હાલ જર્મની (Germany)માંથી એક દુર્ઘટનાના સમાચાર મળી આવ્યા છે. જેમાં જર્મનીની રાજધાની બર્લિન (Berlin)માં શુક્રવારના રોજ રેડિસન બ્લૂ હોટલ (Radisson Blu Hotel)માં એક પ્રખ્યાત એક્વેરિયમ(Aquarium) તૂટી ગયું હતું. એક્વેરિયમ એટલું મોટું હતું કે તૂટ્યાં પછી હોટલ અને રસ્તા પર લાખો લિટર પાણી વહી ગયું હતું. જેને પગલે 1500 જેટલી માછલી (fish)ઓના મોત નીપજ્યા હતા. તેમજ ઘટનાની જાણ થતા ઈમર્જન્સી સર્વિસના 100 લોકોની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી.
મળતી માહિતી અનુસાર, આ ઘટના સવારે પાંચ વાગ્યાને 45 મિનિટે બની હતી. આ સમયે બર્લિનના મિટ્ટા જિલ્લામાં એક્વાડોમ નામના આ એક્વેરિયમમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેને પગલે 2,64,172 ગેલન પાણી ચારેબાજુ ફેલાઈ ગયું હતું. ત્યારે અધિકારીઓના જણાવ્યા અનુસાર, એક્વેરિયિમમાં 1500 માછલી હતી, જે હોટલમાં ફેલાઈ ગઈ હતી.
View this post on Instagram
આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા:
અહેવાલો મુજબ, 15.85 મીટર ઊંચાઈનું આ એક્વાડોમ એક્વેરિયમ વિશ્વના સૌથી મોટા નળાકાર માછલીઘર તરીકે જાણીતું હતું. આ એક્વેરિયમ તૂટવાને કારણે કાચના ટુકડા પડવાથી બે લોકો ઘાયલ પણ થયા છે. ત્યારે આ અંગે બર્લિન પોલીસે કહ્યું હતું કે એ એક મોટું નુકસાન છે. આ દુર્ઘટના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે એક્સપર્ટની સલાહ પણ લેવામાં આવશે.
જ્યારે આ ઘટના બની હતી ત્યારે હોટલમાં લગભગ 350 લોકો હાજર હતા. ત્યારે હોટલમાં હાજર એક ગેસ્ટે જણાવ્યું હતું કે એક્વેરિયમમાં વિસ્ફોટ થતાં લાગ્યું કે જાણે ભૂકંપ આવ્યો હોય. હોટલ મેનેજમેન્ટ સંભાળનારી વ્યક્તિએ જણાવ્યું હતું કે 1500 માછલી સ્થળ પર જ મરી ગઈ. જ્યારે માછલીઘરની નાની ટાંકીમાં રાખવામાં આવેલી માછલીઓને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બર્લિનના મેયર ફ્રાંઝિસ્કા ઝિફે કહ્યું હતું કે સારી વાત એ હતી કે માછલીઘરમાં વહેલી સવારે વિસ્ફોટ થયો ત્યારે કોઈ હાજર નહોતું. જો આ ઘટના અન્ય કોઈ સમયે બની હોત તો ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હોત. તેથી સદનસીબે આ દુર્ઘટનામાં કોઇપણ વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું નથી.
2020માં સમારકામ કરાયું હતું:
આ એક્વેરિયમનું સમારકામ વર્ષ 2020માં જ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તમામ ટાંકીઓની સફાઈ કરવામાં આવી હતી. તેમજ ટાંકીના સમારકામ દરમિયાન તમામ માછલીઓને હોટલના બેઝમેન્ટમાં સ્થિત એક્વેરિયમમાં રાખવામાં આવી હતી. માછલીઘરની નજીક ગ્લાસ એલિવેટર પણ લગાવવામાં આવ્યા હતા, જેથી લોકો એને નજીકથી જોઈ શકે. આ ઘટના પછી તેને પણ બંધ કરી દેવામાં આવી છે. હાલ આ ઘટના પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.