- એક કહેવત છે કે “જેવી મહેનત એવો રંગ”. જેવી મહેનત અને પરિશ્રમ કરે તેવી જ સફળતા મળતી હોય છે આ વાત તમે દરેક માનતા હશો. અહિયાં પણ એક એવા જ યુવાનની સફળતાની વાર્તા છે. જેનું નામ છે કેવલ વેકરીયા. કેવલ આજે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પોતાના વતન ભેંસાણમાં કોરોના વોરીયરની ભૂમિકા ભજવી રહ્યો છે. આપણને એવું લાગે કે આ સાહેબ તો રાતોરાત સફળ થઈ ગયા પરંતુ કોઈ વ્યક્તિ ક્યારેય રાતોરાત સફળ થતી જ નથી, જ્યારે દુનિયા સુતી હોય ત્યારે આ વ્યક્તિ જાગતી હોય છે માટે એ સફળ હોય છે.
કેવલનો જન્મ અમરેલી અને જૂનાગઢ જિલ્લાની લગોલગ આવેલા નવા ખાખરા હડમતિયા ગામે એક નિમ્ન-મધ્યમ ખેડૂત પરિવારમાં થયો. આ ગામમાં આજેય પરિવહન સુવિધાઓનો અભાવ છે. વર્ષોથી આ ગામના લોકો બેઝિક સવલતોના અભાવે મતોનો બહિષ્કાર કરતા હતા પરંતુ ભણેલાં-ગણેલા આપણાં કેવલ સાહેબે ગામ-લોકોને મતનું મૂલ્ય સમજાવી લોકશાહીની પવિત્રતાને પ્રાદુર્ભાવ કરી. આ દેશમાં સૌથી મોટી દેશભક્તિ કદાચ લોક-જાગૃતિ જ છે.
કેવલે પ્રાથમિક-શિક્ષણ ગામડાની સરકારી શાળામાં જ પૂર્ણ કર્યું. બાળપણથી જ કેવલને વાંચવાનો જબરો શોખ હતો. ઝટપટ દરેક ન્યૂઝપેપરને વાંચી કાઢતો. આ જ્ઞાનની ગંગામાં વહેવાની પ્રેક્ટિસ કેવલે બાળપણથી જ ચાલું કરી દીધી. બધા મિત્રોએ સમજવું પડશે જ્ઞાન એ એકવીસમી સદીનું નાણું છે.
આ ટિકટોકીયા-ફેસબુકિયા-વોટ્સએપિયા યુગમાં આજે વાંચન અત્યંત જરૂરી છે. વાંચન તમારા માનસને બંધિયાર ખાબોચિયામાંથી પ્રશાંત-મહાસાગરની વિશાળતા બક્ષે છે. માધ્યમિક અને ઉચ્ચ-માધ્યમિક શાળાનો અભ્યાસ કેવલે વિસાવદર શહેરમાં જ પૂર્ણ કર્યો. કેવલ એટલો બધો પણ બ્રીલયન્ટ સ્ટુડન્ટ નો’તો પરંતુ એનું સ્વપ્ન અને એનો ધ્યેય ઉચ્ચ હતો. ધોરણ દસમાં માત્ર સિત્તેર ટકા જ આવ્યા. સ્નેહીજનોનો આગ્રહ હતો કે વિજ્ઞાન-પ્રવાહની પસંદગી કરવી જોઈએ. જ્યારે કેવલે કોમર્સની પસંદગી કરવાનું નક્કી કર્યું અને ત્યારે ઘણાબધાએ એના પર ટીકાઓની વર્ષા કરી. ભારતમાં મોટાભાગે બાળકોને શું બનવું જોઈએ કે શું કરવું જોઈએ એ આજુબાજુ વાળા જ નક્કી કરતા હોય છે.
દસમાં ધોરણના વેકેશનમાં જ કેવેલે નક્કી કરી લીધું કે “યુ.પી.એસ.સી”ની પરીક્ષા પાસ કરવી છે. આ સ્વપ્નને પામવા જ કદાચ એણે કોમર્સની પસંદગી કરી હતી. ત્યારબાદ બારમાં ધોરણમાં આશરે 89% મેળવી રંગીલા રાજકોટમાં ગામડાના આ લવરમૂછરીયાએ 2011માં “B.B.A” કોર્ષમાં એડમિશન લીધું. કોલેજ કાળમાં જ્યારે વિદ્યાર્થીઓ મોબાઇલની ઉપાસના કરતા હોય ત્યારે કેવલે પુસ્તકની આરાધના કરવાનું ચાલુ કર્યું. 2014માં કેવલે કોલેજ પુરી કરી. કોલેજ બાદ સમાજે અને લોકોએ કેવલને પ્રશ્નો પૂછવાનું ચાલું કર્યું કે ભાઈ હવે ક્યારે નોકરીએ લાગશો ?? કેવલના માતા-પિતાએ તો કેવલને બાળપણથી પોતાની અલાયદી અને અદકેરી કેંડી કંડારવાનું મુક્ત આકાશ આપ્યું હતું. કેવલના પેરેન્ટ્સને ભરોસો હતો જ કે આપણો દીકરો એક દિવસ જરૂર અધિકારી બનશે.
કેવલના ગામમાંથી હજુ કોઈએ ચપરાસીની પરીક્ષા પણ પાસ કરી નો’તી. 2015માં કેવલે “યુ.પી.એસ.સી”ની પ્રાથમિક પરિક્ષા આપી પરંતુ એને નિષ્ફળતા મળી. 2016માં હાર સ્વીકાર્યા વગર ફરી પ્રયાસો ચાલું રાખી બીજી વખત “યુ.પી.એસ.સી”ની પ્રાથમિક પરિક્ષા આપી જેમાં એને સફળતા હાથ લાગી પરંતુ મુખ્યપરીક્ષામાં ફરી કેવલને નિષ્ફળતા મળી. ત્યારબાદ 2017માં જી.પી.એસ.સી કલાસ-1,2ની પરીક્ષામાં પ્રાથમિક પરીક્ષા પાસ કરી પરંતુ ફરી એની એ જ નિષ્ફળતા. આ નિષ્ફળતાઓનો ઝંઝવાત કેવલના જીવનમાં અવિરતપણે ચાલુ જ રહ્યો. કેવલે પાછલી નિષ્ફળતાઓમાંથી પોતાની ભુલો સુધારી-સુધારી પોલીસ-ઇન્સપેક્ટરની પરીક્ષા છેક 2018ના ઓકટોબર મહિનામાં પાસ કરી. 2011માં ચાલુ કરેલી યાત્રામાં સફળતાનો સ્વાદ અંતે કેવલને સાત વર્ષે મળ્યો. આજેય કેવલની યાત્રા તો હજુય ચાલુ જ છે અને હવે સાહેબની અભિલાષા “I.P.S” બનવાની છે. – પાર્થ સોરઠીયા
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news