અમદાવાદ(ગુજરાત): હવે તો એવું લાગી રહ્યું છે કે, લુખ્ખાતત્વોને જાણે પોલીસનો ડર જ નથી રહ્યો. હત્યા તો જાણે એક ખેલ બની ગયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર હત્યાનો બનાવ બન્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો યુવક જન્માષ્ટમીની રાત્રે મિત્રો સાથે ચા પીવા ગયો હતો. આ પહેલા જ ત્યાં અજ્જુ અને શૂટર નામના બે લોકો આવ્યા અને ‘બોગસગીરી કેમ કરે છે’ તેમ કહી તેને છરીઓના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. સમગ્ર મામલે રામોલ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
જાણવા મળ્યું છે કે, અમદાવાદ શહેરના રામરાજ્ય નગરમાં રહેતો નિખિલેશ નામનો યુવક મજૂરી કામ કરતો હતો અને તેના માતા પિતા સાથે રહેતો હતો. પાંચેક દિવસ અગાઉ નિખિલેશે તેની માતા ને જણાવ્યું હતું કે, અજય ઉર્ફે અજ્જુ અને સાગર ઉર્ફે શૂટર નામના બે લોકો પોલીસમાં તેના નામની બોગસગીરી કરતા હોવાથી બોલાચાલી થઈ હતી અને અગાઉ ત્રણેકવાર પણ બબાલ થઈ હતી. જેથી આ બંને તેને મારી નાંખવાની ધમકીઓ આપતા હતા.
આ દરમિયાન, નિખિલેશની માતાએ કોઈ સાથે ઝગડો ન કરી શાંતિથી નોકરી કરવાની સલાહ આપી હતી. નિખિલેશના માતા ત્રણેક દિવસ પહેલા ઘરની બહાર કચરો નાખવા ગયા ત્યારે અજ્જુ ત્યાં ઉભો હતો અને તેના દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી.
મળતી માહિતી મુજબ, જન્માષ્ટમીની રાત્રે નિખિલેશને કોઈ ફોન આવતા તે ઘરની બહાર નીકળ્યો હતો. ત્યારબાદ તેના કોઈ મિત્રએ દોઢેક વાગ્યે તેના ઘરે આવીને જાણ કરી કે, નિખિલેશને ઈજાઓ થઈ હોવાથી તેને સિવિલ લઈ જવામાં આવ્યો છે. બાદમાં જાણવા મળ્યું કે, નિખિલેશ તેના મિત્રો સાથે બેઠો હતો અને રામોલ વિસ્તારમાં ચા પીવા ગયો હતો આ દરમિયાન અજય ઉર્ફે અજ્જુનો ફોન આવ્યો અને તે અમરનાથ સોસાયટી પાસે ઉભો છે તેવું કહેતા નિખિલેશ ત્યાં ગયો હતો.
ત્યાં જતા જ અજ્જુ એ, ‘તું કેમ અમને બદનામ કરે છે’ કહીને તેના સાથીઓ સાથે મળીને તેને છરીઓના ઘા માર્યા હતા. શરીરના અલગ-અલગ ભાગે છ જેટલા છરીઓના ઘા વાગતા નિખિલેશને સિવિલ લઈ જવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નિખિલેશના અન્ય મિત્રને પણ ઈજાઓ થઈ હતી. સમગ્ર બાબતે રામોલ પોલીસને જાણ થતા પોલીસ દ્વારા અજય ઉર્ફે અજ્જુ ખટિક અને સાગર ઉર્ફે શૂટર ખટિક નામના બે લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવતા પોલીસ દ્વારા તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.