રસ્તામાં જ છે મંદી! રશિયા-યુક્રેનના યુદ્ધના કારણે આ દેશો થશે ખુબ પ્રભાવિત- વર્લ્ડ બેંકે આપી મહત્વની જાણકારી

વિશ્વ બેંક(World Bank)નું કહેવું છે કે, કોવિડ-19 રોગચાળાની અસરોમાંથી બહાર આવી રહેલી વૈશ્વિક અર્થવ્યવસ્થાને રશિયા-યુક્રેન(Russia-Ukraine) યુદ્ધથી બેવડો ફટકો પડ્યો છે. જેનાથી ઘણા દેશોમાં આર્થિક મંદીની આશંકા વધી છે. વિશ્વ બેંકે ચેતવણી આપી છે કે, યુરોપ(Europe) અને પૂર્વ એશિયા(East Asia)ના ઘણા ઓછા વિકસિત દેશો ગંભીર આર્થિક મંદીનો સામનો કરી શકે છે.

વિશ્વ બેંકના પ્રમુખ ડેવિસ માલપસે જણાવ્યું હતું કે, સ્ટૅગફ્લેશનની શક્યતા વધુ વધી ગઈ છે. જ્યારે આર્થિક વિકાસ દર સ્થિર રહે છે અને ફુગાવાના દર અને બેરોજગારી દરમાં ઝડપી વધારો થાય છે ત્યારે સ્ટેગફ્લેશનને આર્થિક સ્થિતિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે.

સ્ટૅગફ્લેશનની સ્થિતિનો સામનો કરવો એ કોઈપણ દેશ માટે પડકારરૂપ હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે, કેન્દ્રીય બેંકો ફુગાવાને નિયંત્રિત કરવા માટે મુખ્ય નીતિ દરોમાં વધારો કરે છે, પરંતુ તેનાથી બેરોજગારીમાં વધારો થાય છે અને આર્થિક વૃદ્ધિને અસર કરે છે. ડેવિડ માલપસે કહ્યું, “આખી દુનિયામાં ઉર્જા અને ખોરાકની કિંમતો વધી રહી છે.

યુક્રેનમાં ચાલી રહેલું યુદ્ધ, ચીનમાં લોકડાઉન, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ અને સ્ટેગફ્લેશનનું જોખમ વિકાસની સંભાવનાઓને અસર કરી રહ્યું છે. ઘણા દેશો માટે આર્થિક મંદીની પરિસ્થિતિમાંથી બચવું મુશ્કેલ બનશે. તેમણે કહ્યું કે, વિશ્વના ઘણા દેશોમાં રોકાણના અભાવને કારણે આગામી દાયકા સુધી વિકાસ દર નીચો રહેશે. ઘણા દેશોમાં ફુગાવાનો દર દાયકાઓની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે અને પુરવઠાની મર્યાદાઓ પણ વધવાની શક્યતા છે.

તેથી, ફુગાવો લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહેવાનું જોખમ રહેલું છે. વિશ્વ બેંકની આગાહી અનુસાર, યુરોપિયન દેશોમાં આર્થિક ઉત્પાદનમાં સૌથી વધુ ઘટાડો રશિયા અને યુક્રેનમાં જોવા મળશે. વિશ્વ બેંકે ચેતવણી આપી છે કે કોવિડ સમયગાળા અને રુસો-યુક્રેન યુદ્ધના પરિણામ ભયંકર હોઈ શકે છે.

ડેવિડે કહ્યું કે, જો વૈશ્વિક આર્થિક મંદીની સ્થિતિને ટાળવામાં આવે તો પણ સ્ટેગફ્લેશન ઘણા વર્ષો સુધી પ્રભુત્વ મેળવી શકે છે. પુરવઠાની અડચણ દૂર ન થાય ત્યાં સુધી આ સ્થિતિ ચાલુ રહી શકે છે. વિશ્વ બેંકે 2021 અને 2024 વચ્ચે વૈશ્વિક આર્થિક વિકાસ દર 2.7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે, જે 1976 અને 1979 વચ્ચેની મંદીથી વધુ ખરાબ છે.

વિશ્વ બેંકે એવી ચેતવણી પણ આપી છે કે, ફુગાવાને અંકુશમાં રાખવા માટે 1970ના દાયકામાં વ્યાજદરમાં એટલી હદે વધારો કરવામાં આવ્યો હતો કે 1982માં વૈશ્વિક આર્થિક મંદીની સ્થિતિ સર્જાઈ હતી. આના કારણે ઊભરતાં બજારો અને વિકાસશીલ અર્થતંત્રોમાં નાણાકીય કટોકટી સર્જાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *