અમદાવાદ(ગુજરાત): હાલમાં ફરીવાર ગુલાબ વાવાઝોડુ(Cyclone Gulab) સક્રિય થયું છે. ત્યારે અમદાવાદ(Ahmedabad)માં આજે સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. નોકરીધંધે જતા લોકોને વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત, ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિકજામ(Traffic jam)નાં દૃશ્યો પણ સર્જાયાં છે. તો બીજી બાજુ સરખેજ- ધોળકા(Sarkhej-Dholka) રોડ પર ભારતી આશ્રમ પાસે નવા બનેલા અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ ગયું હતું. જેમાં એક યુવક ફસાઈ ગયો હતો.
જાણવા મળ્યું છે કે, ઘટનાની જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની એક ટીમ રેસ્ક્યૂ માટે રવાના થઈ હતી. યુવકને બચાવવા માટે ટીમ પહોંચી હતી પરંતુ યુવક ડૂબી ગયો હતો. બાદમાં યુવકની શોધખોળ કરી તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયરબ્રિગેડના જણાવ્યા અનુસાર, હજુ યુવકની ઓળખ થઈ નથી અને તેનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. હાલ તેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આ દરમિયાન, વરસાદને કારણે AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો પણ ઉઠ્યા છે.
જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં વરસાદ બંધ થયાના એક કલાક બાદ પણ અનેક વિસ્તારોમાં ભરાયેલાં પાણી હજી ઓસર્યાં નથી. સોલા સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા પાસે પણ ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયાં છે. જ્યારે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પણ વરસાદનાં પાણી ભરાઈ ગયાં હોવાનું સામે આવ્યું છે. સોલા સિવિલમાં ઈલાજ માટે આવનારા દર્દીઓને પાણી ભરાઈ જવાને કારણે મોટી હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે.
આ ઉપરાંત, સાબરમતી પોલીસ સ્ટેશન, આરટીઓ સર્કલ, હેલ્મેટ સર્કલ પાસે મેટ્રોના કામકાજ સ્થળે પાણી ભરાઈ જવાથી ભારે ટ્રાફિકજામ થયો હતો. સોલા, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, બોડકદેવ, બોપલ, રાણીપ વિસ્તારમાં એક કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ થયો. મળતી માહિતી મુજબ, અમદાવાદમાં વહેલી સવારથી જ કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો, જેમાં સૌથી વધુ બે કલાકમાં બે ઈંચ વરસાદ ચાંદલોડિયામાં ખાબક્યો હતો.
આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, અમદાવાદમાં સવારે ઘરેથી નોકરીધંધે જનારા લોકો પણ વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી અટવાઈ ગયા હતા. ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમજ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે જ પાણી ભરાઈ જવાથી ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ ઉપરાંત, મેટ્રો રેલની કામગીરીને કારણે ટ્રાફિકજામ થતાં વાહન લઈને જવું મુશ્કેલ થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.