હીરાઉદ્યોગ છેલ્લાં ઘણાં મહિનાઓથી ભારે મંદીનો સામનો કરી રહ્યો છે. હીરાબજારમાં પણ કામકાજો ખુબ જ ઓછાં થઈ ગયાં છે. છેલ્લાં ત્રણેક મહિનાથી તો પોલીશ્ડ હીરામાં કોઈ સુધારો નહીં હોવાથી ચિંતા વધી રહી છે. પોલીશ્ડ હીરાના ભાવમાં ઘટાડો થયાં પછી પરિસ્થિતિ વધુ ખરાબ બની છે. અત્યારે વેપારીઓને આગામી દિવાળી અને ક્રિસમસના તહેવારોનો લાભ મળશે કે કેમ તેની ચિંતા સતાવી રહી છે.
હીરાબજારમાં પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નહીં હોવાથી, દલાલો અને વેપારીઓની હાલત દિવસોદિવસ વધુ કફોડી બની રહી છે.પોલીશ્ડની કોઇપણ જાતનો માલ અત્યારે વેચાતો નથી. સામાન્ય પ્રકારની પૂછપરછો પણ નહીં હોવાને કારણે બજારનું વાતાવરણ જામતું નથી, નિરસતાનું વાતાવરણ અત્યારે છે. દલાલો અને વેપારીઓ અત્યારે ગપ્પાં મારીને સમય પસાર કરી રહ્યાં છે.
હીરાબજારના સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લાં ત્રણ મહિનાથી આ હાલત છે અને થોડો ઘણો પણ સુધારો આવ્યો નથી. પોલીશ્ડ હીરાની એક-બે જાતોમાં પૂછપરછો ચાલી રહી છે, એવું જો કોઈ કહેતું હોય તો એ વાતમાં બહુ દમ નથી. કારણ કે, અત્યારે કોઈપણ પ્રકારનો માલ વેચાતો નથી, કે ઉપરથી એવી કોઈ માંગ નથી.
વેપારીઓ અને કારખાનેદારોને અત્યારે ચિંતા એ છે કે, દિવાળી અને ક્રિસમસના તહેવારને માંડ બે-એક મહિના જ બાકી રહ્યાં છે અને બજારમાં કોઇ સુધારો આવ્યો નથી. નવરાત્રી આસપાસના દિવસોમાં માંગ નહીં નીકળે તો આગામી દિવસો વધુ વિકટ બને એવી શક્યતાઓ વધુ છે. પોલીશ્ડ સ્ટોક ખાલી નહીં થયો હોવાને કારણે નવી કોઈ માંગ નથી તેવા સંજોગોમાં હવે પછીના દિવસો કેવાં રહેશે એની અટકળો સૌ કોઈ કરી રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.