ગુજરાત(Gujarat): વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય(Dr.Nimaben Acharya)ની અધ્યક્ષતા હેઠળ ગુજરાત વિધાનસભા(Gujarat Assembly)માં એક નવો અને અનોખો જ પ્રયોગ થવા જઈ રહ્યો છે. જેમાં ગુજરાત વિધાનસભા ખાતે આગામી 21 જુલાઈના રોજ એક દિવસીય સત્રનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને ગુજરાત એક ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. આ સત્રમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ હાજર રહેશે. આ અંગેના તમામ પ્રકારના આયોજનની રૂપરેખા બનાવવામાં આવી છે અને વિધાનસભાના અધ્યક્ષ દ્વારા સત્તાવાર રીતે પરવાનગી પણ આપી દેવામાં આવી છે.
વિધાનસભાનાં અધ્યક્ષ ડૉ.નીમા આચાર્યએ જણાવ્યું હતું કે, યુવાનોને લોકશાહીની પ્રક્રિયા કઈ રીતની હોય તેનો ખ્યાલ આવે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સરકાર કેવી રીતે ચાલે, બજેટ કેવી રીતે બને, ચર્ચા કેવી રીતે થાય વગેરે લાઈવ શીખી શકાય એ તેનો મુખ્ય હેતુ છે. 21 જુલાઈના રોજ આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પસંદ કરાયેલા 182 વિદ્યાર્થીઓ દ્વારા જ વિધાનસભા ચલાવવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા ઝોનલ વિસ્તારમાં યુવા વિધાનસભા કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ ઈન્ટરવ્યુ માટે સ્કૂલ પોસ્ટ સંસ્થા સાથે જોડાયેલી 3500 જેટલી સ્કૂલનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો, જે પૈકી 390 શાળા-સંચાલકોએ પોતાના વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં મોકલવા માટે તમામ તૈયારીઓ દર્શાવી હતી. આ ઈન્ટરવ્યુની પ્રક્રિયામાં મુખ્ય શહેરી વિસ્તાર તેમજ આજુબાજુના વિસ્તારોની શાળાના વિદ્યાર્થીઓને પણ મુખ્ય ઝોન ખાતે જ બોલાવવામાં આવ્યા હતા. આ ઈન્ટરવ્યુ પ્રક્રિયા બે મહિના કરતાં વધારે સમય સુધી ચાલી હતી.
જણાવી દઈએ કે, સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન જેના દ્વારા કરવામાં આવ્યું છે એ સ્કૂલ પોસ્ટ સંસ્થાના એમ.ડી. વિકાસ રાજવંશીએ જણાવતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયામાં કરન્ટ અફેર્સ અને ભારતીય રાજકારણની જાણકારી સાથે બોલવાની કળા અંગે પણ ચકાસણી કરવામાં આવી હતી.
વિધાનસભાના અધ્યક્ષ તરીકે સિલેક્ટ થયેલી વડોદરાની નવરચના ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 12માં ભણતી મિશ્રી શાહે જણાવતા કહ્યું હતું કે, અમારા બેથી ત્રણ ઈન્ટરવ્યુ થયા અને એમાં જુદા જુદા વિષય રાખવામાં આવ્યા હતા. અમે રિહર્સલ કરી કે કેવી રીતે બોલવું, કેવી રીતે વર્તવું, કેવા પ્રકારના ફોર્મેટ હોય તેની સમજણ મેળવી હતી. પહેલા પ્રશ્નોત્તરી હશે અને ત્યારબાદ બજેટ પર ચર્ચા થશે. તેમજ મારે જે બોલવાનું હશે તે અંગે બોલવાનું રહેશે.
અમદાવાદ શહેરની ઝાયડસ શાળામાં ધોરણ 12માં અભ્યાસ કરી રહેલા રોહન રાવલ એક દિવસીય યુવા વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકેની ભૂમિકા ભજવશે. રોહન રાવલે જણાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પણ કહ્યું હતું કે હિંદુ કે મુસ્લિમ નહીં પણ બધા ભારતીય છે. દેશમાં બેરોજગારી વધારે છે પરંતુ આજે એક શાકવાળો પણ ડિજિટલ પેમેન્ટ કરી રહ્યો છે.
કોની ક્યાં વિસ્તારમાંથી થઇ પસંદગી?
મિશ્રી શાહ વિધાનસભા અધ્યક્ષ(વડોદરા), રોહન રાવલ- મુખ્યમંત્રી (અમદાવાદ), ગૌતમ દવે-વિપક્ષના નેતા(ગાંધીનગર), હર્ષ સાંઘાણી- કૃષિ મંત્રી (અમદાવાદ), મનન ચાવડા શિક્ષણ મંત્રી (અમરેલી), યશ પટેલ- રમત ગમત મંત્રી (વડોદરા), કશિષ કાપડી- વન અને પર્યાવરણ મંત્રી (અમદાવાદ), મેઘાવી દવે – કુટિર ઉદ્યોગ મંત્રી (ગાંધીનગર), હર્ષિલ રામાણી આદિજાતિ વિકાસ મંત્રી (અમદાવાદ), જય વ્યાસ- કાયદા મંત્રી (વડોદરા), રાજન મારુ-ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી (રાજકોટ), નીલય ડાઘલી શ્રમ અને રોજગાર મંત્રી (સુરેન્દ્રનગર), શ્રેયા પટેલ-મહિલા અને બાળ કલ્યાણ મંત્રી (અમદાવાદ), શ્રૃષ્ટિ નિહલાની – પેટ્રોલિયમ મંત્રી (વડોદરા), યશસ્વી દેસાઈ- મત્સ્ય ઉદ્યોગ મંત્રી (વડોદરા) અને પ્રિન્સ- સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રીની પસંદગી કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.