંટારા પાસે તમંચા પણ હતા. બેંકના 6 જેટલા કર્મચારીઓને તમંચાની અણીએ બંધક બનાવ્યા હતા. ત્યારબાદ 10.40 લાખની લૂંટ પણ ચલાવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત એલ.સી.બી પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો છે. સીસીટીવી ચેક કરતાં લૂંટારા 15 જ મિનિટમાં લૂંટ ચલાવી બાઈક પર છુમંતર થઈ ગયા હતા.
બેંકમાં ઘૂસી આવેલા લૂંટારાઓએ તમંચો બતાવી બેંકના મેનેજરને પણ બાનમાં લીધો હતો. રૂપિયા કઢાવવા માટે મેનેજરને લૂંટારાઓએ એક-બે તમાચા પણ માર્યા હતા. બાદમાં 10.40 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. બેંકમાં લૂંટ કર્યા બાદ ત્રણેય લૂંટારા એક જ બાઈક પર બેસી ફરાર થઇ ગયા હતા. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી મેનેજર સહિત સ્ટાફની નિવેદન લેવામાં આવ્યા હતા. જેમાં કર્મચારીઓએ લૂંટારાઓ બાઈક લઈને કામરેજ તરફ ભાગ્યા હોવાનું જણાવ્યું હતું.
લૂંટારાઓ લૂંટ કરવા માટે ચોરીની બાઈકનો ઉપયોગ કર્યાની આશંકા સેવાઈ રહી છે. કારણ કે, લૂંટને અંજામ આપીને લૂંટારા બહાર આવ્યા ત્યારે સૌપ્રથમ બાઈક સ્ટાર્ટ ન થતાં બે લૂંટારા પરત બેંકમાં ગયા હતા. જ્યારે એક લૂંટારો બાઈક સ્ટાર્ટ કરવામાં લાગ્યો હતો. જ્યારે બાઈક સ્ટાર્ટ થઈ ગઈ ત્યારે લૂંટારા ત્રણેય બાઈક પર નીકળ્યા અને આગળ જતાં બાઈક બંધ પડી જતાં ફરી સ્ટાર્ટ કરવાની નોબત આવી હોવાનું પણ સીસીટીવીમાં કેદ થવા પામ્યું છે.
લૂંટ કરવા આવેલા લૂંટારા તો સાથે તમંચા લઈને આવ્યા હતા. જોકે, કેટલાની લૂંટ થઈ શકે છે એનો લૂંટારાઓને અંદાજો ન હોય એની શક્યતાઓ છે. લૂંટારાઓ 10.40 લાખ રૂપિયા એક પ્લાસ્ટિકની થેલીમાં લઈને ભાગ્યા હોવાનું સીસીટીવીમાં જોવા મળે છે.
જાણવા મળ્યું છે કે, મોં પર માસ્ક અને બે લૂંટારૂ ટોપી પહેરીને લૂંટને અંજામ આપવા આવ્યાં હતાં. લૂંટ ચલાવીને ફરાર થઇ ગયેલા અંદાજે 35 વર્ષની આસપાસની ઉંમરના લૂંટારૂઓ હિન્દી ભાષા બોલાતાં હોવાનું બેંકના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે. હિન્દી ભાષી લૂંટારૂઓ પરપ્રાંતિય હોવાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
લૂંટની ઘટના સર્જાયા બાદ તાત્કાલિક જિલ્લા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ઉપરાંત, પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ બેંક પર દોડી આવ્યો હતો. હાલ, લૂંટારૂઓને ઝડપી લેવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. લૂંટારૂઓને તાત્કાલિક પકડી લેવા માટે પોલીસ દ્વારા નાકાબંધી પણ કરવામાં આવી છે.
લૂંટ ચલાવવામાં બિનઅનુભવિ લૂંટારૂઓ હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. પોલીસના સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, લૂંટારૂઓએ લૂંટનો સામાન પ્લાસ્ટિકની કોથળીમાં ભર્યો હતો. અંદાજે 10 લાખથી વધુની રકમ પ્લાસ્ટિકની કોથળીમાં મૂકીને નાસતા CCTVમાં સામે આવ્યાં છે. જેથી લૂંટારૂઓ પણ બિનઅનુભવી અને પ્રથમવાર લૂંટ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.